કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટથી ઝટકો, ધરપકડ અને રિમાન્ડ વિરૂદ્ધ તાત્કાલિક સુનાવણીથી ઈન્કાર

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટથી ઝટકો, ધરપકડ અને રિમાન્ડ વિરૂદ્ધ તાત્કાલિક સુનાવણીથી ઈન્કાર 1 - image


Arvind Kejriwal Arrest News : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાની ધરપકડ અને રિમાન્ડ વિરૂદ્ધ દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. પરંતુ હાઈકોર્ટથી તેમને ઝટકો લાગ્યો છે. કેજરીવાલે પોતાની અરજીમાં દિલ્હી હાઈકોર્ટથી તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. જોકે હાઈકોર્ટમાં કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ મનમોહનની કોર્ટે તેમની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાથી ઈન્કાર કરી દીધો છે.

કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં પોતાની અરજીમાં દલીલ કરી હતી કે, તેમની ધરપકડ અને રિમાન્ડના આદેશ બંને ગેરકાયદે છે. તેઓ તાત્કાલિક કસ્ટડીમાંથી મુક્ત થવા માટેના હકદાર છે. સાથે જ તેમણે કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશને રવિવારે એટલે કે 24 માર્ચે તાત્કાલિક સુનાવણી કરવાની માંગ કરી હતી. જોકે હવે કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશના કાર્યાલયના અનુસાર, હવે કેજરીવાલની અરજી પર હોળીની રજા બાદ એટલે કે 27 માર્ચે કોર્ટ ખુલ્યા બાદ સુનાવણી થવાની આશા છે. સોમવાર અને મંગળવારે હાઈકોર્ટમાં પણ હોળીની રજા છે. 

ઈડીએ ગુરુવારે કેજરીવાલના ઘરે સર્ચ બાદ તેમની ધરપકડ કરી લીધી હતી અને શુક્રવારે દિલ્હીની રાઉઝ એવેન્યૂ કોર્ટ સમક્ષ રજૂ કરાયા છે. જ્યાંથી કોર્ટે કેજરીવાલને 28 માર્ચ સુધી ઈડીની રિમાન્ડ પર મોકલી દીધા છે. ઈડીએ કેજરીવાલને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસની રિમાંડ માંગી હતી, પરંતુ કોર્ટે 6 દિવસની રિમાન્ડ આપી છે. હવે તેમને આગામી 28 માર્ચે બપોરે 2 વાગ્યે કોર્ટ સમક્ષ રજૂ કરાશે.

પોલિસી તૈયાર કરવામાં કેજરીવાલની સીધી સંડોવણી : ઈડી

ઈડીએ દલીલ રજુ કરી હતી કે, કેજરીવાલની દિલ્હી લિકર પોલિસી તૈયાર કરવામાં સીધી સંડોવણી છે અને બે વખત રોકડ ટ્રાન્સફર કરાયા છે. પહેલા 10 કરોડ અને પછી 15 કરોડ રૂપિયા અપાયા છે. મુખ્યમંત્રીએ આ રકમ ગોવા અને પંજાબની ચૂંટણી માટે ફંડ માટે ટ્રાન્સફર કરી છે. તેમણે કેસ સંબંધિત ઘણાં ઈલેક્ટ્રોનિક પુરાવાનો નાશ કર્યો છે. કેજરીવાલ અને આમ આદમી પાર્ટી સામે લીકર પોલિસી દ્વારા 600 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હતું. ઈડી તરફથી એડિશનલ સોલિસિટર જનરલ (ASG) રાજુએ તો કેજરીવાલ તરફથી વકીલો અભિષેક મનુ સિંઘવી, વિક્રમ ચૌધરી અને રમેશ ગુપ્તાએ દલીલો રજૂ કરી હતી. 

કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવી શું બોલ્યાં? 

કેજરીવાલ વતી હાજર વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, શું ઈડીએ ધરપકડ કરવી જરૂરી હતી? તમારી પાસે સત્તા છે એનો મતલબ એ નથી કે તમે ધરપકડ જ કરો? ધરપકડનો હક અને તેની જરૂરિયાત બંને અલગ વસ્તુ છે. બધા પુરાવા મનમુજબ ઘઢી કાઢેલા છે. તમારી પાસે બધુ જ છે તો પછી રિમાંડની શું જરૂર છે? ઈડી ફક્ત 3-4 નામનો જ ઉલ્લેખ કરી રહી છે. સિંઘવીએ કહ્યું કે ઈડીએ પીએમએલએનો કેસ સાબિત કરવો પડશે. કેજરીવાલની ધરપકડ કેમ? કસ્ટડીમાં લઈને જ પૂછપરછ કરવાની ક્યાં જરૂર છે? પહેલીવાર કોઈ મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી છે. સિંઘવીએ કહ્યું કે હાલ ધરપકડની જરૂર નહોતી. ચૂંટણી પહેલાં જ ધરપકડ કરાઈ છે. ચૂંટણી પહેલાં આવા પગલાં શા માટે? પહેલીવાર આપના તમામ મોટા નેતાઓની ધરપકડ કરાઇ. નિષ્પક્ષ ચૂંટણી જ બંધારણનો આધાર છે.

'તમારો ભાઈ ખૂબ મજબૂત છે...', કેજરીવાલના પત્નીએ ભાવુક થઈને વાંચી સંભળાવ્યો પત્ર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે એક વીડિયો સ્ટેટમેન્ટ જારી કર્યું છે. આ વીડિયોમાં તેમણે પોતાના પતિ અરવિંદ કેજરીવાલનો પત્ર દેશવાસીઓ સામે વાંચ્યો. આ પત્રને તેમણે જેલમાંથી લખ્યો છે. સુનીતા કેજરીવાલે ભાવુક થઈને આ પત્ર વાંચી સંભળાવ્યો. તેમણે કહ્યું કે, તમારા પુત્ર અને તમારા ભાઈ અરવિંદ કેજરીવાલે જેલમાંથી તમારા માટે એક સંદેશ મોકલ્યો છે. 


Google NewsGoogle News