VIDEO: આજે તિહાર જેલમાં આત્મસમર્પણ કરશે કેજરીવાલ, રાજઘાટ પર બાપુને આપી શ્રદ્ધાંજલિ
Delhi CM Arvind Kejriwal Surrender in Tihar Jail : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચગાળાના જામીન પૂર્ણ થયા બાદ આજે તિહાર જેલમાં આત્મસમર્પણ કરશે. સુપ્રીમ કોર્ટે તેમને ચૂંટણી પ્રચાર કરવા માટે 21 દિવસના વચગાળાના જામીન આપ્યા હતા. જેલમાં આત્મસમર્પણ કરતા પહેલા કેજરીવાલે આજે રાજઘાટ જઈને ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ત્યારબાદ તેમણે કનૉટ પ્લેસ સ્થિત હનુમાન મંદિરે પ્રાર્થના કરી હતી.
કેજરીવાલે રાજઘાટ પહોંચી બાપૂને શ્રદ્ધાંજલિ અર્પી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે આત્મસમર્પણ કર્યા પહેલા નિવાસસ્થાને માતા-પિતાના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ તેઓ સીધા રાજઘાટ પહોંચ્યા હતા. તેમણે અહીં મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પી હતી. ત્યારબાદ તેમણે હનુમાન મંદિરો પ્રાર્થના કરી હતી. આ દરમિયાન તેમની સાથે તેમના પત્ની સુનીતા કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, આતિશી માર્લેના સહિત આમ આદમી પાર્ટીના ઘણાં નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કેજરીવાલે સુપ્રીમ કોર્ટનો માન્યો આભાર
કેજરીવાલે આજે બપોરે ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘હું બપોરે ત્રણ કલાકે તિહાર જેલમાં આત્મસમર્પણ કરીશ. જેલ જતા પહેલા રાજઘાટ અને હનુમાન મંદિરે જઈશ. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હું ચૂંટણી પ્રચાર માટે 21 દિવસ બહાર આવ્યો હતો. આ સાથે હું દેશની સર્વોચ્ચ અદાલતનો આભાર વ્યક્ત કરું છું.’
કેજરીવાલે માતા-પિતાના લીધા આશીર્વાદ
આ પહેલા અરવિંદ કેજરીવાલે આજે આત્મસમર્પણ કરતા પહેલા નિવાસસ્થાને માતા-પિતાના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ તેઓ સીધા રાજઘાટ જવા નીકળ્યા હતા.
જામીન અરજી પર કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો
આ પહેલા દિલ્હીની એક કોર્ટે શનિવારે કેજરીવાલની સાત દિવસની વચગાળાની જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અરજીમાં આરોગ્ય સંબંધિત કારણો દર્શાવીને જામીનની માંગણી કરાઈ હતી. રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ અરજીની સુનાવણી બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. આ મામલે પાંચમી જૂને ચુકાદો સંભળાવાશે.