AAPમાં ભંગાણની આશંકાએ બોલાવવી પડી બેઠક
- ભાજપ અમારા 40 તોડવાનો પ્રયાસ કરી રહી છે : દિલીપ પાંડે
નવી દિલ્હી, તા. 25 ઓગષ્ટ 2022, ગુરૂવાર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે AAP ધારાસભ્યોની બેઠક ચાલી રહી છે. બેઠકમાં 8 ધારાસભ્યો ગેરહાજર હોવાના કારણે પાર્ટીને ધારાસભ્યોમાં ભંગાણની આશંકા જણાઈ રહી હતી. જોકે બાદમાં તમામ ધારાસભ્યો સાથે સંપર્ક સધાઈ ગયો હતો. કેટલાક ધારાસભ્યો સાથે સંપર્ક ન થઈ રહ્યો હોવાના કારણે બેઠક યોજવામાં આવી હતી. 54 ધારાસભ્યો તે બેઠકમાં પહોંચ્યા હતા અને 8 ધારાસભ્યો દિલ્હીની બહાર હોવાના કારણે તેમણે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠકમાં હાજરી આપી હતી.
અગાઉ આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યોએ ભાજપ પર 20 કરોડમાં ખરીદવા અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપના ઓપરેશન લોટસ હેઠળ, આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટીને શંકા છે કે, BJP તેમના ધારાસભ્યોને તોડી નાખશે. તેથી ગઈકાલે સાંજે આમ આદમી પાર્ટીની રાજકીય બાબતોની સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, તમામ ધારાસભ્યોની બેઠક યોજવામાં આવે. આ બેઠકમાં આમ આદમી પાર્ટીના કેટલા ધારાસભ્યો પહોંચ્યા છે તેના પર ખાસ નજર રાખવામાં આવી છે.
દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કુલ 62 ધારાસભ્યો છે અને આ બેઠકનું 11:00 વાગ્યે મુખ્યમંત્રીના નિવાસસ્થાને આયોજન થયું હતું. AAPના ધારાસભ્ય દિલીપ પાંડેએ જણાવ્યું હતું કે, ગઈકાલ સાંજથી અમુક ધારાસભ્યોનો સંપર્ક થઈ શક્યો નથી. અમે સતત તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તમામ ધારાસભ્યો ટૂંક સમયમાં જ મીટિંગમાં પહોંચશે. ભાજપ અમારા 40 તોડવાનો પ્રયાસ કરી રહી છે.
તમને જણવી દઈએ કે, દિલ્હીમાં લિકર પોલિસી મામલે સંઘર્ષ ચાલી રહ્યો છે. આમ આદમી પાર્ટીને દાવો કર્યો છે કે, દિલ્હીમાં પાર્ટીના ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસમાં BJP નિષ્ફળ ગઈ છે અને ઓપરેશન લોટસનો પર્દાફાશ થયો છે.
ગઈકાલે AAPના કેટલાક ધારાસભ્યો પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે, તેમને ભાજપ તરફથી 20-20 કરોડની ઓફર કરવામાં આવી હતી અને આ સિવાય બીજા અનેક લલચાવનારા વચનો આપ્યા હતા. AAPના દાવા પર ભાજપે કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી એક્સાઈઝ પોલિસી અંગેના આરોપોથી બચવા માટે આવા જુઠ્ઠાણા ફેલાવી રહી છે.
મનીષ સિસોદિયાએ એવો દાવો કર્યો છે કે, તેમને ભાજપનો મેસેજ મળ્યો હતો જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, તેઓ ભાજપમાં આવી જશે તો CBI-EDના તમામ કેસ બંધ કરાવી દેવાશે. મનીષ સિસોદિયાએ ટ્વિટમાં લખ્યું છે કે, 'મને ભાજપાનો મેસેજ મળ્યો- AAPને તોડીને ભાજપમાં આવી જાઓ, તમામ CBI-ED કેસ બંધ કરાવી દઈશું. મેં ભાજપને જવાબ આપ્યો- હું મહારાણા પ્રતાપનો વંશજ છું, રાજપૂત છું. માથું કપાવી લઈશ પણ ભ્રષ્ટાચારીઓ-ષડયંત્રકારીઓ સામે ઝુકીશ નહીં. મારી સામેના તમામ કેસ ખોટા છે. જે કરવું હોય એ કરી લો.'