10 માર્ચે રેલ રોકો આંદોલનનું એલાન, ખેડૂત નેતાએ કહ્યું- '6 માર્ચે પહોંચો દિલ્હી', જાણો પ્રદર્શન પ્લાન
Farmers Protest : ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. આ વચ્ચે ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલ અને સરવન સિંહ પંઢેરે રવિવારે કહ્યું કે, અમારું દિલ્હી ચલો માર્ચ ટળ્યું નથી. માંગો નહીં સંતોષવામાં આવે ત્યાં સુધી અમારું વિરોધ પ્રદર્શન શરૂ રહેશે.
જગજીત સિંહ ડલ્લેવાલે કહ્યું કે, 'હું સ્પષ્ટ કરી દેવા માંગું છું કે દિલ્હી જવાનો કાર્યક્રમ ટળ્યો નથી. અમે તેનાથી પીછેહટ નથી કરી. કેન્દ્ર સરકાર સામે અમે રણનીતિ નક્કી કરી છે. અમે જે બોર્ડર પર બેઠા છીએ, ત્યાં સંખ્યા વધારીશું. બીજી બોર્ડર પર પણ ખેડૂતોને લાવવાનો પ્રયાસ કરીશું.'
10 માર્ચે રેલ રોકો આંદોલન
ડલ્લેવાલે વધુમાં કહ્યું કે, 'અમે નક્કી કર્યું છે કે 6 માર્ચે આખા દેશમાંથી અમારા લોકો રેલવે, બસ અને હવાઈ માર્ગે (દિલ્હી) આવશે. અમારું 10 માર્ચે 12 થી 4 વાગ્યા સુધી રેલ રોકો આંદોલન હશે. અમે લોકો અપીલ કરીએ છીએ કે તેમાં વધુમાં વધુ લોકો સામેલ થાય.'
સરવન સિંહ પંઢેરે કહ્યું કે, 'ખનૌરી અને શંભૂ બોર્ડર પર બેઠેલા ખેડૂતો પોતાનું આંદોલન શરૂ રાખશે. ભાજપે અજય મિશ્રા ટેનીને ટિકિટ આપીને ખેડૂતોનું અપમાન કર્યું છે.'
ખેડૂતો કરશે મહાપંચાયત
14 માર્ચે ખેડૂતો 'ખેડૂત મહાપંચાયત' કરશે. તેને લઈને સંયુક્ત કિસાન મોર્ચાએ કહ્યું કે, 'તેમાં 400થી વધુ ખેડૂત સંઘ ભાગ લેશે. SKMએ તેમને સંયુક્ત કિસાન મોર્ચા અને કિસાન મજદૂર મોર્ચાને એક પ્રસ્તાવ મોકલીને એકતાની અપીલ કરી છે.'
ખેડૂતોની શું છે માંગ?
પાકોના MSP માટે કાયદાની ગેરેન્ટી, સ્વામીનાથન આયોગની ભલામણોને લાગૂ કરવી, ખેડૂતો અને કૃષિ મજુરો માટે પેન્શન અને કૃષિ લોન માફ કરવા સહિતની આંદોલનકારી ખેડૂતોની માંગો છે.