કેજરીવાલની વહેલી ચૂંટણીની માંગ સામે અનેક કાયદાકીય વચ્ચે ચૂંટણી પંચની પણ પરીક્ષા

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
કેજરીવાલની વહેલી ચૂંટણીની માંગ સામે અનેક કાયદાકીય વચ્ચે ચૂંટણી પંચની પણ પરીક્ષા 1 - image


Delhi CM Arvind Kejriwal : દિલ્હી લિકર પોલિસી કેસમાં 177 દિવસ બાદ જેલથી બહાર આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બે દિવસમાં રાજીનામું આપવાની જાહેરાત કરી છે. આ સાથે તેમણે વિધાનસભા ચૂંટણી વહેલી યોજવાની પણ માંગ કરી છે. તેમણે કહ્યું છે કે, જ્યાં સુધી પ્રજા પોતાનો નિર્ણય ન સંભળાવે કે, કેજરીવાલ ઈમાનદાર છે, ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રી પદ નહીં બેસે. દિલ્હીમાં ફેબ્રુઆરી-2025માં ચૂંટણી યોજાવાની છે, જોકે કેજરીવાલ નવેમ્બરમાં ચૂંટણી યોજવાની માંગ કરી રહ્યા છે.

દિલ્હી સરકારના કાર્યકાળને હવે માત્ર છ મહિના બાકી

ફેબ્રુઆરી-2025માં વિધાનસભા ચૂંટણી યોજાવાના કારણે દિલ્હી સરકારના કાર્યકાળને હવે માત્ર છ મહિના બાકી છે, તેથી કેજરીવાલની માંગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેમણે ચૂંટણી પંચને અપીલ કરી છે કે, મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે દિલ્હીમાં પણ નવેમ્બરમાં ચૂંટણી યોજવામાં આવે. જોકે આ અંગેનો અંતિમ નિર્ણય ચૂંટણી પંચ અને મોદી સરકારના હાથમાં છે. તેઓ કેજરીવાલની માંગ પર વિચાર કરશે કે, શું ચૂંટણીની તારીખોમાં ફેરફાર થઈ શકે છે.

આ પણ વાંચો : કેજરીવાલની મોટી જાહેરાત, બે દિવસ બાદ દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દઈશ

ચૂંટણી પંચ ઈચ્છે તો આજે જ ચૂંટણી યોજવાની જાહેરાત કરી દે: આતિશી

દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું કે, ‘ભારતીય જનતા પાર્ટી નવેમ્બરમાં ચૂંટણી યોજીને બતાવે. દિલ્હીમાં હાલમાં મતદાન યાદીમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. આ પ્રક્રિયા 18 ઓક્ટોબર સુધી ચાલશે. આવી સ્થિતિમાં નવેમ્બરમાં ચૂંટણી કેવી રીતે યોજવામાં આવી શકે છે? આ અંગે આતિશીએ કહ્યું કે, ચૂંટણી પંચ ઈચ્છે તો આજે જ ચૂંટણી યોજવાની જાહેરાત કરી દે. કેન્દ્ર સરકારમાં હિમ્મત હોય તો, મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે ચૂંટણી કરાવે. પ્રજા નિર્ણય કરશે કે કેજરીવાલ ઈમાનદાર છે કે નથી. દિલ્હીની પ્રજા નિર્ણય કરશે.’

‘આમ આદમી પાર્ટી પોતાની ઈમાનદારી સાથે ક્યારે સમાધાન કરતી નથી’

તેમણે કહ્યું કે, ‘અરવિંદ કેજરીવાલ એવા મુખ્યમંત્રી છે, જેમણે દિલ્હીના બજેટને 30 હજાર કરોડથી 75 હજાર કરોડ સુધી પહોંચાડ્યું છે. એક રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો નથી. આમ આદમી પાર્ટી પોતાની ઈમાનદારી સાથે ક્યારે સમાધાન કરતી નથી. દિલ્હીના લોકોને આમ આદમી પાર્ટી પર વિશ્વાસ છે.’

ચૂંટણી વહેલી કરાવવા માટે અનેક પડકારો

હવે આ બાબતમાં મોદી સરકારની મહત્ત્વની ભૂમિકા રહેશે. જોકે આ અંગે નિર્ણય લેવા ચૂંટણી પંચ સ્વતંત્ર છે અને પંચ કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરી શકે છે. એટલે કેજરીવાલની માગ ચૂંટણી પંચ માટે પણ પરીક્ષા સમાન છે. જો દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી વહેલી કરાવવી હોય તો ઘણાં કાનૂની અને વહીવટી મુદ્દા પર વિચારણા કરવાની રહેશે અને તેમાં વર્તમાન વિધાનસભાની મુદત અને ચૂંટણી માટે જરૂરી તૈયારી સામેલ છે.

આ પણ વાંચો : 49 દિવસમાં જ CM પદ છોડી કેજરીવાલે સૌને ચોંકાવ્યા હતા, વિપક્ષને પણ અનેકવાર ચકરાવે ચઢાવ્યા

ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારે લેવો પડશે નિર્ણય

કેજરીવાલનું રાજીનામું અને ચૂંટણીની માંગથી રાજકારણ ગરમાયું છે. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે, ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારે મળીને નિર્ણય કરવાનો રહેશે કે, શું દિલ્હીમાં વહેલી ચૂંટણી કરવી સંભવ છે. કેજરીવાલનું રાજીનામું અને સમય પહેલા ચૂંટણી યોજવાની માંગથી રાજધાનીનું રાજકારણ ભારે ગરમાયું છે. હવે જોવાનું એ છે કે, પંચ અને કેન્દ્ર આગામી શું નિર્ણય લે છે? શું કેજરીવાલની માંગ પૂરી થશે કે પછી દિલ્હીની ચૂંટણી સમય પ્રમાણે જ યોજાશે? જો કે અત્યારે તો એવું લાગે છે કે, ચૂંટણી યોજવી કે નહીં એ માટે કેન્દ્ર સરકાર એટલે કે ભાજપનું જ પલડું ભારે છે. 

49 દિવસમાં આપ્યું હતું રાજીનામું

વિધાનસભા ચૂંટણી-2013માં 70 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ આઠમી ડિસેમ્બરે જાહેર થયું હતું. આ દરમિયાન ભાજપે (BJP) 32, આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)એ 28 અને કોંગ્રેસે (Congress) આઠ બેઠકો જીતી હતી. કેજરીવાલે કોંગ્રેસનું સમર્થન મેળવીને સરકાર બનાવી હતી, પરંતુ આ સરકાર 50 દિવસ પણ ટકી શકી ન હતી. તેમણે મુખ્યમંત્રી બન્યા બાદ 49 દિવસમાં રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યું હતું કે, અમે જન લોકપાલ બિલ પાસ કરાવી શક્યા નથી, તેથી હું મુખ્યમંત્રી પદ છોડી રહ્યો છું. ત્યારબાદ વિધાનસભા ચૂંટણી યોજાઈ અને કેજરીવાલની પાર્ટીએ એકલા હાથે બહુમતી મેળવી હતી.

આ પણ વાંચો : કેજરીવાલના રાજીનામા પાછળનું રાજકીય ગણિત, ભાજપ સહિતના પક્ષો પણ સ્તબ્ધ!

નવેમ્બરમાં ચૂંટણી યોજવા કેજરીવાલની માંગ

કેજરીવાલે કહ્યું કે ‘લિકર પોલિસી કેસ (Delhi Liquor Policy Case)નો કોર્ટ ચુકાદો આવવામાં 10 વર્ષ પણ લાગી જશે, પરંતુ આ પહેલા હું જનતાનો નિર્ણય ઇચ્છું છે. હું ત્યાં સુધી મુખ્યમંત્રીની ખુરશી પર નહીં બેસું, જ્યાં સુધી જનતા તમે મને ફરી ચૂંટીને ના લાવો. આ માટે હું ચૂંટણીમાં ઉતરીશ. દિલ્હીની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની છે, પરંતુ હું તેને નવેમ્બરમાં જ કરાવવાની માંગ કરૂ છું.’


Google NewsGoogle News