કેજરીવાલના ઘર બહાર દોઢ કલાક ઊભી રહી ACBની ટીમ, એન્ટ્રી ન મળતાં નોટિસ ફટકારી પૂછ્યા 5 સવાલ
ACB Raids Arvind Kejriwal's House : દિલ્હીમાં પાંચમી ફેબ્રુઆરીએ 70 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાયા બાદ આવતીકાલે એટલે કે આઠમી ફેબ્રુઆરીએ પરિણામ (Delhi Assembly Election Result-2025) જાહેર થવાનું છે, જોકે તેના એક દિવસ પહેલાં ACBની ટીમે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ના ઘરે દરોડો પાડ્યો છે, જેના કારણે રાજધાનીના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. વાસ્તવમાં કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના નેતાઓએ ‘હોર્સ ટ્રેડિંગ’નો આક્ષેપ કર્યો હતો. તેઓનું કહેવું હતું કે, ‘AAPના ધારાસભ્યોને 15-15 કરોડ રૂપિયાની ઑફર કરવામાં આવી અને પાર્ટી છોડવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.’ આ મામલો સામે આવ્યા બાદ દિલ્હીના ઉપરાજ્યપાલ વી. કે. સક્સેનાએ તપાસનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ એન્ટી કરપ્શન બ્યુરો(ACB)ની ટીમ કેજરીવાલના ઘરે પહોંચી હતી અને પાંચ સવાલો સાથે એક નોટિસ ફટકારી છે.
ACBએ કેજરીવાલને નોટિસ ફટકારી પૂછ્યા આ પાંચ સવાલ
- અરવિંદ કેજરીવાલે 6 ફેબ્રુઆરીએ એક્સ પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે AAPના ધારાસભ્યોને 15 કરોડ રૂપિયાની ઑફર અપાઈ હોવાનો તેમજ પાર્ટી છોડવા માટે દબાણ કરાયું હોવાનો દાવો કર્યો હતો. આ બાબતને ધ્યાને રાખી ACBએ પહેલો સવાલ કર્યો છે કે, શું અરવિંદ કેજરીવાલ દ્વારા તે પોસ્ટ કરવામાં આવી હતી કે નહીં?
- ACBએ તે 16 ધારાસભ્યોની માહિતી માંગી છે, જેમને લાંચની ઑફરનો કોલ આવ્યો હતો.
- ACBએ કેજરીવાલ પાસેથી તે વ્યક્તિની માહિતી માંગી છે, જેણે કથિત રીતે ધારાસભ્યોને લાંચ ઑફર કરવા માટે ફોન કર્યા હતા.
- એસીબીએ કેજરીવાલ પાસે પુરાવા પણ માંગ્યા છે અને નોટિસમાં કહ્યું છે કે, ‘તમે અને તમારી પાર્ટીના સભ્યો દ્વારા વિવિધ મીડિયા/સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાંચની ઑફર કરાઈ હોવાના દાવો/આક્ષેપો કરવામાં આવ્યા છે, જેના પુરાવા આપો.’
- ટીમે નોટિસમાં કહ્યું છે કે, ‘આપ કહો છો કે, મીડિયા/સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવી માહિતી ફેલાવનારા લોકો વિરુદ્ધ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કેમ ન કરવામાં આવે, જે દિલ્હીના લોકોમાં દહેશત અને અશાંતિની સ્થિતિ ઊભી કરવા સમાન છે’
કેજરીવાલનું નિવેદન નોંધવા નિવાસસ્થાને પહોંચી હતી ACBની ટીમ
ઉપરાજ્યપાલ વી. કે. સક્સેના(V. K. Saxena)એ તપાસના આદેશ આપ્યા બાદ દિલ્હી એન્ટી કરપ્શન બ્યુરો(ACB)ની એક ટીમ કેજરીવાલના ઘરે પહોંચી હતી, જ્યાં એસીબીની ટીમ તેમના નિવાસસ્થાન બહાર ઘણો સમય ઊભી રહી હતી. અહેવાલો મુજબ એસીબીની ટીમને ઘરમાં પ્રવેશ અપાયો ન હતો. તેમના ઘર બહાર AAPના કાર્યકર્તાઓ પણ બહોળી સંખ્યામાં હાજર રહી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આ દરમિયાન એસીબીની ટીમે તેમને નોટિસ આપી અને પરત ફરી ગઈ છે. એસીબીના અધિકારીઓના દાવા મુદ્દે કેજરીવાલનું નિવેદન નોંધવા ગઈ હતી, પરંતુ તેમનું નિવેદન નોંધી શકાયું નથી.
કેજરીવાલે છ ફેબ્રુઆરીની X પોસ્ટમાં શું લખ્યું હતું?
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલે છ ફેબ્રુઆરીના રોજ એક્સ પર એક પોસ્ટ કરી આક્ષેપ કર્યો હતો કે, ‘કેટલીક એજન્સીઓ (એક્ઝિટ પોલ) દેખાડી રહી છે કે, ગાલી ગલોજ પાર્ટી (ભાજપ) 55થી વધુ બેઠક જીતવાની છે. છેલ્લા બે કલાકમાં અમારા 16 ઉમેદવારોને ફોન આવ્યો છે કે, તમે AAP છોડી તેમની પાર્ટીમાં સામેલ થઈ જાવ, મંત્રી બનાવી દઈશું અને દરેકને 15-15 કરોડ રૂપિયા આપીશું.’
તેમણે પોસ્ટમાં એવું પણ કહ્યું હતું કે, ‘જો તેમની પાર્ટી 55થી વધુ બેઠકો જીતવાની હોય તો અમારા ઉમેદવારોને ફોન કરવાની કેમ જરૂર પડી? સ્વાભાવિક રીતે જ કેટલાક ઉમેદવારોને તોડવા માટે આ બનાવટી સર્વે કરવામાં આવ્યો છે, પરંતુ અમારો એકપણ ઉમેદવાર તૂટશે નહીં.’
ACBના દરોડા ટાણે જ કેજરીવાલનું ટ્વિટ
એસીબીની ટીમ આજે કેજરીવાલના ઘર બહાર ઊભી હતી. તે જ સમયે પૂર્વ મુખ્યમંત્રીએ એક ટ્વિટ કર્યું, જેમાં એસીબીની કાર્યવાહીની કોઈ વાત ન હતી, પરંતુ તેઓએ ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે લખ્યું છે કે, ‘અમે ચૂંટણી પંચને અનેક વિનંતી કરી, છતાં તેઓએ ફોર્મ 17C અને દરેક વિધાનસભામાં પ્રત્યેક બૂથ પર પડેલા મતની સંખ્યા અપલોડ કરવાનો ઇન્કાર કરી દીધો છે. આમ આદમી પાર્ટીએ એક વેબસાઇટ બનાવી છે - http://transparentelections.in. તેના પર અમારા તમામ વિધાનસભાના તમામ ફોર્મ 17C અપલોડ કરાયા છે. આ ફોર્મમાં તમામ બૂથ પર પડેલા વોટોની સંપૂર્ણ માહિતી છે. તમામ મતદારો સુધી માહિતી પહોંચી શકે, તે માટે અમે આખો દિવસ તમામ વિધાનસભા અને બૂથનો ડેટા નાખતા રહીશું. આ કામગીરી એવી છે, જે ચૂંટણી પંચે પારદર્શિતાના હિતમાં કરવી જોઈતી હતી, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ તેઓ આવી કામગીરી કરી રહ્યા નથી.’
સંજય સિંહે ACBમાં ફરિયાદ નોંધાવી, કાર્યવાહીની કરી માંગ
AAPના સાંસદ સંજય સિંહે દરોડા મુદ્દે એસીબીમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે મીડિયા સમક્ષ વાતચીતમાં કહ્યું કે, ‘ભાજપ દેશની સૌથી ભ્રષ્ટ પાર્ટી છે. ભાજપ (BJP) હંમેશા અન્ય પાર્ટીઓને તોડવામાં વિશ્વાસ રાખે છે. ભાજપે મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશમાં સરકાર પાડી હતી. શું અમને તેમની પાસેથી સર્ટિફિકેટ જોઈએ કે, તેઓ બેઈમાન છે કે નહીં. અમે આ મુદ્દે ફરિયાદ કરી છે અને તપાસની માંગ કરી છે. અમે આક્ષેપ કર્યા બાદ દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા ઉપરાજ્યપાલ પાસે ગયા અને તેમણે એસીને એક પત્ર લખ્યો છે. મેં આ મુદ્દે ફરિયાદ નોંધાવી છે અને તેની તપાસ કરવા માંગ કરી છે. મેં તેઓને તે નંબર આપ્યો છે, જેમાં AAP નેતા મુકેશ કુમાર અહલાવતનો સંપર્ક કરવામાં આવ્યો હતો.’