VIDEO: 'બાપ તો બાપ રહેગા...', જીત બાદ આતિશીએ કર્યો ડાન્સ, સ્વાતિ માલીવાલે કહ્યું- 'આ કેવી બેશરમી?'
Delhi Election Results: દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટીના ટોચના નેતા આતિશીની કાલકાજી વિધાનસભા બેઠક પર જીત થઈ છે. આ જીતથી પાર્ટીને ભાજપની બહુમતી વાળી વિધાનસભામાં પોતાનો અવાજ સારી રીતે ઉઠાવવાનો મોકો મળશે. આતિશીએ ભાજપના રમેશ બિધૂડીને 3500થી વધુ મતથી હરાવ્યા છે. જીત બાદ આતિશીએ પોતાના કાર્યકર્તાઓની સાથે હરિયાણવી સોન્ગ 'બાપ તો બાપ રહેગા' પર જોરશોરથી ડાન્સ પણ કર્યો.
સોશિયલ મીડિયા આતિશીએ ડાન્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે પોતાના કાર્યકર્તાઓની સાથે ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે. કેટલાક પાર્ટી કાર્યકર્તા પણ તેમની સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આતિશી શરૂઆતી વલણોમાં રમેશ બિધૂડીથી પાછળ ચાલી રહ્યા હતા, પરંતુ કેટલાક રાઉન્ડની ગણતરી બાદ તેઓ આગળ નીકળ્યા અને જીત મેળવી.
સ્વાતિ માલીવાલે કર્યો કટાક્ષ
આતિશીનો વીડિયો શેર કરીને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે કટાક્ષ કરતા કહ્યું કે, 'આ કેવી બેશરમીનું પ્રદર્શન છે? પાર્ટી હારી ગઈ, સૌથી મોટા નેતા હારી ગયા અને આતિશી માર્લેના આવી રીતે જશ્ન મનાવી રહ્યા છે?'
રમેશ બિધૂડીએ આતિશી પર કર્યા હતા પ્રહાર
ચૂંટણી પ્રચાર દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ જોવા મળી. રમેશ બિધૂડીએ આતિશી પર તેમની સરનેમને 'મર્લેના' થી બદલીને 'સિંહ' કરવાને લઈને પ્રહાર કર્યા હતા. જેનાથી વિવાદ સર્જાયો હતો. જેના જવાબમાં આતિશીએ એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાના વૃદ્ધ પિતા અંગે બિધૂડીના દુર્વ્યવહારનો આરોપ લગાવતા રડતાં રડતાં વેદના ઠાલવી હતી. આ વિવાદ અંતે તેમના પક્ષે કામ આવ્યો.