Delhi Election Result: પ્રિયંકા ગાંધીથી લઈને સ્વાતિ માલિવાલ સુધી... રાજકીય નેતાઓએ જણાવ્યું હારનું કારણ
Delhi Election Result: દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ની મતગણતરી ચાલુ છે. જેમાં ભાજપ સ્પષ્ટ બહુમતિ સાથે દિલ્હીમાં સત્તા હાંસલ કરે તેવું દેખાઈ રહ્યું છે. વળી બીજી બાજુ આપના સૂપડાં સાફ થયા છે અને કોંગ્રેસ તો પોતાનું ખાતું પણ ખોલી નથી શકી. એવામાં પરિણામોને લઈને હવે કોંગ્રેસ નેતા અને વાયનાડથી સાંસદ પ્રિયંકા ગાંધીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં કોંગ્રસના દેખાવ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
પ્રિયંકા ગાંધીનું નિવેદન
દિલ્હી ચૂંટણી પરિણામોને લઈને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'ખૂબ જ સ્પષ્ટ છે કે, દિલ્હીના લોકો બદલાવ ઇચ્છે છે અને પરિણામ પણ એ જ દર્શાવે છે. ચૂંટણી જીતનાર તમામ લોકોને મારી શુભકામના. અમારે જમીની સ્તરે કામ કરવું પડશે અને આ હાર પરથી શીખીને આગળ વધવું પડશે'. નોંધનીય છે કે, આ પહેલા જ્યારે પ્રિયંકા ગાંધીને પત્રકારોએ દિલ્હી ચૂંટણી વિશે સવાલ કર્યો તો તેમણે જવાબ આપ્યો હતો કે, 'મને નથી ખબર. મેં હજુ સુધી પરિણામ નથી જોયા'.
આ પણ વાંચોઃ Delhi Election Results LIVE: 27 વર્ષે દિલ્હીમાં ભાજપની જીત, AAPના મહારથી હાર્યા
કોંગ્રેસે ક્યારેય વોટ કાપવાનું રાજકારણ નથી કર્યુંઃ સંદીપ દીક્ષિત
ચૂંટણી પરિણામને લઈને કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે જણાવ્યું કે, 'કોંગ્રેસે ક્યારેય વોટ કાપવાનું રાજકારણ નથી કર્યું. અત્યારે જે પણ સ્થિતિ જોવા મળી રહી છે, તેનાથી આમ આદમી પાર્ટીએ એવી આશા વ્યક્ત કરવી જોઈતી હતી કે, કોંગ્રેસની બેઠક વધે જેથી ભાજપના મત ઘટે. પરંતુ, આમ આદમી પાર્ટી આ વાતને સમજી ન શકી. દિલ્હીની જનતા બદલાવ ઇચ્છતી હતી, આજની સ્થિતિ જોતાં આ બદલાવ ભાજપ લાવી શકશે'.
જીત બાદ શું બોલ્યા પરવેશ વર્મા?
નવી દિલ્હી બેઠક પર આપના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને 3182 મતોથી હરાવ્યા બાદ પરવેશ વર્માએ જનતાનો આભાર માન્યો હતો. અને કહ્યું કે, દિલ્હીના લોકોએ વડાપ્રધાન મોદી પર વિશ્વાસ દર્શાવ્યો છે. મારી જીતનો શ્રેય હું દિલ્હીની જનતાને આપીશ. અમને છેલ્લા દસ વર્ષથી તેમનો સાથ મળ્યો ન હતો. પરંતુ હવે જે સરકાર બની રહી છે, તે પીએમ મોદીના વિઝન પર કામ કરશે.
આ પણ વાંચોઃ Delhi Election Result: કોંગ્રેસની '0'ની હેટ્રીક! જોકે એક ગુડ ન્યૂઝ પણ મળી
આ સિવાય, AAPના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની 3182 મતોના માર્જિન સાથે હાર થતાં રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે, 'અહંકાર તો રાવણનો પણ નહોતો રહ્યો'.