આતંકી ફંડિંગના કેસમાં જેલમાં બંધ સાંસદ કાશ્મીર ચૂંટણીમાં પ્રચાર કરશે, વચગાળાના જામીન મંજૂર
Rashid Engineer Gets Interim Bail For Election Campaign: દિલ્હીની એક કોર્ટે આતંકી ફંડિંગ મામલે સાંસદ એન્જિનિયર રાશિદને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. પટિયાલા હાઉસ કોર્ટે 2 ઓક્ટોબર, 2024 સુધી વચગાળાના જામીન આપ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન મળ્યા છે. તેમણે 3 મહિના માટે વચગાળાના જામીન માંગ્યા હતા. હાલ, નિયમિત જામીન અરજી પર આદેશ પેન્ડિંગ છે.
એન્જિનિયર રાશિદ તરીકે પ્રચલિત શેખ અબ્દુલ રાશિદે જેલમાં રહી લોકસભા ચૂંટણીમાં બારામૂલાના જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાને મોટા માર્જિન સાથે હરાવ્યા હતા. અપક્ષ તરીકે ચૂંટણી જીતી સાંસદ બન્યા છે. તેમની આવામી ઈતેહાદ પાર્ટી આગામી જમ્મુ-કાશ્મીર ચૂંટણી લડવા જઈ રહી છે.
એન્જિનિયર રાશિદના પુત્ર અબરાર રાશિદે પિતા માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. તે એઆઈપીના ચૂંટણી અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા છે.
2019થી જેલમાં બંધ રાશિદ
રાશિદને અગાઉ 5 જુલાઈએ કોર્ટે લોકસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ શપથ ગ્રહણ કરવા કસ્ટડી પેરોલ આપ્યા હતા. રાશિદ 2019થી જેલમાં છે, 2017માં આંતક-ફંડિંગ મામલે એનઆઈએ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રાશિદ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. તેમનું નામ કાશ્મીરી વ્યવસાયી જહૂર વટાલીની તપાસ દરમિયાન સામે આવ્યુ હતું. જેમાં એનઆઈએએ ખીણમાં આંતકવાદી જૂથો અને અલગાવવાદીઓને કથિત રીતે ફંડિંગ આપવાના આરોપમાં તેમની ધરપકડ કરી હતી.
એનઆઈએએ આ મામલે કાશ્મીર અલગાવવાદી નેતા યાસીન મલિક, લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક હાફિજ સઈદ, અને હિજબુલ મુજાહિદીનના વડા સૈયદ સલાહુદ્દીન સહિત અનેક લોકો વિરૂદ્ધ વોરંટ જારી કર્યો હતો. મલિક આરોપોમાં દોષિત ઠર્યા બાદ 2022માં ટ્રાયલ કોર્ટ દ્વારા આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી.