ચૂંટણી પહેલાં જ ભાજપ-આપ વચ્ચે 'પોસ્ટર વૉર', ભ્રષ્ટાચારના આરોપો પર 'પુષ્પા' સ્ટાઈલમાં જવાબ
Delhi Election: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં એકવાર ફરી ભાજપ અને સત્તાધારી આમ આદમી પાર્ટી (આપ) વચ્ચે પોસ્ટર વૉર શરૂ થઈ ગયું છે. આ રાજકીય યુદ્ધમાં બંને રાજકીય પાર્ટીઓ એકબીજા પર તીખાં આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. ભાજપ પોતાના પોસ્ટરમાં 'આપ' ના કૌભાંડોને ઉજાગર કરવામાં જોડાઈ ગઈ છે. વળી બીજી બાજુ 'આપ' પણ 'પુષ્પા' સ્ટાઇલમાં ભાજપ પર વળતો પ્રહાર કરી રહી છે.
'ઘોટાલો કા મકડજાલ'
ભાજપે શનિવારે એક પોસ્ટર શેર કરી 'આપ' સરકારના કથિત કૌભાંડનો ઉલ્લેખ કર્યો છે. આ પોસ્ટરમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના ફોટા પણ લગાવવામાં આવ્યા છે. તેના કેપ્શનમાં 'કેજરીવાલ કે ઘોટાલો કા મકડજાલ' સાથે દારૂ, મહોલ્લા ક્લિનિક, હવાલા, સિક્યોરિટી, રાશન, પેનિક બટન, શીશમહેલ, હવાઈ, દિલ્હી જળ બોર્ડ, ક્લાસરૂમ અને સીસીટીવી કૌભાંડને દર્શાવવામાં આવ્યા છે.
'પુષ્પા' સ્ટાઇલમાં આપ્યો વળતો જવાબ
વળી, આ જવાબમાં આમ આદમી પાર્ટીએ પણ પોતાના પોસ્ટરમાં દિલ્હીની કાયદાકીય વ્યવસ્થાને લઈને કેન્દ્રમાં સત્તાધારી ભાજપને નિશાનો બનાવવાનું શરૂ કરી દીધું. વળી, એક અન્ય પોસ્ટરમાં 'આપ'એ અરવિંદ કેજરીવાલના હાથમાં ઝાડૂ બતાવતા 'પુષ્પા' સ્ટાઇલમાં 'ફિર આ રહા હૈ કેજરીવાલ' કહેતા ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે. આ ફોટોના કેપ્શનમાં 'કેજરીવાલ ઝુકેગા નહીં', 'કેજરીવાલ 4 ટર્મ કમિંગ સૂન' લખવામાં આવ્યું છે.
'અબ નહીં સહેંગે, બદલ કર રહેંગે'
આ પહેલાં ગત રોજ દિલ્હી ભાજપે વિધાનસભા ચૂંટણી માટે 'અબ નહીં સહેંગે, બદલ કર રહેંગે' વળો નારો શેર કર્યો હતો. ભાજપ નેતાઓએ આ અવસર પર કહ્યું કે, દિલ્હીના લોકોએ ઘણું સહન કર્યું છે અને હવે તે ગંદા પાણી, ખરાબ રસ્તા, મોંઘી વીજળી અને ઉચ્ચ સ્તરના પ્રદૂષણથી રાહત મેળવવા માટે આપને સત્તામાંથી હાંકી કાઢશે.
આ પણ વાંચોઃ ખાન સરની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, BPSC ઉમેદવારોના સમર્થનમાં કરી રહ્યા હતા પ્રદર્શન
ભાજપના નારા પર કેજરીવાલે કર્યો કટાક્ષ
ભાજપના નારા પર વ્યંગાત્મક ટિપ્પણી કરતાં આપ પ્રમુખ અરવિંદ કેજરીવાલે દાવો કર્યો કે, વિપક્ષી પાર્ટીનો 'બદલ કે રહેંગે' નારો દર્શાવે છે કે, તે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવેલા તમામ કામને રોકવા ઇચ્છે છે.
કેજરીવાલે 'એક્સ' પર પોસ્ટ કરી હતી કે, 'તેઓએ આજે સત્તાવાર રીતે જાહેરાત કરી કે, બધું બદલી દઇશું. તેનો અર્થ છે કે, 24 કલાક વીજળી બંધ કરી દેવામાં આવશે અને હજારો રૂપિયાના બિલ સાથે વીજળી કાપ થશે, મહિલાઓ માટે મફત બસ યાત્રા બંધ થઈ જશે, તમામ સ્કૂલ બર્બાદ થઈ જશે, મહોલ્લા ક્લિનિક બંધ થઈ જશે અને મફત દવાઓ તેમજ સારવાર પણ બંધ કરી દેવાશે.' આ સાથે જ કેજરીવાલે લોકોને ધ્યાનથી મતાધિકારનો ઉપયોગ કરવા કહ્યું, કારણ કે ભાજપે પોતાના ઇરાદા જણાવી દીધાં છે.
નોંધનીય છે કે, દિલ્હીના 70 સભ્યોની વિધાનસભા માટે ફેબ્રુઆરી 2025માં ચૂંટણી થવાની છે. ભાજપ દિલ્હીમાં 1998માં સત્તાથી બહાર છે. વર્ષ 2015માં દિલ્હીમાં આમ આદમી પાર્ટી પોતાના દમ પર સત્તામાં છે. ભાજપે વર્ષ 2015માં 3 અને 2020માં ફક્ત 8 બેઠકો પર સંતોષ માનવો પડ્યો હતો.