ચૂંટણી પહેલા દિલ્હી વિધાનસભા સ્પીકરનો રાજકારણમાંથી સંન્યાસ, કેજરીવાલને લખ્યો પત્ર
AAP MLA Ram Niwas Goel Retires From Active Politics: દિલ્હી વિધાનસભાના સ્પીકર રામનિવાસ ગોયલે રાજકારણમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. આ અંગે તેમણે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે અને પોતાની વધતી ઉંમરને ટાંકીને રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. પત્રમાં તેમણે લખ્યું કે, 'હવે ઉંમરના કારણે ચૂંટણીના રાજકારણથી દૂર રહેવા માંગું છું, પરંતુ પાર્ટીની સેવા કરવાનું ચાલુ રાખીશ.'
રામનિવાસ ગોયલે પત્રમાં શું લખ્યું?
કેજરીવાલને લખેલા પત્રમાં રામ નિવાસ ગોયલે લખ્યું છે કે, 'હું તમને નમ્રતાપૂર્વક જણાવવા માંગું છું કે છેલ્લા 10 વર્ષથી મેં શાહદરા વિધાનસભાના ધારાસભ્ય અને સ્પીકર તરીકે મારી ફરજો કુશળતાપૂર્વક નિભાવી છે. તમે હંમેશા મને ઘણું સન્માન આપ્યું છે જેના માટે હું હંમેશા તમારો આભારી રહીશ. પાર્ટી અને તમામ ધારાસભ્યોએ પણ મને ઘણું સન્માન આપ્યું છે, આ માટે હું દરેકનો આભાર વ્યક્ત કરું છું. મારી ઉંમરને કારણે હું ચૂંટણીના રાજકારણથી દૂર રહેવા માંગું છું. હું તમને ખાતરી આપું છું કે હું મારા તન, મન અને ધનથી આમ આદમી પાર્ટીની સેવા કરતો રહીશ. તમે મને જે પણ જવાબદારી સોંપશો તે હું નિભાવવાનો પ્રયત્ન કરીશ.'
લાંબા સમયથી રાજકારણમાં જોડાયેલા
ઉલ્લેખનીય છે કે, રામનિવાસ ગોયલ લાંબા સમયથી રાજકારણમાં છે. 1993માં તેઓ ભાજપની ટિકિટ પર શાહદરા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. બાદમાં જ્યારે આમ આદમી પાર્ટી અસ્તિત્વમાં આવી ત્યારે તેઓ તેમાં જોડાયા. આ પછી તેઓ છેલ્લી બે ચૂંટણીઓમાં સતત જીત્યા અને પછી વિધાનસભાના સ્પીકર બન્યા.