કેજરીવાલના રાજીનામા પાછળનું રાજકીય ગણિત, ભાજપ સહિતના પક્ષો પણ સ્તબ્ધ!
Delhi CM kejariwal's resignation announcement : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામાની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલ એક્સાઇઝ પોલિસી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યાના બે દિવસ બાદ રવિવારે આમ આદમી પાર્ટીના મુખ્યાલય પહોંચ્યા હતા. પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને મળ્યા બાદ સીએમ કેજરીવાલે કાર્યકર્તાઓને સંબોધિત દરમિયાન મોટી જાહેરાત કરતા કહ્યું કે, ‘હું બે દિવસ પછી સીએમ પદ પરથી રાજીનામું આપી દઈશ.’ નોંધનીય છે કે, કેજરીવાલના આ પગલાંથી ભાજપ સહિત અન્ય પક્ષો સ્તબ્ધ થઈ ગયા છે.
ચાલો સમજીએ કેજરીવાલના રાજીનામા પાછળનું રાજકીય ગણિત.
લિકર પોલિસીના કથિત કૌભાંડમાં મહિનાઓ સુધી જેલમાં રહ્યાં બાદ સુપ્રીમ કોર્ટમાંથી જામીન પર બહાર આવેલા કેજરીવાલે પોતાના એક દાવથી બધાને ચોંકાવી દીધા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે હકીકતમાં કેજરીવાલના રાજીનામા પાછળ સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે, જેમાં તેમને જામીન આપવા કેટલીક શરતો મૂકાઈ છે.
તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે દિલ્હી લિકર પોલિસી કેસમાં શુક્રવારે જ કેજરીવાલને જામીન આપ્યા હતા. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભૂઈઆની બેન્ચે તેમને શરતી જામીન આપ્યા છે. તેનો અર્થ એ છે કે જેલમાંથી બહાર આવીને કેજરીવાલ કોઈ મોટું પગલું ના ભરી શકે. આ દરમિયાન કોર્ટે તેમને રૂ. દસ લાખ જામીન પેટે ભરવાનો પણ નિર્દેશ કર્યો. આ સાથે મેરિટ પર કોઈ જાહેર ટિપ્પણીઓ નહીં કરવાનો પણ નિર્દેશ આપ્યો. આ સાથે કોર્ટે કેટલીક શરતો મૂકી, જે નીચે પ્રમાણે છે.
સુપ્રીમ કોર્ટે આ પ્રમાણેની શરતો રાખી છે
- સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલય અને દિલ્હી સચિવાલય જઈ શકે નહીં.
- તેઓ સરકારી ફાઇલો પર સહી ન કરે, જ્યાં સુધી દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી મેળવવા માટે આવું કરવું જરૂરી ન હોય.
- તેઓ દિલ્હી લિકર સંબંધિત કેસમાં તેમની ભૂમિકા અંગે ટિપ્પણી કરશે નહીં. તેમજ કોઈ સાક્ષી સાથે વાતચીત નહીં કરે.
હકીકતમાં સુપ્રીમ કોર્ટે કેજરીવાલને જે શરતો સાથે જામીન આપ્યા છે, તે પ્રમાણે તેઓ દિલ્હીના કોઈપણ કામ અંગે બહાર આવીને કોઈ નિર્ણય લઈ શક્યા નથી. રાજકીય વિશ્લેષકો માનવું છે કે આ જ કારણસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કરીને દિલ્હીના સીએમની ખુરશી પર અન્ય કોઈ બેસે અને રાજધાનીના તમામ અધૂરા કામો વહેલામાં વહેલી તકે પૂરા કરીને તેઓ ચૂંટણી મેદાનમાં ઉતરી શકે.
આ રાજીનામું વિપક્ષના આરોપોના જવાબ તરીકે પણ માની શકાય છે. કેટલાક નિષ્ણાતોના મતે, તેનાથી પાર્ટીને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પણ થોડો ફાયદો થઈ શકે છે. જો કે કેજરીવાલનો આ નિર્ણય કેટલો સાચો રહેશે તે તો તેમની પોતાની ચૂંટણીના પરિણામો જ નક્કી કરશે.
કેજરીવાલે કાર્યકર્તાઓને સંબોધતા કરતાં કહ્યું કે, ‘હું બે દિવસ પછી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા જઈ રહ્યો છું. અને હું CMની ખુરશી પર ત્યાં સુધી નહીં બેસું, જ્યાં સુધી જનતા પોતાનો ચૂકાદો નહીં આપે કે કેજરીવાલ પ્રામાણિક છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે, સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો લાદી છે, છેલ્લા 10 વર્ષમાં તેઓએ શરતો લાદવામાં કોઈ કસર છોડી નથી. કેન્દ્ર સરકારે કાયદો બનાવીને મારું કામ રોકવાનો પ્રયાસ કર્યો છે.’
એટલે જ કેજરીવાલ જલદી ચૂંટણી ઇચ્છે છે
કેજરીવાલે કહ્યું કે ‘લિકર કૌભાંડ કેસનો કોર્ટ ચુકાદો આવવામાં 10 વર્ષ પણ લાગી જશે, પરંતુ આ પહેલા હું જનતાનો નિર્ણય ઇચ્છુ છું. હું ત્યાં સુધી મુખ્યમંત્રીની ખુરશી પર નહીં બેસું, જ્યાં સુધી પ્રજા મને નિર્દોષ ગણીને ફરી ના ચૂંટે. આ માટે હું ચૂંટણીમાં ઉતરશે. દિલ્હીની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની છે, પરંતુ હું તેને નવેમ્બરમાં જ કરાવવાની માંગ કરૂ છું.’
શું દિલ્હી વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાઇ શકે?
કેજરીવાલે માંગ કરી છે કે દિલ્હીની ચૂંટણી ફેબ્રુઆરીના બદલે મહારાષ્ટ્રની જેમ જ નવેમ્બરમાં યોજાય. જો કે, તેમણે વિધાનસભા ભંગ કરવાની જાહેરાત કરી નથી. કેજરીવાલે વિધાયક દળની બેઠકમાં નવા મુખ્યમંત્રીને ચૂંટવામાં આવશે. નિષ્ણાતોનું માનવું છે, કે જો વિધાનસભાને સમય પહેલા ભંગ નહીં કરાય અને સરકાર ચાલુ હશે, તો ચૂંટણી પંચ પાસે જલદી ચૂંટણી કરાવવાનો વિકલ્પ નથી. જો કેજરીવાલ જલદી ચૂંટણી ઇચ્છતા હોય, તો તેમણે વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરવી જોઇએ.