કેજરીવાલની ત્રીજી તિહાર યાત્રા: આ પહેલા ગડકરીની માફી માગીને માંડ માંડ બચ્યાં હતા
Arvind Kejriwal in Tihar Jail : દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ કથિત લિકર પોલિસી કૌભાંડમાં ધરપકડ બાદ જેલમાં છે. સોમવારે કોર્ટે તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા, ત્યારબાદ કેજરીવાલને તિહાર જેલમાં લઈ જવામાં આવ્યા છે. આ પહેલી વખત નથી જ્યારે કેજરીવાલે તિહાર જેલમાં રાત વિતાવવી પડી હોય. આ પહેલા પણ બે વખત અરવિંદ કેજરીવાલે તિહાર જેલમાં જવું પડ્યુ હતું. જોકે, મુખ્યમંત્રી પદ પર રહીને તેમણે પહેલી વખત જેલ જવું પડ્યું છે.
કેજરીવાલ સૌથી પહેલા એક 'ક્રાંતિકારી' તરીકે તિહાર જેલ ગયા હતા
અરવિંદ કેજરીવાલને સૌથી પહેલા એક 'ક્રાંતિકારી' તરીકે તિહાર જેલમાં જવું પડ્યું હતું. આ વાત 2011ની છે જ્યારે તેઓ દિલ્હીમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા હતા અને જનલોકપાલ બિલ માટે અન્ના હજારેના નેતૃત્વમાં આંદોલન કરી રહ્યા હતા. કેજરીવાલની કલમ 144નું ઉલ્લંઘન કરવા બદલ ધરપકડ કર લેવામાં આવી હતી. કોર્ટે અન્ય કેટલાક આંદોલનકારીઓ સાથે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. ત્યારબાદ 2014માં કેજરીવાલને બીજી વખત તિહાર જેલમાં જવું પડ્યું હતું. તે સમયે તેઓ પૂર્વ સીએમ બની ચૂક્યા હતા. આમ આદમી પાર્ટીના ગઠન અને પહેલી જ ચૂંટણી બાદ તેઓ દિલ્હીમાં 49 દિવસની સરકાર ચલાવી ચૂક્યા હતા.
કેજરીવાલે નીતિન ગડકરી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો
કેજરીવાલે વર્તમાન કેન્દ્રીય મંત્રી અને તત્કાલીન ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. તેમણે મીડિયા સામે કેટલાક દસ્તાવેજો બતાવતા દાવો કર્યો હતો કે ગડકરીએ ભ્રષ્ટાચાર કર્યો છે. નીતિન ગડકરીએ કેજરીવાલ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં કોર્ટે તેમને 10,000 રૂપિયાના જામીન બોન્ડ ભરવા માટે કહ્યું હતું પરંતુ AAP નેતાએ તેનો ઈનકાર કરી દીધો હતો. કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાર મોકલી દીધા હતા. બંને કેસમાં જ તેમને કોર્ટમાંથી રાહત પણ મળી ગઈ હતી. જોકે, બાદમાં કેજરીવાલે ગડકરીની માફી માંગીને માનહાનિના કેસમાંથી મુક્તિ મેળવી લીધી હતી.
લિકર પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ
પહેલી વખત છે જ્યારે કેજરીવાલને ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં જવું પડ્યું છે. કથિત લિકર પોલિસી કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલની ED દ્વારા 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. સતત 9 સમન્સની અવગણના કરવા બદલ કેજરીવાલને કોર્ટમાંથી રાહત ન મળી ત્યારે એજન્સીએ તેમના ઘરે દરોડા પાડીને તેમની ધરપકડ કરી હતી. ED રિમાન્ડ પર 10 દિવસની પૂછપરછ પછી, એજન્સીએ તેમને 1 એપ્રિલના રોજ રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. EDએ કેજરીવાલને ન્યાયિક કસ્ટડીમાં રાખવાની માગણી કરી હતી જેનો કોર્ટે સ્વીકારી કરી લીધો હતો.