PM મોદીના US પ્રવાસ બાદ દિલ્હીમાં યોજાશે CMની શપથવિધિ, NDAના દિગ્ગજોને અપાશે આમંત્રણ
Delhi CM Oath Ceremony: દિલ્હીમાં ભાજપે પ્રચંડ જીત હાંસલ કરીને 27 વર્ષ બાદ ફરી સત્તામાં વાપસી કરી છે. જેથી ભાજપના કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપ નેતા સરકાર બનાવવાની તૈયારીમાં લાગેલા છે, એવામાં મુખ્યમંત્રીના નામને લઈને પણ અટકળો તેજ થઈ ચુકી છે. આ તમામની વચ્ચે હવે શપથવિધિને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે.
ભવ્ય શપથગ્રહણ સમારોહનું થશે આયોજન
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભાજપે મુખ્યમંત્રીના નામ પહેલાં શપથવિધિની તારીખ નક્કી કરી લેવામાં આવી છે અને નજીકના સમયમાં તેની જાહેરાત પણ કરી દેવાશે. વળી, પાર્ટી શપથવિધિને ભવ્ય બનાવવા ઈચ્છે છે. જેમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ સાથે NDAના પ્રમુખ નેતા પણ સામેલ થઈ શકે. ભાજપ શપથ ગ્રહણ સમારોહ દ્વારા શક્તિ પ્રદર્શન કરવા ઈચ્છે છે.
આ પણ વાંચોઃ દિલ્હીમાં CM કોણ? પરવેશ વર્મા જ નહીં પૂર્વ વિદેશમંત્રીના પુત્રીનું નામ પણ રેસમાં
ક્યારે થશે શપથવિધિ?
દિલ્હીમાં શપથવિધિને લઈને પ્રદેશ ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મળતી માહિતી મુજબ, શપથવિધિ એવા દિવસે કરવામાં આવશે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં સામેલ થઈ શકે. જેને ધ્યાને રાખીને જ કાર્યક્રમની તારીખ નક્કી કરવામાં આવશે. જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદી 10 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી વિદેશ પ્રવાસ પર છે. આ દરમિયાન તેઓ ફ્રાન્સ અને અમેરિકાની મુલાકાત લેશે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરત આવે ત્યારબાદ જ શપથ ગ્રહણ સમારોહ થઈ શકે છે. નોંધનીય છે કે, શપથવિધિને લઈને હજુ સુધી સત્તાવાર રીતે કોઈ તારીખ નક્કી કરવામાં નથી આવી. પરંતુ, એ નક્કી છે કે, શપથ ગ્રહણ સમારોહ 13 ફેબ્રુઆરી બાદ જ આયોજિત કરવામાં આવશે.
આ પણ વાંચોઃ AAPથી માત્ર 2 ટકા વધુ વોટ સાથે ભાજપે 48 બેઠકો કઈ રીતે જીતી? સમજો ગણિત
વડાપ્રધાન મોદીની વિદેશ મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 થી 12 ફેબ્રુઆરી સુધી ફ્રાન્સની યાત્રા કરશે. આ દરમિયાન તેઓ ફ્રાન્સના રાષ્ટ્ર પ્રમુખ મેક્રોં (Emmanuel Macron) સાથે AI શિખર સંમેલનમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદી મેક્રોં સાથે મળીને આ શિખર સંમેલનની સહ-અધ્યક્ષતા કરશે. ફ્રાન્સની મુલાકાત બાદ વડાપ્રધાન અમેરિકાની મુલાકાતે જશે. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળની શરૂઆત બાદ વડાપ્રધાન મોદીની આ પહેલી અમેરિકાની યાત્રા છે.