'મને જેલમાં પૂરવા છતાં ભાજપનો પ્લાન ફેલ', 21 દિવસ પછી જેલમાંથી બહાર આવી કેજરીવાલનો સંદેશ
Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બે દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા છે. દિલ્હીના સીએમ શુક્રવારે સાંજે જ તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ શનિવારે કેજરીવાલે પહેલી પ્રેશ કોન્ફરન્સ કરી હતી. ત્યારે હવે આજે 21 દિવસ પછી જેલમાંથી બહાર બાદ આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્યો સાથે પહેલીવાર બેઠક કરી હતી.
'ઈન્દોર અને સુરતના ઉમેદવાર તો ચૂંટણી પહેલા જ છોડીને જતા રહ્યા'
કેજરીવાલે બેઠક દરમિયાન નામ લીધા વિના ભાજપ પર નિશાન સાધીને ધારાસભ્યોને કહ્યું કે 'મને ખબર પડી છે કે તેમણે તમારામાંથી ઘણાને લલચાવીને અને ધમકીઓ આપીને તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તમે બધા મજબૂત રહ્યા અને કોઈએ તૂટ્યું નહીં. આ માટે દેશ અને પાર્ટી તમારા પર ગર્વ કરે છે. બાકી મને એવું સાંભળવા મળ્યું છે કે ઈન્દોર અને સુરતના ઉમેદવાર તો ચૂંટણી પહેલા જ છોડીને જતા રહ્યા હતા.'
દેશને માત્ર AAP પાર્ટી જ ભવિષ્ય આપી શકે
આ ઉપરાંત કેજરીવાલે બેઠકમાં કહ્યું હતું કે 'હું 21 દિવસ માટે બહાર આવ્યો છું અને મારે 2 જૂને ફરી પરત જવાનું છે. એ પછી પાર્ટીને સંભાળવાની જવાબદારી તમારા બધા પર જ છે. આ દેશને માત્ર આમ આદમી પાર્ટી જ ભવિષ્ય આપી શકે છે. દેશની જનતાએ અન્ય તમામ પાર્ટીઓને અજમાવીને જોઈ લીધી છે. આજે દેશની હાલત એવી છે કે આવનારા સમયમાં માત્ર આમ આદમી પાર્ટીએ દેશની કમાન સંભાળવાની છે. દેશને માત્ર આમ આદમી પાર્ટી જ ભવિષ્ય આપશે.