'રાવણને પ્રેમ કરે છે BJP, રાક્ષસી પ્રવૃત્તિના છે...' ઘરની બહાર પ્રદર્શનને લઈને ભાજપ પર બગડ્યા કેજરીવાલ
Arvind Kejriwal: દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલના રામાયણ પર આપેલા નિવેદન બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. હકીકતમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ એક ચૂંટણી સભામાં રામાયણને ભાજપ સાથે જોડતું નિવેદન આપ્યું હતું એ બાદ ભાજપ અને AAP વચ્ચે શબ્દયુદ્ધ છેડાયું હતું.
આ પણ વાંચો: 'રમેશ બિધૂડીના ભત્રીજાએ 'AAP'ના કાર્યકરો સાથે મારપીટ કરી', CM આતિશીએ નોંધાવી ફરિયાદ
શું કહ્યું કેજરીવાલે...
પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું, 'એક દિવસ માતા સીતાને તેમની ઝૂંપડીમાં છોડીને પ્રભુ શ્રીરામ ભોજનની વ્યવસ્થા કરવા જંગલમાં ગયા અને નાના ભાઈ લક્ષ્મણને સીતા મૈયાનું રક્ષણ કરવા માટે કહીને ગયા હતા. આ દરમિયાન રાવણ સોનાના હરણનું રૂપ ધારણ કરીને આવ્યો. માતા સીતાએ લક્ષ્મણને કહ્યું કે, આ હરણ મારે જોઈએ છે. ત્યારે લક્ષ્મણે કહ્યું કહ્યું કે, માતાજી મને માફ કરશો, પ્રભુ શ્રીરામે તમારા રક્ષણની જવાબદારી મને સોંપી છે, હું નહીં લાવી શકું.'
ભાજપે કહ્યું- ફરજીવાલની રામાયણ
કેજરીવાલના નિવેદન બાદ ભાજપે તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ચૂંટણી દરમિયાન મંદિરોમાં જવાનો ડોળ કરનારા ફરજીવાલનું રામાયણ પરનું વિચિત્ર જ્ઞાન સાંભળો. 'જ્યારે શ્રી રામચંદ્ર ભોજન શોધવા જંગલમાં ગયા ત્યારે રાવણ સુવર્ણ હરણના રૂપે આવ્યો અને માતા સીતાનું અપહરણ કર્યું.' શરમ આવવી જોઈએ કેજરીવાલ, આ રીતે સનાતનનો માહોલ બનાવો છો. એક બાજુ તમે દિલ્હીમાં વિશ્વ કક્ષાના શિક્ષણ મોડેલનો ઢોલ પીટો છો અને બીજી બાજુ તમને રામાયણનું જ્ઞાન પણ નથી.
સ્વાતિ માલીવાલે નિશાન સાધ્યું
કેજરીવાલના નિવેદન પર સ્વાતિ માલીવાલે પણ નિશાન સાધ્યું હતું, 'જ્યારે શ્રી રામ ખોરાક શોધવા જંગલમાં ગયા ત્યારે રાવણ સોનાના હરણના રૂપમાં આવ્યો' - આ કયા રામાયણમાં લખાયેલું છે, અરવિંદ કેજરીવાલ જી? રામાયણમાં રાક્ષસ મારીચ રાવણ સાથે આવ્યો અને સોનાના હરણનું રૂપ ધારણ કર્યું. માતા સીતાએ શ્રી રામને લક્ષ્મણજીને નહીં, પણ સુવર્ણ હરણ લાવવા કહ્યું હતું. ચૂંટણી આવતાંની સાથે જ તમે હિન્દુ બની જાઓ છો; આજે તમે રટણ કરીને શીખવાની નાની ભૂલ કરી છે.
મનીષ સિસોદિયાએ જવાબ આપ્યો
અરવિંદ કેજરીવાલ દ્વારા રામાયણની એક ઘટના પર આપવામાં આવેલા નિવેદન પર ભાજપ આક્રમક બન્યું છે. ભાજપે અરવિંદ કેજરીવાલના નિવેદનને સનાતનનું અપમાન ગણાવ્યું છે. જેના પર હવે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે તેમનું રાજકારણ એટલું નીચે પડી ગયું છે કે હવે તેઓ રાવણ જેવા પ્રતીકોનો આશરો લઈ રહ્યા છે.
આ પણ વાંચો: બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ ધરપકડ વૉરંટ, ભ્રામક જાહેરખબરો કર્યાનો આરોપ
AAP નેતાએ શું કહ્યું?
મનીષ સિસોદિયાએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર ટ્વિટ કર્યું, “ગઈકાલે અરવિંદ કેજરીવાલે એક જાહેર સભામાં રાવણ સંબંધિત ટિપ્પણી કરી અને આખો ભાજપ પક્ષ તરત જ રાવણના બચાવમાં કૂદી પડ્યો જાણે તેઓ પોતે રાવણના વંશજ હોય. તેમનું રાજકારણ એટલું નીચું ગયું છે કે હવે તેઓ રાવણ જેવા પ્રતીકોનો ઉપયોગ કરીને તેમના ખોટા નિવેદનોને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે.