દેશના આ ઍરપૉર્ટ પર દોડશે દેશની પહેલી એર ટ્રેન, મુસાફરો કરી શકશે ફ્રી મુસાફરી, જાણો તેની વિશેષતા
Delhi Airport will Get India First air Train : દિલ્હી ઍરપૉર્ટના ટર્મિનલ 1થી ટર્મિનલ 2 અથવા 3 સુધી જવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. કેટલીકવાર ટ્રાફિક જામ હોવાથી લોકો સમયસર ઍરપૉર્ટ પર પહોંચી શકતા નથી અને તેમની ફ્લાઇટ ચૂકી જાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે દિલ્હી ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ લિમિટેડ(DIAL) એ ટર્મિનલ 1 અને ટર્મિનલ 2/3 વચ્ચે ઓટોમેટેડ પીપલ મુવર (APM) બનાવવાનું નક્કી કર્યું છે.
દિલ્હી ઍરપૉર્ટ પર એર ટ્રેન દોડશે
દિલ્હી ઍરપૉર્ટ ઑપરેટર DIAL ટર્મિનલ 1 અને અન્ય બે ટર્મિનલ વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે એર ટ્રેન શરુ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ (IGIA) દેશનું સૌથી વ્યસ્ત ઍરપૉર્ટ છે, અને તેના ત્રણ ટર્મિનલ છે. DIALનું મુખ્ય લક્ષ્ય ડિઝાઇન, નિર્માણ, ફાઇનાન્સ, ઑપરેટ અને ટ્રાન્સફર મોડલ પર આધારિત એક "એલિવેટેડ અને એટ-ગ્રેડ ઓટોમેટેડ પીપલ મુવર (APM) સિસ્ટમ"ને અમલમાં મૂકવાનો છે. APM અથવા એર ટ્રેન માટે પહેલેથી જ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
APM સિસ્ટમ ટર્મિનલ 1 અને ટર્મિનલ 2 અને 3 વચ્ચે વિશ્વસનીય, ઝડપી અને સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે એરોસિટી અને કાર્ગો સિટી દ્વારા આશરે 7.7 કિમીના રસ્તાની લંબાઈને આવરી લે છે. તેમજ આ સિસ્ટમ મુસાફરોની સુવિધામાં વધારો કરશે. ASQ સ્કોર વધારશે અને કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો થશે.
હાલમાં દિલ્હી ઍરપૉર્ટ પર એક ટર્મિનલથી બીજા ટર્મિનલ પર જવા માટે ડીટીસી બસ દ્વારા મુસાફરી કરવી પડતી હતી, જેમાં ખૂબ જ સમય લાગતો હતો. પરંતુ હવે એર ટ્રેન દોડવાથી આ યાત્રા થોડીવારમાં પૂર્ણ થઈ જશે. DIALએ આ પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, અને એવી આશા છે કે, આગામી ઑક્ટોબર-નવેમ્બર સુધીમાં બિડિંગ શરુ થઈ જશે.
આ એર ટ્રેનના 4 સ્ટોપેજ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે દુનિયાના ઘણા દેશોના આ પ્રકારે ઍરપૉર્ટ પર એર ટ્રેન દોડે છે. હવે ભારતમાં પણ તેની શરુઆત કરવામાં આવી છે. ઍરપૉર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સુવિધાજનક કરવાનો ખર્ચ એરલાઇન્સ દ્વારા લેવામાં આવતી લેન્ડિંગ અને પાર્કિંગ ફીમાંથી વસૂલ કરવામાં આવશે.
કેવી છે આ એર ટ્રેન
સામાન્ય રીતે એર ટ્રેનો વિશ્વભરના મુસાફરો માટે મફત સેવા આપે છે, જે ટર્મિનલ વચ્ચે દોડે છે. આ એર ટ્રેનને ઓટોમેટેડ પીપલ મુવર (APM) પણ કહેવામાં આવે છે. આ એક ઓટોમેટેડ ટ્રેન સિસ્ટમ છે, જેનો ઉપયોગ ઍરપૉર્ટ પર વિવિધ ટર્મિનલ્સને અન્ય મહત્ત્વપૂર્ણ સ્થાનો સુધી જોડવા માટે કરવામાં આવે છે. આ મોનોરેલ તરીકે કામ કરે છે, જે મુસાફરોની સુવિધા માટે ઘણા આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર કાર્યરત છે. આ એર ટ્રેનનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને એક ટર્મિનલથી બીજા ટર્મિનલ સુધી ઝડપી પહોંચાડવાની સુવિધા આપે છે.
કેમ દિલ્હી ઍરપૉર્ટ પર એર ટ્રેનની જરૂર
માહિતી પ્રમાણે દિલ્હી ઍરપૉર્ટ એ ભારતનું સૌથી વ્યસ્ત ઍરપૉર્ટ છે, અને દર વર્ષે 7 કરોડથી વધુ મુસાફરો અવર-જવર કરે છે. આગામી 6-8 વર્ષમાં આ સંખ્યા બમણી થવાની ધારણા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ટર્મિનલ વચ્ચે સારી કનેક્ટિવિટી સ્થપાય તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ટર્મિનલ 1, ટર્મિનલ 2 અને 3થી થોડે દૂર આવેલું છે અને હાલમાં મુસાફરો રસ્તા દ્વારા ટર્મિનલ સુધી પહોંચે છે. જેમાં મુસાફરોનો ઘણો સમય બગડે છે. તેથી એર ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.