'હરણની જેમ દિલ્હીના રોડ પર ફરે છે આતિશી...', દિલ્હીના મુખ્યમંત્રી અંગે ફરી રમેશ બિધુડીની જીભ લપસી
Ramesh Bidhuri on CM Atishi: દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા આરોપોનો સિલસિલો શરુ થઇ ગયો છે. આ દરમિયાન દિલ્હીની કાલકાજી સીટ પરથી ભાજપના ઉમેદવાર રમેશ બિધુડીએ દિલ્હીના સીએમને લઈને નિવેદન આપ્યું છે, જેના પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. બિધુડીએ કહ્યું છે કે, 'આતિશી દિલ્હીની સડકો પર હરણની જેમ ફરે છે.'
આતિશી અંગે ફરી રમેશ બિધૂરીની જીભ લપસી
આ અંગે બિધુડીએ વધુમાં કહ્યું કે, 'વહીવટની નિષ્ફળતાને કારણે લોકો ફ્લેટ ખરીદી શકતા નથી. ટૂંક સમયમાં ઓળખ કાર્ડ ધરાવતા તમામ લોકોને ફ્લેટ મળશે. જ્યારે કેજરીવાલ અને આતિશી દિલ્હી જળ બોર્ડના પ્રમુખ હતા, ત્યારે દિલ્હીમાં એક પણ એમજીડી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો ન હતો. કેજરીવાલ શીશમહેલમાં રહે છે. 2 કરોડની કાર ચલાવે છે. તેમણે શીલા દીક્ષિતને જેલમાં ન મોકલ્યા અને સોનિયા ગાંધીનો પક્ષ લીધો.’
8 કરોડ રૂપિયા પચાવી ગયા
દિલ્હીમાં ભાજપ સરકાર બનાવવા બાબતે બિધુડીએ વધુમાં કહ્યું કે, 'કેજરીવાલે દિલ્હી જલ બોર્ડના 8 કરોડ રૂપિયા પચાવી લીધા છે. જ્યારે ભાજપની સરકાર બનશે ત્યારે ટૂંક સમયમાં અમે EWS ફ્લેટમાં પાણી આપવાનું શરૂ કરીશું. હું પૂછવા માંગુ છું કે તમે DCP ને કાયદો અને વ્યવસ્થા અને ડ્રગ્સ પર મીટિંગ માટે કેટલી વાર બોલાવ્યા. કેજરીવાલ અને આતિશી બંને ગુનાખોરીને પ્રોત્સાહન આપી રહ્યા છે.'
અગાઉ આતિશીના નામને લઈને સવાલો ઉભા થયા છે
આ પહેલા પણ રમેશ બિધુડીએ આતિશીના પિતા વિશે કહ્યું હતું કે ‘જ્યારે વોટિંગ થશે ત્યારે જનતા જવાબ આપશે. આતિશીના માતા-પિતાએ અફઝલ ગુરુ માટે સિગ્નેચર કેમ્પેઈન શરૂ કર્યું હતું. આતિશી તેનું સમર્થન કરે છે કે નહીં. ચૂંટણી લડતી વખતે આતિશી પોતાને આતિશી સિંહ કહે છે પરંતુ એફિડેવિટમાં તેમનું નામ આતિશી માર્લેના છે. આતિશી કઈ માનસિકતા ધરાવે છે તે સાબિત થઈ ગયું છે. તે ખોટા આંસુ વહાવે છે.’
AAPએ આતિશીને ટિકિટ આપી
જણાવી દઈએ કે દિલ્હીના રમેશ બિધુડી દિલ્હીની કાલકાજી બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. તેમજ આમ આદમી પાર્ટીએ આ બેઠક પરથી દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી આતિશીને મેદાનમાં ઉતાર્યા છે.