દિલ્હીમાં કોની સરકાર? એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલે રાજનેતાઓની ઊંઘ ઉડાડી, સરકારનું ચિત્ર સ્પષ્ટ!
Delhi Assembly Election 2025 Exit Poll : દિલ્હીમાં પાંચમી ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના આંકડાઓ જાહેર થયા હતા, જેમાં ભાજપની સરકાર બનવાનો દાવો કરાયો છે. જ્યારે આજે (6 ફેબ્રુઆરી) એક્સિસ માય ઇન્ડિયાએ આંકડા જાહેર કર્યા છે, જેમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગી શકે છે.
AAP ગુમાવશે દિલ્હી, એક્ઝિટ પોલના તારણો
એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ, રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટી(Aam Aadmi Party)ના 25 વર્ષના શાસનનો અંત થશે અને ભાજપ (BJP) જીત નોંધાવી શકે છે. આંકડા મુજબ ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી શકે છે. દિલ્હીની 70 વિધાનસભા બેઠકોમાંથી ભાજપ 45-55 બેઠકો, જ્યારે AAP 15થી 25 બેઠકો જીતી શકે છે. જ્યારે કોંગ્રેસ(Congress)ને 0થી 1 બેઠક મળી શકે છે. સર્વેમાં 13,000 લોકો સાથે ચર્ચા કરવામાં આવી છે, જે મુજબ આમ આદમી પાર્ટીને 42 ટકા, ભાજપને 48 ટકા અને કોંગ્રેસને 7 ટકા મત મળી શકે છે. જ્યારે અન્ય પક્ષોને 3 ટકા મત મળી શકે છે.
આ પણ વાંચો : AAP માટે ગૂડ ન્યૂઝ, DUના સરવેમાં પૂર્ણ બહુમતનો દાવો, જાણો કોને ગેમચેન્જર ગણાવાયું
અન્ય એજન્સીઓના તારણો
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ મોટાભાગની એજન્સીઓએ એક્ઝિટ પોલ જાહેર કર્યા હતા, જેમાં દિલ્હીમાં 26 વર્ષ બાદ ભાજપ ફરી સત્તા પર આવી શકે છે. બુધવારે વિવિધ એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ જાહેર કરાયા હતા, જેમાં મોટાભાગના પોલમાં ભાજપની જીતનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીના શાસનનો અંત આવી શકે છે. વિધાનસભાની 70 બેઠકો ધરાવતા દિલ્હીમાં ભાજપને 39 જ્યારે આમ આદમી પાર્ટીને 30 જેટલી બેઠકો મળવાનું તારણ એક્ઝિટ પોલમાં સામે આવ્યું છે. જ્યારે કોંગ્રેસને એક કે બે બેઠક મળી શકે છે.
જે પક્ષને 36 બેઠકો મળશે, તે બનાવશે સરકાર
વિવિધ એક્ઝિટ પોલ એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ મેટ્રિઝે દાવો કર્યો છે કે ભાજપને 35થી 40, પીપલ્સ પલ્સ મુજબ 51થી 60, પીમાર્ક મુજબ 39થી 49, જેવીસી મુજબ 39થી 45 બેઠકો મળી શકે છે. માત્ર માઇન્ડ બ્રિન્કે દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટીના હાથમાં જ સત્તા આવશે. એજન્સીઓનો દાવો છે કે આ એક્ઝિટ પોલ મતદાન કર્યા બાદ મતદારો પાસેથી જાણેલા અભિપ્રાયના આધારે તૈયાર કરાયો છે. 70 બેઠકોમાંથી જે પક્ષને 36 બેઠકો મળશે તે રાજધાનીમાં સરકાર બનાવશે.
AAPને સંપૂર્ણ બહુમતી મળશે, CGSનો સર્વે
દિલ્હી યુનિવર્સિટીના સેન્ટર ફોર ગ્લોબલ સ્ટડીઝ (CGS) દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં આમ આદમી પાર્ટીને સંપૂર્ણ બહુમતી મળવાનો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે ભાજપને 29 બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસને એક પણ બેઠક નહીં મળે તેવી આશંકા વર્તાઈ રહી છે. 'CGS સમીક્ષા' શ્રેણીમાં કેન્દ્ર દ્વારા આ 15મો ચૂંટણી સર્વેક્ષણ છે. સંસ્થા દ્વારા મળેલી માહિતી પ્રમાણે કેન્દ્ર દ્વારા ચૂંટણી પરિણામોનું આ વલણ 11 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી, 2025 દરમિયાન 70 વિધાનસભા બેઠકોના કુલ 63,534 મતદારોના મત-વ્યવહાર પર કરવામાં આવેલા અભ્યાસ પર આધારિત છે. આ સર્વેમાં વિવિધ યુનિવર્સિટીઓ અને કૉલેજોના લગભગ 2,316 વિદ્યાર્થીઓ અને સંશોધકોએ હિસ્સો લીધો હતો.
‘અગાઉની ત્રણ ચૂંટણીમાં AAPને ઓછી બેઠકો મળવાના તારણો’
જોકે એક્ઝિટ પોલના તારણને આમ આદમી પાર્ટીએ નકાર્યા હતા, આપના રાષ્ટ્રીય પ્રવક્તા રીના ગુપ્તાએ જણાવ્યું હતું કે એક્ઝિટ પોલે હંમેશા આમ આદમી પાર્ટીને પાછળ જ દેખાડી છે પરંતુ પરિણામ કંઈક અલગ જ આવે છે. અગાઉ પણ એક્ઝિટ પોલે આપની હારના દાવા કર્યા હતા પરંતુ આપ સત્તા પર આવી હતી. વર્ષ 2013, 2015 કે 2020ના એક્ઝિટ પોલ પર નજર કરશો તો જણાશે કે તે સમયે પણ આપને ઓછી બેઠકોનું જ અનુમાન વ્યક્ત કરાયું હતું, પરંતુ ચોંકાવનારા પરિણામો આવ્યા હતા. આ વખતે પણ આમ આદમી પાર્ટી ઐતિહાસિક જીત મેળવવા જઈ રહી છે. ચૂંટણીના પરિણામ આઠ તારીખે જાહેર કરવામાં આવશે જેના પર હવે સૌની નજર છે.
2020ની ચૂંટણીમાં કોંગ્રેસે એકપણ બેઠક જીતી ન હતી
આ પહેલા વર્ષ 2020માં ચૂંટણી યોજાઈ ત્યારે આપને 70માંથી 62, ભાજપને આઠ બેઠક મળી હતી, જ્યારે શીલા દિક્ષિતની આગેવાનીમાં સળંગ 15 વર્ષ સુધી શાસન કરી ચૂકેલી કોંગ્રેસને એક પણ બેઠક નહોતી મળી. છેલ્લે વર્ષ 1993માં ભાજપે દિલ્હીમાં પ્રથમ વખત સત્તા પ્રાપ્ત કરી હતી, જે બાદ ભાજપ ક્યારેય રાજધાનીમાં સત્તા પર નથી આવ્યો, એવામાં એક્ઝિટ પોલના તારણ બાદ ભાજપને આશા છે કે તે ફરી સત્તા મેળવી શકે છે.