હાર બાદ કેજરીવાલનું ભાજપ વિરુદ્ધ નવું અભિયાન, 22 ધારાસભ્યોને આપ્યો મોટો આદેશ
Arvind Kejriwal Attack On BJP : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ભૂંડી હાર થતા સત્તા છોડવાનો વારો આવ્યો છે. રાજધાનીની કુલ 70 બેઠકોમાંથી ભાજપે 48 તો AAPએ 22 બેઠકો જીતી છે. ચૂંટણીમાં કારમો પરાજય થયા બાદ પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે ભાજપ વિરુદ્ધ નવું અભિયાન શરૂ કરી દીધું છે. કેજરીવાલે આજે (9 ફેબ્રુઆરી) વિજેતા તમામ ઉમેદવારો સાથે બેઠક યોજી હતી.
કેજરીવાલે વિજેતા ધારાસભ્યોને શું કહ્યું ?
બેઠક બાદ આતિશીએ કહ્યું કે, ‘કેજરીવાલે વિજેતા તમામ ધારાસભ્યોને પોત-પોતાના વિધાનસભા ક્ષેત્રમાં જનતા માટે કામ કરવા કહ્યું છે. આ સાથે તેમણે તમામને એવું પણ કહ્યું કે, ભાજપે ચૂંટણી ટાણે જે વચનો આપ્યા હતા, તે પુરા કરાવવા તેઓ સુનિશ્ચિત કરે.’
ભાજપે પ્રજાને આપેલા વચનો પૂરા કરાવવા AAP મેદાને
કેજરીવાલ સાથે મુલાકાત કર્યા બાદ આતિશીએ તમામ મહિલાઓને અઢી હાજર રૂપિયા આપવાના ભાજપના વચનને યાદ કરી કહ્યું કે, ‘આમ આદમી પાર્ટી સુનિશ્ચિત કરશે કે, ભાજપ પ્રજાને કરેલા તમામ વચનો નિભાવે. આમ આદમી પાર્ટી રચનાત્મક વિપક્ષની ભૂમિકા નિભાવશે અને સુનિશ્ચિત કરશે કે, ભાજપ મહિલાઓને 2500 રૂપિયા આપે, મફત વીજળી આપે અને દિલ્હીના લોકોને મળતી અન્ય સુવિધાઓ આપવાનું ચાલુ રાખે.
‘દિલ્હીમાં જે કામ ચાલી રહ્યું છે, તે અટકવું ન જોઈએ’
અન્ય એક ધારાસભ્યએ કહ્યું કે, કેજરીવાલે અમારી સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં તમામ ધારાસભ્યો હાજર હતા. અમારું કર્તવ્ય છે કે, દિલ્હીમાં જે કામ ચાલી રહ્યું છે, તે અટકવું ન જોઈએ અને ભાજપે જે વચનો આપ્યા છે, તે પુરા થાય. આ મુદ્દે કેજરીવાલે અમને નિર્દેશ આપ્યા છે.
આ પણ વાંચો : AAPની હાર પછી આતિશીએ દિલ્હીના મુખ્યમંત્રીનું પદ છોડ્યું, LGને સોંપ્યું રાજીનામું
આતિશીએ ઉપરાજ્યપાલને રાજીનામું સોંપ્યું
ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની કારમી હાર બાદ મુખ્યમંત્રી આતિશીએ આજે પોતાનું રાજીનામું સુપરત કર્યું. આતિશી આજે સવારે 11 વાગે રાજ નિવાસ પહોંચ્યા અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે.સક્સેનાને પોતાનું રાજીનામું આપ્યું હતું. આતિશીએ ગત સપ્ટેમ્બરમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ લગભગ ચાર મહિનાથી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા છે. એક સમયે 70માંથી 67 બેઠકો અને 62 જેટલી બેઠકો જીતનારી AAP પાર્ટી આ વખતે 22 બેઠકો સુધી મર્યાદિત રહી છે. નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને ભાજપના પરવેશ વર્માએ 4089 મતોથી હરાવ્યા હતા. જંગપુરા વિધાનસભા બેઠક પર મનીષ સિસોદિયા ભાજપના તરવિંદર સિંહ મારવાહ સામે માત્ર 675 મતોથી હારી ગયા હતા, જ્યારે મંત્રી સૌરભ ભારદ્વાજને ગ્રેટર કૈલાશમાં બીજેપીના શિખા રોય દ્વારા 3188 મતોથી પરાજય આપ્યો હતો.