કેજરીવાલનો વિપક્ષ પર મોટો આરોપ, 'અત્યારથી મત ખરીદવાનું કામ શરૂ, 1000 રૂપિયા આપી રહ્યા છે'
Delhi Assembly Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. સત્તા પક્ષની આમ આદમી પાર્ટી (AAP)એ વિરોધ પક્ષ પર મત ખરીદવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 'X' એકાઉન્ટ પર લખ્યું કે, 'આ લોકોએ મારી વિધાનસભામાં અત્યારથી જ મત ખરીદવાનું કામ શરૂ કરી દીધું. ખુલ્લેઆમ 1000 રૂપિયા પ્રતિ વોટ કેશ આપી રહ્યા છે.'
આમ આદમી પાર્ટી તમામ 70 બેઠકો પર પોતાના ઉમેદવાત જાહેર કરી ચૂકી છે. કેજરીવાલ ફરી એકવાર નવી દિલ્હીથી ચૂંટણી મેદાનમાં છે. દિલ્હીના હાલના મુખ્યમંત્રી આતિશી કાલકાજી બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે.
આપના મંત્રી અને મોટા ચહેરા અહીંથી લડી રહ્યા છે ચૂંટણી
આમ આદમી પાર્ટીએ માલવીય નગરથી સોમનાથ ભારતીને ઉતાર્યા છે. ગ્રેટર કૈલાશથી મંત્રી સૌરભ ભારદ્વાજને ઉતાર્યા છે. બાબરપુરથી મંત્રી ગોપાલ રાય અને તિલક નગરથી જરનૈલ સિંહને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. સત્યેન્દ્ર કુમાર જૈન શકૂર બસ્તીથી, મુકેશ કુમાર અહલાવત સુલ્તાનપુર માજરાથી, રઘુવિંદર શૌકીન નાંગલોઈ જાટથી, સોમ દત્ત સદર બજારથી અને મનીષ સિસોદિયાને આ વખત જંગપુરાથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
આપે 15 ટકા મહિલાઓને આપ્યો મોકો
પાંચ મુસ્લિમ ઉમેદવાર ઉતાર્યા છે. 10 મહિલાને ઉમેદવાર બનાવાઈ છે, એટલે કે 15 ટકા મહિલાઓને જગ્યા આપવામાં આવી છે. જ્યારે આમ આદમી પાર્ટી 70 બેઠક પર પોતાના ઉમેદવાર ઉતારી દીધા છે. પાર્ટીએ પહેલી યાદીમાં 11 બેઠકો પર ઉમેદવારનું એલાન કર્યું હતું. બીજી યાદીમાં 20 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા. પાર્ટીએ પોતાની ત્રીજી યાદીમાં એક નામની જાહેરાત કરી હતી. જ્યારે ચોથી અને અંતિમ યાદીમાં 38 નામોની જાહેરાત કરવામાં આવી છે.
ગત વિધાનસભા ચૂંટણીના શું હતા પરિણામ?
આગમી વર્ષ ફેબ્રુઆરીમાં દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર ચૂંટણી થવાની છે. જેની તૈયારીઓને લઈને આમ આદમી પાર્ટી પૂરી તાકાથી કામ કરી રહી છે. હવે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન હજુ થયું નથી. 2020માં થયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પૂર્ણ બહુમતિથી જીત મેળવી હતી અને 70માંથી 62 બેઠકો પર જીત મેળવી હતી. ભાજપના ખાતમાં 8 બેઠકો ગઈ હતી, જ્યારે કોંગ્રેસના હાથ ખાલી રહ્યા હતા.
આ પણ વાંચો: દેશના છ રાજ્યોમાં ગવર્નરની નિયુક્તિ, રાષ્ટ્રપતિએ રઘુબર દાસનું રાજીનામું સ્વીકાર્યું