દિલ્હીના CM આતિશીએ કેમ ખાલી કરવો પડ્યો સરકારી બંગલો, AAP નેતાઓ ભડક્યા: જાણો સમગ્ર વિવાદ
Delhi CM Bunglow Sealed: દિલ્હીના મુખ્યમંત્રી બન્યા બાદ આતિશીને મુખ્યમંત્રી બંગલો અલોટ કરવામાં આવ્યું હતું. જો કે, એલોટમેન્ટના માત્ર 2 દિવસ બાદ જ તેમને બંગલો ખાલી કરવો પડ્યો હતો. જાહેર બાંધકામ વિભાગ (PWD)એ આ અંગે જણાવ્યું કે, સિવિલ અને ઈલેક્ટ્રીકલ ટીમના ઈજનેરોએ સાંજે 5 વાગ્યે આતિશીના સ્ટાફ પાસેથી ચાવી લીધી હતી, પરંતુ ચાવી આપતા પહેલા તેમના સ્ટાફે પોતે જ આતિશીનો સામાન ત્યાંથી હટાવી લીધો હતો. જો કે, સીએમ ઓફિસે અલગ જ દાવો કર્યો છે. તેમનો દાવો છે કે ભાજપના નિર્દેશ પર દિલ્હી એલજીએ મુખ્યમંત્રીનો બંગલો ખાલી કરાવ્યો હતો.
CMO નો દાવો અને PWD નો જવાબ
સીએમઓએ એક નિવેદન જારી કરીને કહ્યું કે ભાજપ આ બંગલાનો કબજો લેવા માંગે છે અને એલજીના માધ્યમથી પોતાના મોટા નેતાને આ બંગલો આપવા માંગે છે. જો કે, પીડબલ્યુડીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, વિભાગે અત્યારે બંગલાને કબજો લઈ લીધો છે અને નવું તાળું લગાવી દીધું છે. અત્યારે નિયમ મુજબ બંગલાની સફાઈ ઉપરાંત સમારકામ અને અન્ય કામગીરી ચાલી રહી છે. આમાં થોડા દિવસો લાગી શકે છે. આ પછી રિપોર્ટ ફાળવણી વિભાગને મોકલવામાં આવશે. ત્યારબાદ સમીક્ષા કરીને બંગલાનો કબજો મુખ્યમંત્રીને સોંપવામાં આવશે.
સંજય સિંહનો ભાજપ પર પ્રહાર
આપ નેતા સંજય સિંહે ગુરુવારે (10 ઓક્ટોબર) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર દાવો કર્યો હતો કે, 'દિલ્હીના મુખ્યમંત્રી આતિશી તેમના કાલકાજી સ્થિત નિવાસસ્થાન પર સામાનના ડબ્બાઓ વચ્ચે ફાઇલો પર સહી કરી રહ્યા છે. આ અંગે તસવીરો પોસ્ટ કરીને, સંજય સિંહે ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે તે મુખ્યમંત્રી આવાસ તો છીનવી શકે છે, પરંતુ દિલ્હીના લોકો માટે કામ કરવાનો આતિશીનો જુસ્સો છીનવી શકશે નહીં, બંગલા પર કબજો કરવાની હરકત મહિલા મુખ્યમંત્રી અને દિલ્હીની જનતાનું અપમાન છે. જે પાર્ટી 27 વર્ષથી દિલ્હીમાં સત્તાથી દૂર છે તે જબરદસ્તી મુખ્યમંત્રીના ઘર પર કબજો કરવાનો પ્રયાસ કરી રહી છે.'
એલજીએ શું કહ્યું?
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે આ અંગે કહ્યું કે, 'આતિશીને સત્તાવાર રીતે સરકારી બંગલો ફાળવવામાં આવ્યો ન હતો. આમ છતાં તેમણે સરકારી બંગલામાં ગેરકાયદે ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો અને જ્યારે તમે કોઈના ઘરમાં ઘૂસશો તો તે ઘરનો માલિક તમારી સામે કાર્યવાહી કરે તે સ્વાભાવિક છે. એલજી ઓફિસે જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી આતિશીએ સરકારી બંગલા માટે વિનંતી કરી હતી, જે વિચારણા હેઠળ હતી. હજુ સુધી આ બંગલો તેમને સત્તાવાર રીતે ફાળવવામાં આવ્યો ન હતો. આમ હોવા છતાં, તેઓ બંગલામાં રહેવા જતા રહ્યા હતા. જેના પરિણામે જાહેર બાંધકામ વિભાગે તેમની સામે આ કાર્યવાહી કરી છે.
આ પણ વાંચોઃ મારે EVMની બેટરીવાળો ફોન જોઈએ..: હરિયાણામાં પરાજય બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતાનો કટાક્ષ