દિલ્હી વિધાનસભા ચૂંટણી : પાંચ ફેબ્રુઆરીએ મતદાન આઠમીએ પરિણામ
- 1.55 કરોડ મતદારો રાજધાનીનો તાજ કોને પહેરાવવો તે નક્કી કરશે
- નેતાઓ દ્વારા મહિલાઓનું અપમાન કરતા નિવેદનો ના ચલાવી લેવાય : બિધૂડી મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. પાંચ ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાની તમામ ૭૦ બેઠકો પર મતદાન થશે. જ્યારે ૮ ફેબ્રુઆરીના રોજ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. એક જ તબક્કામાં તમામ બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે. ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ ૧૭ જાન્યુઆરી છે, આ સાથે જ ઉત્તર પ્રદેશની મિલકીપુર અને તામિલનાડુની ઇરોડે વિધાનસભા બેઠક પર પણ પાંચ ફેબ્રુઆરીએ પેટા ચૂંટણી યોજાશે.
દિલ્હી વિધાનસભામાં કુલ ૭૦ બેઠકો છે જેમાં ૫૮ સામાન્ય અને ૧૨ અનામત બેઠકો છે. કુલ મતદારોની સંખ્યા ૧.૫૫ કરોડ છે જેમાં ૮૩.૪૯ લાખ પુરુષો અને ૭૧.૭૪ લાખ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૨૬૧ ટ્રાન્સજેન્ડર મતદારો પણ છે. કુલ મતદારોમાં ૨૫ લાખ યુવા મતદારો છે, બે લાખ જેટલા યુવાનો પ્રથમ વખત મતદાન કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરની વિધાનસભાની બે બેઠકો બડગામ અને નાગરોટામાં હિમવર્ષાને પગલે હાલ ચૂંટણી નહીં યોજાય, આ માટે બાદમાં અલગથી પેટા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત બંગાળની બાસિરહટ અને ગુજરાતની વિસાવદર બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાવાની છે જોકે બન્ને બેઠકોને લઇને ચૂંટણી સંલગ્ન અરજીઓ પેન્ડિંગ હોવાથી હાલ અમે કોઇ નિર્ણય ના લઇ શકીએ.
દિલ્હીમાં મતદાન પ્રક્રિયાને પાર પાડવા માટે ૧૩ હજારથી વધુ મતદાન મથકો તૈયાર કરાશે. આ પહેલા વર્ષ ૨૦૨૦માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ૬૨, ભાજપને આઠ જ્યારે કોંગ્રેસને કોઇ જ બેઠક નહોતી મળી. હાલમાં આમ આદમી પાર્ટી અને ભાજપ બન્ને દ્વારા દિલ્હીની ગાદી સંભાળવવા માટે પુર જોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. આપના અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી આતિશી ભાજપના નેતાઓ પર આકરા પ્રહારો કરી રહ્યા છે.
ચૂંટણીની તારીખો જાહેર થતા મુખ્યમંત્રી આતિશીએ પ્રેસ કોન્ફરંસ કરીને ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપે ત્રણ મહિનામાં બે વખત મારુ આવાસ મારી પાસેથી છીનવી લીધુ છે. જો જરૂર પડી તો હું દિલ્હીના લોકોના ઘરમાં જઇને રહીશ પરંતુ દિલ્હીના લોકોના કામ નહીં અટકવા દઉ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેજરીવાલ પર પોતાના માટે શીશ મહેલ બનાવ્યો હોવાનો આરોપ લગાવી રહ્યા છે. એવામાં આપના સાંસદ સંજયસિંહે કહ્યું હતું કે અમે મીડિયાને સાથે રાખીને મુખ્યમંત્રી આવાસ પર જઇશું, તમે અમને દેખાડજો કે સોનાના ટોઇલેટ ક્યાં છે? સ્વિમિંગ પુલ ક્યાં છે? મિની બાર ક્યાં છે.