દિલ્હી હાઈકોર્ટથી અરવિંદ કેજરીવાલને રાહત નહીં, હવે આગામી સુનાવણી 3 એપ્રિલે થશે
પહેલા ED કસ્ટડી વધારવા માંગ કરશે, ત્યારબાદ CBI કસ્ટડીની માંગ કરશે
Delhi Excise Policy Case : દિલ્હી લિકર પોલિસી કથિત કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ધરપકડ અને રિમાન્ડને લઈને દિલ્હી હાઈકોર્ટથી બુધવારે રાહત નથી મળી. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની કોર્ટે ઈડીને નોટિસ પાઠવીને 2 એપ્રિલ સુધીમાં જવાબ માંગ્યો છે. હાઈકોર્ટે તાત્કાલિક આદેશનો ઈન્કાર કરી દીધો છે અને કહ્યું છે કે, ઈડીનો જવાબ જાણવો જરૂરી છે. હાઈકોર્ટે હવે આ મામલે 3 એપ્રિલે સુનાવણી કરશે. હાલ અરવિંદ કેજરીવાલ હાલ ઈડીની કસ્ટડીમાં જ રહેશે.
ASG રાજૂએ કહ્યું કે, અમે ડિટેઇલ્સમાં જવાબ ફાઈલ કરવા માંગીએ છીએ. મુખ્ય કેસમાં અમને ત્રણ અઠવાડિયા અપાયા હતા. આ મામલે પણ અમને પોતાનો જવાબ દાખલ કરવા માટે જરૂરી સમય આપવામાં આવે.
મહત્વનું છે કે, કેજરીવાલે પોતાની ધરપકડને પડકારતા ઈડીની કસ્ટડીમાંથી મુક્ત કરવા માંગ કરી હતી. કેજરીવાલની અરજી પર જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની બેન્ચની સામે બંને પક્ષોએ પોતાની દલીલ રજૂ કરી હતી.
કાલે રાઉઝ એવન્યૂ કોર્ટમાં સુનાવણી
ઈડીની લીગલ ટીમના જણાવ્યા મુજબ આવતીકાલે ગુરુવારે રાઉઝ એવન્યૂ કોર્ટની વિશેષ અદાલતમાં ઈડીની રિમાન્ડ વધારવાની ચર્ચા કર્યા પહેલા સીબીઆઈની અરજી મેન્શન કરાશે. ઈડી હાલ કેજરીવાલના રિમાન્ડ વધારવા પર ભાર નહીં આપે, કારણ કે ઈડી ઈચ્છે છે કે, સીબીઆઈ કેજરીવાલની થોડી દિવસ પૂછપરછ કરે, ત્યારબાદ ઈડી રિમાન્ડ વધારવા માંગ કરી શકે છે, તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
EDને કુલ 14 દિવસના રિમાન્ડનો અધિકાર
ઉલ્લેખનીય છે કે, ઈડી પાસે કુલ 14 દિવસના રિમાન્ડનો અધિકાર હોય છે. હાલ કેજરીવાલ 22થી 28 માર્ચ સુધી ઈડીના રિમાન્ડ પર છે એટલે કે કોર્ટે છ દિવસના રિમાન્ડ આપ્યા છે, તેથી ઈડી પાસે હજુ આઠ દિવસ બચ્યા છે.
ધરપકડના વિરોધમાં કેજરીવાલની દલીલો
કેજરીવાલે ધરપકડના વિરોધમાં દાખલ કરેલી અરજીમાં ચાર દલીલો રજુ કરી છે, જેમાં કેજરીવાલે પોતાની ધરપકડને ગેરકાયદેસર ગણાવી છે. દલીલમાં કહેવાયું છે કે, ઈડી દ્વારા કરાયેલી કેજરીવાલ ધરપકડ તેમના મૂળભૂત અને માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. ઈડી અરજી વિરુદ્ધ ગુનો સાબિત કરવામાં અસફળ થઈ છે. પૂછપરછ કર્યા વગર કરાયેલી ધરપકડથી ફલીત થાય છે કે, આ કાર્યવાહી રાજકીય પ્રેરિત છે. કેજરીવાલે હાઈકોર્ટમાં કહ્યું કે, ઈડી મારો ગુનો સાબિત કરવામાં અસફળ થઈ છે. આ ઉપરાંત તેમણે જેલમાં છોડી મુકવા અને રિમાન્ડ રદ કરવાની માંગ કરી છે.
કેજરીવાલની 21 માર્ચે કરાઈ હતી ધરપકડ
ઈડીએ દિલ્હી લિકર પોલિસી કૌભાંડ મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તેમના નિવાસ્થાનેથી 21 માર્ચે ધરકપડ કરી હતી. ત્યારબાદ રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલના 28 માર્ચ સુધી ઈડીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ધરપકડ બાદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું નથી. આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે, તેઓ દિલ્હીના મુખ્યમંત્રી જ રહેશે અને જરૂર પડશે તો જેલમાંથી સરકાર ચલાવશે.