‘પત્નીને CM બનાવવા માંગે છે કેજરીવાલ, ધારાસભ્યોએ કર્યો ઈન્કાર’ BJP નેતાનો દાવો
ધારાસભ્યોનો ઈન્કાર છતાં કેજરીવાલ જનમત સંગ્રહ કરી પત્નીને CM બનાવશે : મનજિંદર સિંહ સિરસાનો દાવો
સિરસાએ કહ્યું, પત્નીને મુખ્યમંત્રી બનાવવા માટે ધારાસભ્યો મનાવવા કેજરીવાલ ED સમક્ષ હાજર નહીં થાય
નવી દિલ્હી, તા.08 નવેમ્બર-2023, બુધવાર
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ લિકર પોલિસી કેસ (Liquor Policy Case)માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal)ને સમન્સ પાઠવ્યા બાદ રાજકારણ ગરમાવ્યું છે. આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) પણ તેમની ધરપકડ થવાની આશંકા વ્યક્ત કરી રહી છે. પાર્ટી એ વિચારવામાં વ્યસ્ત થઈ ગઈ છે, જો કેજરીવાલની ધરપકડ થાય તો તેમણે રાજીનામું આપવું જોઈએ કે જેલમાંથી જ સરકાર ચલાવવી જોઈએ ? ત્યારે આ તમામ આશંકાઓ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ ચોંકાવનારો દાવો કર્યો છે.
‘જનમત સંગ્રહ બાદ કેજરીવાલ પત્નીને મુખ્યમંત્રી બનાવશે’
BJPના રાષ્ટ્રીય સચિવ મનજિંદર સિંહ સિરસા (Manjinder Singh Sirsa)એ આક્ષેપ કર્યો છે કે, કેજરીવાલ પત્નીને મુખ્યમંત્રી બનાવવા ઈચ્છે છે. લિકર પોલિસી કેસમાં શરૂઆતથી જ ફરિયાદકર્તાઓમાં સામેલ સિરસાએ દાવો કરતાં કહ્યું કે, આમ આદમી પાર્ટીના જ એક નેતાએ તેમને આ માહિતી આપી છે. સિરસાએ પીટીઆઈ સાથેની વાતચીતમાં એવો પણ દાવો કર્યો છે કે, ધારાસભ્યોનો ઈન્કાર છતાં કેજરીવાલ જનમત સંગ્રહ કરવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, જનમત સંગ્રહ બાદ કેજરીવાલ પત્નીને મુખ્યમંત્રી બનાવશે.
‘ધરપકડ થયા બાદ હું તિહાર જેલમાંથી સરકાર ચલાવીશ’
સિરસાએ કહ્યું કે, ‘અરવિંદ કેજરીવાલે ગઈકાલે ધારાસભ્યો સાથે બેઠક યોજી અને કહ્યું કે, ધરપકડ થયા બાદ હું તિહાર જેલમાંથી સરકાર ચલાવીશ. કેજરીવાલને અગાઉથી જ જાણ હતી કે, જે પુરાવા આવ્યા છે, તેમાં 350 કરોડ રૂપિયાથી વધુનું મની ટ્રેલ છે. સુપ્રીમ કોર્ટે પણ તેનો ઉલ્લેખ કર્યો છે અને સિસોદિયાને પણ જામીન આપ્યા નથી. કેજરીવાલે જે નાણાંની લેવડ-દેવડ કરી છે, ખાસ કરીને તેમણે પોતાનું શીશમહેલ બનાવવાનું કામ કર્યું, તેમણે જાણ છે કે, તેઓ જેલ જશે.’
‘હવે પરિવારવાદ બચ્યું છે, આ કરશો તો બરબાદ થઈ જશો’
સિરસાએ વધુમાં કહ્યું કે, ‘મેં અગાઉ કહ્યું હતું કે, કેજરીવાલ ED સમક્ષ હાજર નહીં થાય, કારણ કે તેઓ તેમની ધર્મપત્ની સુનીતા કેજરીવાલ (Sunita Kejriwal)ને મુખ્યમંત્રી બનાવવા ધારાસભ્યોને મનાવવા માંગે છે. ગઈકાલે કેજરીવાલ દ્વારા યોજાયેલી બેઠકમાં આ સ્પષ્ટ થઈ ગયું છે. AAPના એક વરિષ્ઠ નેતાએ મને કહ્યું કે, તમામ ધારાસભ્યોએ ઈન્કાર કરી દીધો છે, તેઓએ કહ્યું કે, જો તમારી પત્નીને બનાવશો, અગાઉથી જ ભ્રષ્ટાચારનો દાગ લાગ્યો છે, ત્યારબાદ તમારા શીખમહેલ, અને હવે પરિવારવાદ બચ્યું છે, આ કરશો તો બરબાદ થઈ જશો. બેઠકમાં એવો નિવેડો લવાયો છે કે, જનમત કરાવીશું. જો લોકો એવું કહેશે કે અમે કેજરીવાલજીને મત આપ્યો છે, તો સુનીતા કેજરીવાલને જ મુખ્યમંત્રી બનાવી દેવાશે.’