Get The App

ભાજપ હેડક્વાર્ટરમાં જીતનો જશ્ન, વડાપ્રધાન મોદીએ કહ્યું, 'એક દાયકાની આપ-દાથી મુક્ત થઈ દિલ્હી'

Updated: Feb 8th, 2025


Google NewsGoogle News
ભાજપ હેડક્વાર્ટરમાં જીતનો જશ્ન, વડાપ્રધાન મોદીએ કહ્યું, 'એક દાયકાની આપ-દાથી મુક્ત થઈ દિલ્હી' 1 - image


Delhi Election Results 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી નજરે પડી રહી છે અને આમ આદમી પાર્ટીનો સફાયો થયો છે. નવી દિલ્હી બેઠકથી આપ સંયોજક અરવિંદ કેજરીવાલ અને જંગપુરા બેઠકથી મનીષ સિસોદિયા જેવા દિગ્ગજ નેતા ચૂંટણી હારી ગયા છે. ત્યારે બીજી તરફ દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર પર ભવ્ય ઉજવણી શરૂ થઈ ચૂકી છે. દિલ્હી ભાજપ હેડક્વાર્ટર પર વડાપ્રધાન મોદી, અમિત શાહ, જેપી નડ્ડા અને રાજનાથ સહિતના દિગ્ગજ નેતાઓનું ભવ્ય સ્વાગત કરાયું છે. વડાપ્રધાન મોદી ભાજપ હેડક્વાર્ટર પહોંચતા જ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ભાજપ નેતાઓ દ્વારા વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ અહીંથી કાર્યકર્તાઓને સંબોધ્યા હતા.

દિલ્હી આપ-દા મુક્ત બની ગઈ: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનની શરૂઆત ભારત માતા કી જય, યમુના મૈયા કી જય સાથે કરી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'આજે દિલ્હીના લોકોમાં ઉત્સાહ અને શાંતિ છે. દિલ્હી આપ-દા મુક્ત બની ગઈ છે. મેં દિલ્હીના લોકોને વિનંતી કરી હતી કે તેઓ ભાજપને સેવા કરવાની તક આપે. મોદીની ગેરંટી પર વિશ્વાસ કરવા બદલ હું શીશ નમાવું છું અને દિલ્હીના દરેક પરિવારને સલામ કરું છું. દિલ્હીએ અમને ખુલ્લેઆમ પ્રેમ આપ્યો છે. અમે ઝડપી વિકાસ લાવીને દિલ્હીવાસીઓનું ઋણ ચૂકવીશું.'

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'મેં દરેક દિલ્હીવાસીને એક પત્ર મોકલ્યો હતો અને તમે બધાએ આ પત્ર દરેક પરિવાર સુધી પહોંચાડ્યો હતો. મેં દિલ્હીને પ્રાર્થના કરી હતી કે ભાજપને 21મી સદીમાં સેવા કરવાની તક આપે, ભાજપને દિલ્હીને વિકસિત ભારતની વિકસિત રાજધાની બનાવવાની તક આપે. મોદીની ગેરંટી પર વિશ્વાસ કરવા બદલ હું દિલ્હીના દરેક પરિવારને નમન કરું છું."

દિલ્હી મિની હિન્દુસ્તાન છે: વડાપ્રધાન મોદી

કાર્યકર્તાઓને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'દિલ્હી ફક્ત એક શહેર નહીં, પરંતુ એક મિની હિન્દુસ્તાન છે. આ એક લઘુ ભારત છે. દિલ્હી ભારતના વિચારને જી-જાનથી જીવે છે. એક રીતે, દિલ્હી વિવિધતાથી ભરેલા ભારતનું લઘુ રૂપ છે. આજે આ વૈવિધ્યસભર દિલ્હીએ ભાજપને પ્રચંડ જનાદેશથી આશીર્વાદ આપ્યા. દરેક ભાષાના લોકો, દરેક રાજ્યના લોકોએ કમળના નિશાન પર બટન દબાવ્યું.'

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં પૂર્વાંચલનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, 'ચૂંટણી પ્રચાર દરમિયાન હું જ્યાં પણ જતો, ત્યાં ગર્વથી કહેતો કે હું પૂર્વાંચલનો સાંસદ છું. પૂર્વાંચલના લોકોએ આ સંબંધને નવી ઉર્જા અને તાકાત આપી. તેથી, હું પૂર્વાંચલના લોકોના સાંસદના નાતે ખાસ આભાર માનું છું. અમે દિલ્હીને એક આધુનિક શહેર બનાવીશું. લોકોએ રસ્તાઓને લઈને અમારું કામ જોયું છે.'

મિલ્કીપુરમાં ભાજપની જીત પર શું બોલ્યા વડાપ્રધાન મોદી?

વડાપ્રધાન મોદીએ કહ્યું, 'અયોધ્યાના મિલ્કીપુરમાં પણ ભાજપને મોટી જીત મળી છે. દરેક વર્ગે મોટી સંખ્યામાં ભાજપને મત આપ્યો છે. મિત્રો આજે દેશ ભાજપની તુષ્ટિકરણની નહીં પણ તેમની સંતુષ્ટિકરણની રાજનીતિ પસંદ કરી રહ્યો છે. દિલ્હીની બાજુમાં ઉત્તરપ્રદેશ છે, એક સમયે યુપીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી એક મોટો પડકાર હતી પરંતુ અમે તેને ખતમ કરવા માટે દૃઢ નિશ્ચય સાથે કામ કર્યું.'

કોંગ્રેસ એક પરજીવી પાર્ટી બની ચૂકી છે: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'જનતાને કોંગ્રેસે મોટો સંદેશ આપ્યો છે, કોંગ્રેસે દિલ્હી ચૂંટણીમાં શૂન્યની ડબલ હેટ્રિક લગાવી દીધી છે, દેશની રાજધાનીમાં દેશની સૌથી જૂની પાર્ટી સતત દિલ્હીમાં 6 વખત ખાતું ન ખોલાવી શકી. આ લોકો ખુદને પરાજયનો ગોલ્ડ મેડલ આપી રહ્યા છે, સત્ય એ છે કે કોંગ્રેસ પર દેશ બિલકુલ ભરોસો કરવા માટે તૈયાર નથી. ગત વખત મેં કહ્યું હતું કે, કોંગ્રેસ એક પરજીવી પાર્ટી બની ચૂકી છે, આ ખુદ પણ ડુબાડે છે અને પોતાના સાથીઓને પણ ડુબાડે છે. આ એક-એક કરીને પોતાના સહયોગીઓને ખતમ કરી રહી છે. આજે તમિલનાડુમાં કોંગ્રેસ ડીએમકેની ભાષા બોલે છે, કોંગ્રેસ જ જાતિવાદનું ઝેર ફેલાવીને પોતાના સહયોગી આરજેડીની જમીન હડપવામાં લાગી ગઈ છે. આ જ હાલ જમ્મુ કાશ્મીર અને બંગાળમાં કર્યા છે. આજે એ સ્પષ્ટ થઈ ગયું છે કે જે પણ કોંગ્રેસનો હાથ પકડે છે તેનો ખાતમો નક્કી છે.'

આપ-દા વાળાએ લોકોની આસ્થાને ઠેસ પહોંચાડી: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'દિલ્હીની આપ-દા વાળાઓએ લોકોની આસ્થા અને ભાવનાઓને ઠેસ પહોંચાડી. હરિયાણાના લોકો પર મોટો આરોપ લગાવ્યો. મેં ચૂંટણી પ્રચાર દરમિયાન સંકલ્પ લીધો કે આ યમુનાજીને દિલ્હીની ઓળખ બનાવીશું. હું જાણું છું કે આ કામ આકરું છે અને લાંબા સમયનું છે, સમય ગમે એટલો કેમ ન લાગે, પરંતુ સંકલ્પ મજબૂત છે તો યમુનાની સફાઈ કરી દેખાડીશું. મા યમુનાની સફાઈ માટે સંપૂર્ણ સેવાભાવથી કામ કરીશું. આ આપ-દા વાળા એવું કહીને રાજનીતિમાં આવ્યા હતા કે અમે રાજનીતિ બદલી નાખીશું, પરંતુ આ કટ્ટર બેઈમાન નિકળ્યા. હું આજે અન્ના હજારેજીના નિવેદનને સાંભળી રહ્યો હતો, તેઓ ઘણા સમયથી આ આપ-દા વાળાના કુકર્મોની પીડા સહન કરી રહ્યા છે. આજે તેમને પણ આ પીડાથી મુક્તિ મળી હશે, જે પાર્ટીનો જન્મ જ કરપ્શન વિરૂદ્ધ આંદોલનથી થયો છે અને એજ કરપ્શનમાં સંડોવાઈ ગઈ. જે ખુદને ઈમાનદારીનું સર્ટિફિકેટ આપતા હતા તેઓ ખુદ ભ્રષ્ટાચારી નિકળ્યા.'

દુનિયા કોરોનાથી લડી રહી હતી ત્યારે તેઓ શીશમહેલ બનાવી રહ્યા હતા: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'અહંકાર એટલો કે જ્યારે દુનિયા કોરોનાથી લડી રહી હતી ત્યારે આપ-દા વાળા શીશમહેલ બનાવી રહ્યા હતા. આ આપ-દા વાળાઓએ પોતાના કૌભાંડને છુપાવવા માટે નવી-નવી યોજનાઓ બનાવી. તેમણે કહ્યું કે, વિધાનસભાના પહેલા સત્રમાં જ CAGનો રિપોર્ટ રાખવામાં આવશે, ભ્રષ્ટાચારના તમામ પાસાની તપાસ થશે, જેમણે પણ લૂટ્યા છે તેમને પરત આપવું પડશે.'

કોંગ્રેસે 5-7 વર્ષ સુધી હિન્દુ બનવાના પ્રયાસ કર્યા: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસે 2014 બાદ 5-7 વર્ષ સુધી હિન્દુ બનવાના પ્રયાસ કર્યા. મંદિર જવું, મળા પહેરવું, તેમને લાગ્યું કે એવું કરીશું તો ભાજપના મત આપણને મળી જશે, પરંતુ જ્યારે કંઈ ન મળ્યું તો આ કામ પણ બંધ કરી દીધું. તેમને સમજમાં આવી ગયું કે ભાજપ જ ક્ષેત્ર છે, અહીં અમારું કશું નહીં ચાલે. દિલ્હીમાં INDI ગઠબંધનના જ પક્ષોએ એકજૂટ થઈને કોંગ્રેસને તેની ઓકાત બતાવવાના પ્રયાસ કર્યા. આખું INDI ગઠબંધન દિલ્હીમાં પગ રાખીને ઉતર્યું હતું, તમે જોયું કે શું હાલ થયા. તે કોંગ્રેસને રોકવામાં સફળ રહ્યા પરંતુ આપ-દા બચાવવામાં સફળ ન રહી શક્યા, કોંગ્રેસનો હાથ પકડનારા એટલા માટે પણ નિષ્ફળ રહ્યા કારણ કે આ કોંગ્રેસ એ નથી જે આઝાદીના સમયે હતી, આજે કોંગ્રેસ દેશહિત જ નહીં, અર્બન નક્સલની રાજનીતિ કરી રહ્યું છે. આ દેશમાં અરાજકતા લાવવાની ભાષા બોલે છે, દિલ્હીમાં આપ-દા પણ કોંગ્રેસની અર્બન નક્સલ વિચારને આગળ વધારવાની ભાષા બોલી રહી હતી.


દિલ્હીના દિલમાં વડાપ્રધાન મોદી વસે છે: જેપી નડ્ડા

ભાજપ હેડક્વાર્ટરમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા, આ દરમિયાન તેમણે વડાપ્રધાન મોદીને જીતનો શ્રેય આપ્યો. સાથે જ દિલ્હીની જનતાનો આભાર વ્યક્ત કર્યો. સાથે જ કહ્યું કે, અમારા કાર્યકર્તાઓએ ખુબ મહેનત કરી. જેને લઈને અમે ઇતિહાસ રચી દીધો છે, સાથે જ કહ્યું કે, જનતાએ પહેલા લોકસભા ચૂંટણીમાં સાત બેઠકો પર જીત અપાવી. ત્યારબાદ વિધાનસભા ચૂંટણીમાં 48 બેઠકો અમને જીતાડી દીધી. તેનાથી સ્પષ્ટ થાય છે કે દિલ્હીના દિલમાં વડાપ્રધાન મોદી વસે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં ભાજપે બહુમતી મેળવી લીધી છે અને 47 બેઠકો પર લીડ મેળવી લીધી છે. આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ છે. તે માત્ર 23 જેટલી બેઠકો પર જ આગળ છે. જ્યારે કોંગ્રેસ સતત ત્રીજી વખત 'શૂન્ય' પર સમેટાઈ ગઈ છે. દિલ્હીમાં ભાજપે પહેલીવાર 1993માં જીત મેળવી હતી. રાષ્ટ્રીય રાજધાનીમાં ભાજપનો 27 વર્ષનો વનવાસ પૂર્ણ થયો છે. દિલ્હીમાં કુલ 70 બેઠકો છે અને બહુમતી માટે 36 બેઠક જીતવી જરૂરી છે.


આ પણ વાંચો: દિલ્હી ચૂંટણીમાં AAPના સફાયા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, ભાજપને પાઠવી શુભેચ્છા

ભાજપ હેડક્વાર્ટરમાં જીતનો જશ્ન, વડાપ્રધાન મોદીએ કહ્યું, 'એક દાયકાની આપ-દાથી મુક્ત થઈ દિલ્હી' 2 - image


Google NewsGoogle News