કોંગ્રેસે વધાર્યું દિલ્હીના CMનું ટેન્શન? આ દિગ્ગજ નેતાને ઉતારશે ચૂંટણી મેદાનમાં, જુઓ 28 ઉમેદવારોની સંભવિત યાદી
Delhi Assembly Election 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણી-2025ની તમામ પક્ષોએ ઘમાકેદાર તૈયારીઓ શરુ કરી દીધી છે. આમ આદમી પાર્ટી (Aam Aadmi Party), ભાજપ (BJP), કોંગ્રેસ સહિતના પક્ષોએ યાદી જાહેર કરવાની તૈયારી સાથે એકબીજા પર શાબ્દિક પ્રહારો પણ શરુ કરી દીધા છે. અગાઉ આમ આદમી પાર્ટીએ 70 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, જ્યારે ભાજપ આ મહિનાના છેલ્લા સપ્તાહમાં યાદી જાહેર કરી શકે છે. જ્યારે કોંગ્રેસે 21 ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ હવે બીજી યાદી જાહેર કરી શકે છે.
દિલ્હીના સીએમ સામે અલકા લાંબાને ઉતારવાની સંભાવના
કોંગ્રેસની બીજી યાદી(Congress Candidates Second List)ને લઈને દિલ્હીના રાજકારણમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, કોંગ્રેસ મુખ્યમંત્રી આતિશી માર્લેના (Atishi Marlena) વિરુદ્ધ અલકા લાંબા(Alka Lamba)ને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. મંગળવારે કોંગ્રેસ પક્ષની બેઠક યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં 35 બેઠકો પર ઉમેદવારના નામની ચર્ચા થઈ છે, 28 નામ ફાઇનલ કરાયા છે. સીમાપુરી બેઠક પરથી કોંગ્રેસ એસસી વિભાગના અધ્યક્ષ રાજેશ લીલોઠીયાને ટિકિટ મળી શકે છે.
કોંગ્રેસની બીજી યાદીમાં સામેલ સંભવિત ઉમેદવારોના નામ
કોંગ્રેસની બીજી યાદીમાં સંભવિત ઉમેદવારોમાં સીમાપુરી બેઠકપરથી રાજેશ લીલોઠીયા, જંગપુરાથી ફરહાદ સૂરી, મતિયા મહેલથી અસીમ અહેમદ, બિજવાસન બેઠક પરથી દેવેન્દ્ર સેહરાવત, કાલકાજીમાંથી અલકા લાંબાને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે.
કાલકાજી બેઠક પર થશે રોચક મુકાબલો
કાલકાજી વિધાનસભા બેઠક દિલ્હી લોકસભા ચૂંટણી વિસ્તારમાં આવેલી છે. આમ આદમી પાર્ટીએ આ બેઠક પર દિલ્હીના મુખ્યમંત્રી આતિશી માર્લેનાને ફરી મેદાનમાં ઉતાર્યા છે. માર્લેનાએ 2020ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ધરમબીર સિંહને 11373 મતના અંતરથી હરાવ્યા હતા. જ્યારે 2015ની ચૂંટણીમાં આપના અવતાર સિંહે ભાજપના હરમીત સિંહ કાલકાને 19769 મતથી હરાવ્યા હતા.
કોંગ્રેસે 12 ડિસેમ્બરે પ્રથમ યાદી જાહેર કરી હતી
કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CIC)એ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 12 ડિસેમ્બરના રોજ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. કોંગ્રેસે દિલ્હી ચૂંટણી માટે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં દિલ્હી કોંગ્રેસના પ્રમુખ દેવેન્દ્ર યાદવ બદલીથી, રાગિણી નાયક વજીરપુરથી, સંદીપ દીક્ષિત નવી દિલ્હીથી, અભિષેક દત્ત કસ્તુરબા નગરથી ચૂંટણી લડશે.
આ પણ વાંચો : હૈદરાબાદમાં અલ્લુ અર્જુનની પૂછપરછ, પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં ઉમટ્યા ચાહકો