દિલ્હીમાં ચૂંટણી પહેલા AAP-કોંગ્રેસમાં ગજબ ખેલ, પક્ષપલટુ નેતાઓનો વધ્યો દબદબો
Delhi Assembly Election: દિલ્હી વિધાનસભા ચૂંટણીને ફક્ત એક મહિનાની વાર છે, ત્યારે ચૂંટણી પહેલાં જ બે સહયોગી વચ્ચે વિચિત્ર લડાઈ શરૂ થઈ ગઈ છે. INDIA ગઠબંધનની બે પાર્ટી - આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે એકબીજાના નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરવા માટે એક અનોખી સ્પર્ધા ચાલી રહી છે. બંને પક્ષો ભાજપ સામે લડવા માટે એકબીજાને નબળા પાડવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે. બંને પાર્ટી મજબૂત નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરવા રાજકીય વ્યૂહરચના બનાવી રહી છે. જોકે, દિલ્હીમાં આ રાજકીય ઘમાસાણ પરથી સવાલ થાય કે, શું ખરેખર બંને પાર્ટી ભાજપ સાથે લડવા એકબીજાને કમજોર કરવા માગે છે?
શુક્રવારે ગણતરીના કલાકોમાં થયું કંઈક આવું...
શુક્રવારે (15 નવેમ્બર) આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં અરવિંદ કેજરીવાલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વીર સિંહ ધીંગાનને પોતાની પાર્ટીમાં સામેલ કરાવી દીધા. હકીકતમાં વીર સિંહ ધીંગાન સીમાપુરી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહી ચુક્યા છે. સીમાપુરી સુરક્ષિત બેઠક છે અને તેથી AAPએ દાવો કર્યો કે, એક મોટા નેતા કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાય તો ફાયદો થશે.
આ પણ વાંચોઃ પક્ષના જ નેતાને HIVનો ચેપ લગાડવાનું કાવતરું, ભાજપના ધારાસભ્યએ PI સાથે મળી બનાવ્યો પ્લાન
નોંધનીય છે કે, આ એ જ સીમાપુરી છે જ્યાંથી અરવિંદ કેજરીવાલે પોતાના NGOના દિવસોમાં ઝૂંપડપટ્ટીમાં પોતાનો સંઘર્ષ શરૂ કર્યો હતો. તે સમયે શીલા દીક્ષિત મુખ્યમંત્રી હતા અને કેજરીવાલે ત્યાંથી રાશનમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો. એકબાજુ જ્યાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ તોડી રહી હતી ત્યારે થોડા જ કલાકોમાં કોંગ્રેસે પણ આમ આદમી પાર્ટીના એક પૂર્વ ધારાસભ્યને પોતાની પાર્ટીમાં સામેલ કરી હિસાબ બરાબર કરી દીધો.
હાજી ઈશરાકે આમ આદમી પાર્ટીની ટિકિટ પર 2015 માં ઉત્તર-પૂર્વી દિલ્હીના સીલમપુરથી આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી જીતી હતી. એવામાં કોંગ્રેસે દલિત નેતાની સામે એજ દિવસે અલ્પસંખ્યક નેતાને પોતાની પાર્ટીમાં સામેલ કરી હિસાબ બરાબર કરી દીધો હતો.
પહેલાં જ રમાઈ થઈ ગયો હતો ખેલ
સીમાપુરી અને સીલમપુરની રમત પહેલાંથી જ બંને પાર્ટી તરફથી શરૂ થઈ ગઈ હતી. આમ આદમી પાર્ટીના પૂર્વ મંત્રી અને સીમાપુરીથી હાજર ધારાસભ્ય રાજેન્દ્રપાલ ગૌતમે થોડા દિવસો પહેલાં જ કેજરીવાલનો સાથ છોડી કોંગ્રેસ સાથે હાથ મિલાવી દીધો હતો. હવે એ તો નક્કી જ હતું કે, સીમાપુરી ચૂંટણીમાં કોંગ્રેસ ગૌતમ પર જ દાવ રમશે તો વીરક સિંહ ધીંગાન પાસે કોઈ ખાસ વિકલ્પ વધ્યા નહતાં. બસ આવો જ કંઈક હાલ હાજી ઈશરાકનો પણ હતો.
સીલમપુરથી કોંગ્રેસના પાંચવારના ધારાસભ્ય મતીન અહેમદ જે ગત બે વખત ચૂંટણી હારી રહ્યાં છે તેઓએ આપ સાથે હાથ મિલાવી લીધો છે. તેમની સાથે તેમની કાઉન્સિલર પુત્રવધૂ અને પુત્રએ પણ કોંગ્રેસને અલવિદા કહી દીધું હતું. હાજી ઈશરાક જેણે 2015માં અહેમદને હરાવ્યો હતો તેને લાગ્યું કે, કોંગ્રેસમાં જઈને ટિકિટ પાકી કરી લેવી.
મુસ્લિમ-દલિત વોટની લડાઈ?
દિલ્હીમાં કોંગ્રેસ આવનારી વિધાનસભા ચૂંટણીમાં પોતાની વાપસી કરવા ઈચ્છે છે. વર્ષ 2015 અને 2020માં તેનું વિધાનસભામાં ખાતુ પણ નહતું ખુલ્યું. કોંગ્રેસની આશા લગભગ અડધો ડઝન મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠક અને એક ડઝન દલિત રિઝર્વ બેઠક પર છે. અરવિંદ કેજરીવાલ પણ જાણે છે કે, જો કોંગ્રેસે આ બેઠકો પર વાપસી કરી તો તેને લગભગ 20 બેઠકો પર નુકસાન વેઠવું પડશે અને એવામાં ફાયદો ભાજપને થશે. તેથી ભાજપ સાથે લડાઈ કરતા પહેલાં આપ અને કોંગ્રેસ એકબીજા સાથે જ લડી લેવા માગે છે, જેથી અસલી યુદ્ધમાં ભાજપ ફાયદો ન ઉઠાવી લે.