Get The App

જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી હિમવર્ષા, બદ્રી-કેદારનાથમાં બરફની ચાદર, અટલ ટનલ બંધ, ઠંડી વધી

ઉત્તરાખંડની બદરીનાથ-કેદારનાથ ખીણમાં બરફની સફેદ ચાદર છવાઈ ગઈ, પારો સામાન્ય કરતા 9 ડિગ્રી નીચે સર ગયો

અનેક હાઈવે બંધ કરાયા, વાહનોની અવર-જવરને અસર થતાં પ્રવાસીઓ અટવાયા

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી હિમવર્ષા, બદ્રી-કેદારનાથમાં બરફની ચાદર, અટલ ટનલ બંધ, ઠંડી વધી 1 - image

image : IANS

 / File photo



Snowfall News | પવર્તો પર હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિત ઉત્તરાખંડમાં ઠંડીનું જોર વધ્યું છે. હવામાનમાં પલટાં વચ્ચે હિમવર્ષાને કારણે કાશ્મીરનો દેશના અન્ય ભાગો સાથે માર્ગ સંપર્ક તૂટી ગયો છે. હિમાચલમાં મનાલી-લેહ રોડ અને અટલ ટનલ બંધ કરવાની ફરજ પડી હતી. ઉત્તરાખંડની બદરીનાથ-કેદારનાથ ખીણમાં બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે. અહીં પારો સામાન્ય કરતા 9 ડિગ્રી નીચે સર ગયો હતો.

કાશ્મીરમાં પણ ભારે હિમવર્ષા

માહિતી અનુસાર કાશ્મીરના ઊંચા પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ હતી. ગુલમર્ગમાં પણ સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી. કુપવાડાના માછિલ સેક્ટરમાં પણ બરફ પડ્યો હતો. ગુરેઝ, સોનમાર્ગ, ઝોજિલા પાસ, સાધના પાસ, ફરકિયાં ટોપ, કુલગામ અને બડગામના કેટલાક મેદાનોમાં હળવી હિમવર્ષા થઈ હતી. જ્યારે રાજોરી, પૂંછ, રિયાસી, ડોડા, કિશ્તવાડ, રામબન, કઠુઆના ઉપરના વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. બનિહાલ શહેરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી. પ્રવાસીઓ માટે પ્રસિદ્ધ સ્થળો નાથાટોપ અને પટનીટોપમાં પણ સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ છે. ખરાબ હવામાનને કારણે કટરા-સાંજીછત હેલિકોપ્ટર સેવા પ્રભાવિત રહી હતી. જો કે બપોર બાદ અનેક વિસ્તારોમાં હવામાન ચોખ્ખું થઈ ગયું હતું. જમ્મુ-શ્રીનગર હાઈવે હાલમાં બંધ છે.

રસ્તાઓ બંધ થતાં વાહનવ્યવહાર ખોરવાયો 

મનાલી-લેહ માર્ગ શનિવારે બીજા દિવસે પણ વાહનવ્યવહાર માટે બંધ રહ્યો હતો. આ કારણોસર મનાલીથી લેહ તરફ માલસામાન લઈ જતી છ ટ્રકોને દારચા પોલીસ ચેકપોસ્ટ પર રોકવામાં આવી હતી. મનાલી-લેહ માર્ગ પુનઃસ્થાપિત થયા પછી આ વાહનોને છોડવામાં આવશે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને બરાલાચા અને જિંગજિંગબારથી બરફ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે.

કડકડતી ઠંડી વચ્ચે ભક્તોએ દર્શન કર્યા 

ઉત્તરાખંડના બદ્રી-કેદારમાં ત્રીજા દિવસે પણ હવામાન ખરાબ રહ્યું હતું અને ભારે હિમવર્ષા થઈ હતી જેના કારણે અહીં બરફની ચાદર છવાઈ ગઈ છે. હિમવર્ષાના કારણે બંને ધામોમાં કડકડતી ઠંડી પડી રહી છે. ભક્તોએ ઠંડી વચ્ચે ભગવાનના દર્શન કર્યા હતા. બદ્રીનાથમાં લઘુત્તમ તાપમાન માઈનસ 7 અને મહત્તમ 8 ડિગ્રી હતું. જ્યારે કેદારનાથમાં મહત્તમ તાપમાન 3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન માઈનસ 9 ડિગ્રી નોંધાયું હતું. 

જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી હિમવર્ષા, બદ્રી-કેદારનાથમાં બરફની ચાદર, અટલ ટનલ બંધ, ઠંડી વધી 2 - image


Google NewsGoogle News