Get The App

જીવન તો સલામત નહોતું, હવે સલામત ભણતરના હક માટે પણ વિદ્યાર્થીઓની ચીફ જસ્ટિસને આજીજી

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
જીવન તો સલામત નહોતું, હવે સલામત ભણતરના હક માટે પણ વિદ્યાર્થીઓની ચીફ જસ્ટિસને આજીજી 1 - image


Delhi Basement Flooding : ભારતમાં માણસના જીવની કંઈ કિંમત છે, એની સાબિતીરૂપ દુર્ઘટના વારંવાર બનતી રહે છે. એવી એક ઘટના તાજેતરમાં દિલ્હીમાં બની ગઈ જેમાં ત્રણ નિર્દોષ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા.

શું હતી દુર્ઘટના?

27 જુલાઈના દિવસે દિલ્હીમાં ઓલ્ડ રાજેન્દ્ર નગર સ્થિત ‘રાવ IAS કોચિંગ સેન્ટર’ના ભોંયરામાં પાણી ભરાતાં ત્રણ વિદ્યાર્થીના મોત નિપજ્યા હતા. મૃતકોમાં 25 વર્ષીય તાનિયા સોની અને 25 વર્ષીય શ્રેયા યાદવ (બંને ઉત્તર પ્રદેશની રહેવાસી) અને કેરળના 28 વર્ષીય નેવિન ડાલ્વિનનો સમાવેશ થાય છે. ભોંયરામાં બનાવેલી લાઈબ્રેરીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે બહાર ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. સફાઈને અભાવે નાળા ઊભરાઈ ગયા હતા. ધસમસતું પાણી લાઈબ્રેરીમાં ઘૂસી ગયું હતું અને વિદ્યાર્થીઓ સમયસર બહાર ન નીકળી શકતા ડૂબી મર્યા હતા. એ ઉપરાંત 26 વર્ષીય નિલેશ રાય નામના વિદ્યાર્થીને પટેલ નગરમાં વીજ કરંટ લાગ્યો હતો.

દુર્ઘટનાના પડઘારૂપે ઉઠ્યો અવાજ

પ્રસાશનના એદીપણાનો ભોગ બનેલા વિદ્યાર્થીઓના અકાળ અવસાનથી દુખી થયેલા એક વિદ્યાર્થીએ આ બાબતની ફરિયાદ સીધી ચીફ જસ્ટિસ સામે કરી છે. અવિનાશ દુબે નામના વિદ્યાર્થીએ ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડને લાગણીશીલ ભાષામાં એક પત્ર લખીને વિદ્યાર્થીઓની સલામતી જળવાય એ માટેનો પોકાર કર્યો છે. સાથોસાથ એણે ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ માટે જવાબદાર શહેરના અધિકારીઓ અને અન્ય લોકો સામે પગલાં લેવાની માંગ પણ કરી છે.

શું લખ્યું અવિનાશે પત્રમાં? 

પત્રમાં અવિનાશે લખ્યું છે કે, ‘રાજેન્દ્ર નગરમાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા જેને પરિણામે ત્રણ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો છે. મહાનગરપાલિકાની બેદરકારીને કારણે મુખર્જી નગર અને રાજેન્દ્ર નગર જેવા વિસ્તારો ઘણાં વર્ષોથી વરસાદી પાણી ભરાઈ જવાની અને કાદવથી બ્લોક થઈ ગયેલી ગટરો ઊભરાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ઘૂંટણ સુધી ભરાઈ જતા ગટરના ગંદા પાણીમાં ચાલીને અમારે અભ્યાસ માટે જવું પડે છે. અમારા ઘરોમાં પણ અવારનવાર પાણી ભરાઈ જાય છે. મારા જેવા સેંકડો વિદ્યાર્થીઓ અહીં નરક જેવું જીવન જીવી રહ્યા છે. 

ગઈકાલની ઘટનાએ સાબિત કરી દીધું છે કે વિદ્યાર્થીઓનું જીવન સુરક્ષિત નથી. દિલ્હી સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન અમને તુચ્છ જંતુઓ જેવું જીવન જીવવા માટે મજબૂર કરે છે. અમારી દુર્દશાથી એમને કોઈ ફરક પડતો નથી. પાણી ભરાવાથી વિદ્યાર્થીઓની સલામતી અને આરોગ્ય સામે ગંભીર ખતરો ઊભો થાય છે. સ્વાસ્થ્યપૂર્ણ માહોલમાં અભ્યાસ કરવો એ અમારો મૂળભૂત અધિકાર છે. ભવિષ્યમાં જેમણે દેશના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપવાનું છે એવા વિદ્યાર્થીઓના શિક્ષણ મેળવવાના મૂળભૂત અધિકારોનું આપ રક્ષણ કરો એવી મારી અરજ છે.’ 

અવિનાશે એમ પણ લખ્યું હતું કે, ‘પાર્કિંગ અને સ્ટોરેજ માટે ઉપયોગમાં લેવાને બદલે ભોંયરાનો ઉપયોગ નિયમોનું ઉલ્લંઘન કરીને પુસ્તકાલય તરીકે કરવામાં આવી રહ્યો હતો. આવી ગેરકાનૂની પ્રવૃત્તિઓ, મંજૂરીઓ પર પણ આપ રોક લગાવો. પાણી ભરાઈ જવાની સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવડાવો. કટોકટીના સમયમાં અસરગ્રસ્તોને તરત તબીબી સારવાર મળી શકે એવી ગોઠવણ કરાવડાવો.’

જોકે, આ પત્રને અરજી તરીકે લેવાશે કે કેમ એ ચીફ જસ્ટિસે હજુ સુધી નક્કી કર્યું નથી.

કેવા પગલાં લેવાયા?

દુર્ઘટનાને પગલે કોચિંગ સેન્ટરના માલિક અભિષેક ગુપ્તા અને સંયોજક દેશપાલ સિંહ સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને 14 દિવસની કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યા હતા. દુર્ઘટના બની હતી એ બિલ્ડિંગના અમુક ભાગ અતિક્રમણ ગણીને બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે.

દુર્ઘટનાને પગલે ગરમાયું રાજકારણ 

આપણા દેશની બલિહારી એ છે કે કોઈપણ દુર્ઘટનાની જવાબદારી લેવાને બદલે સત્તાધારી સરકાર દોષનો ટોપલો બીજા પર ઢોળી દેતી હોય છે. દિલ્હીની આ દુર્ઘટનામાં પણ આમ જ બની રહ્યું છે. આપ અને ભાજપ વચ્ચે પોલિટિકલ બ્લેમ ગેમ શરૂ થઈ ગઈ છે. આપના કાર્યાલયની નજીક ભાજપના કાર્યકરો વિરોધના વાવટા ફરકાવવા નીકળી પડ્યા હતા અને આપ દ્વારા વિરોધીઓ પર પાણીનો મારો કરીને એમને પોલીસ અટકાયતમાં લેવાયા હતા. આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. માસૂમ વિદ્યાર્થીઓના મોતમાંથી પોલિટિકલ માઇલેજ મેળવવાની ગંદી રાજરમત રમાઈ રહી છે.

સંસદમાં પણ પડ્યા ઘેરા પડઘા

દુર્ઘટનાના સંદર્ભમાં સંસદમાં પણ હોબાળો મચ્યો હતો. કોંગ્રેસના લોકસભા સાંસદ શશિ થરૂરે ‘આપ’ વિરુદ્ધ આકરા વેણ ઉચ્ચાર્યા હતા, તો ગૃહના અધ્યક્ષ જગદીપ ધનખડે પણ ધંધાદારી બની ગયેલા કોચિંગ ક્લાસના ‘વેપાર’ની ટીકા કરી હતી.

દુર્ઘટનાના અન્ય કિસ્સામાં બને છે એમ શું આ કેસમાં પણ પાંચ-સાત દિવસની ગરમાગરમી પછી બધું શાંત થઈ જશે? અમુકતમુક અધિકારીઓને માથે દોષના ઠીકરા ફોડીને, ન્યાયિક તપાસના નાટક કરીને પછી બધું ભીનું સંકેલાઈ જશે? સદોષ માનવહત્યાના આ દેખીતા ગુનામાં કોઈને સજા થશે ખરી? અવિનાશ દુબેના પીડાભર્યા પત્રને ગંભીરતાથી લઈને દેશની ન્યાયપ્રણાલીમાં સર્વોચ્ચ સ્થાને બેઠેલા ન્યાયાધીશ કંઈ કરે તો ખરું. બાકી તો ભારતનો સામાન્ય નાગરિક પ્રસાશનની ગેરવ્યવસ્થાનો ભોગ બનીને મરણને શરણ થવા માટે તૈયાર જ બેઠો છે.


Google NewsGoogle News