જો ભાજપ જીતશે તો અમિત શાહને PM બનાવશે અને યોગીની રાજકીય કારકિર્દી ખતમ કરી દેશે: કેજરીવાલ
Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલને 50 દિવસની કસ્ટડી બાદ શુક્રવારે (10 મે)ના રોજ વચગાળાના જામીન મળ્યા હતા. સુપ્રીમ કોર્ટે કેજરીવાલને પહેલી જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે, ત્યારબાદ કેજરીવાલને 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે. દિલ્હીના સીએમ શુક્રવારે સાંજે જ તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ આજે કેજરીવાલે પહેલી પ્રેશ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપ અને વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.
'વડાપ્રધાન મોદી આવતા વર્ષે નિવૃત્ત થઈ રહ્યા છે' : CM કેજરીવાલ
કેજરીવાલે પ્રેશ કોન્ફરન્સ દરમિયાન વધુમાં કહ્યું હતું કે 'મોદીજી આવતા વર્ષે 17 સપ્ટેમ્બરે 75 વર્ષના થઈ રહ્યા છે. 2014માં મોદીજીએ નિયમ બનાવ્યો હતો કે ભાજપમાં જે 75 વર્ષનો હશે તે નિવૃત્ત થશે, પહેલા લાલકૃષ્ણ અડવાણી નિવૃત્ત થયા, પછી મુરલી મનોહર જોશી, સુમિત્રા મહાજન, યશવંત સિંહા નિવૃત્ત થયા. હવે મોદીજી આવતા વર્ષે 17મી સપ્ટેમ્બરે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. હું ભાજપને પૂછવા માંગુ છું કે તમારા વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ છે'? આ ઉપરાંત કેજરીવાલે વધુમાં કહ્યું કે 'જો ભાજપની સરકાર બનશે તો પહેલા તેઓ આગામી બે મહિનામાં યોગીને હટાવશે. ત્યારબાદ મોદીના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ અમિત શાહને વડાપ્રધાન બનાવશે.' દિલ્હીના મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે 'મોદી પોતાના માટે નહીં પણ અમિત શાહ માટે વોટ માંગી રહ્યા છે.'
'સરમુખત્યારશાહીને રોકવા આખા દેશનું ભ્રમણ કરીશ'
પ્રેસ કોન્ફરન્સને સંબોધતા સીએમ કેજરીવાલે કહ્યું કે 'હું મારા દેશને આ સરમુખત્યારશાહીથી બચાવવા 140 કરોડ લોકોની ભીખ માંગવા આવ્યો છું. તેમજ હું સુપ્રીમ કોર્ટનો આભાર માનું છું. તેઓએ મને 21 દિવસનો સમય આપ્યો છે. દિવસમાં 24 કલાક છે, હું આ સરમુખત્યારશાહીને રોકવા માટે આખા દેશનું ભ્રમણ કરીશ. મારા લોહીનું એક-એક ટીપું દેશ માટે કુર્બાન છે.'
સીએમ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે 'દરેકને મારી શુભેચ્છા. હું 50 દિવસ પછી જેલમાંથી સીધો તમારી પાસે આવ્યો છું, સારું લાગે છે. બજરંગબલીની કૃપા છે. AAPના ટોચના નેતાઓને જેલમાં મોકલવામાં આવ્યા હતા. PMએ AAPને કચડી નાખવામાં કોઈ કસર છોડી નથી. તેઓએ મને જેલમાં મોકલી દીધો. તેમણે સૌથી વધુ ચોરોને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા.' આ ઉપરાંત સીએમ કેજરીવાલે કહ્યું કે 'વડાપ્રધાન મોદી દેશના તમામ નેતાઓને ખતમ કરવા માંગે છે. વડાપ્રધાન મોદી વિપક્ષના તમામ નેતાઓને જેલમાં મોકલવા માંગે છે.'
'લોકો અમારી સાથે છે' : સીએમ ભગવંત માન
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જેલમાંથી છૂટ્યા બાદ AAPની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે 'લોકો અમારી સાથે છે.'
કેજરીવાલે શનિ મંદિરમાં પૂજા કરી હતી
દિલ્હીના મુખ્યમંત્રીએ જેલમાંથી બહાર આવ્યા બાદ સૌથી પહેલા કનોટ પ્લેસના હનુમાન મંદિરમાં પૂજા કરી હતી. આ પછી તેઓ પત્ની સાથે નવગ્રહ મંદિર પહોંચ્યા, જ્યાં તેમણે ભગવાન શિવની પૂજા કરી. આ દરમિયાન સીએમ ભગવંત માન પણ હાજર હતા.
કેજરીવાલ જેલમાંથી બહાર આવતા આપને રાહત મળી
નોંધનીય છે કે કેજરીવાલ જેલમાંથી બહાર આવવાથી આમ આદમી પાર્ટીને મોટી રાહત મળી છે, કારણ કે તેઓ AAPના સૌથી મોટા સ્ટાર પ્રચારક છે. અરવિંદ કેજરીવાલ એવા સમયે જેલમાંથી બહાર આવ્યા છે જ્યારે દિલ્હી, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં ચૂંટણી થવાની બાકી છે. આ ત્રણેય રાજ્યોમાં આમ આદમી પાર્ટીની સ્થિતિ ઘણી મજબૂત છે. જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલનો ત્રણેય રાજ્યોમાં રેલીઓ અને રોડ શો કરવાનો પ્લાન છે.