વિશ્વમાં પ્રદૂષણ મામલે દિલ્હી ફરી ટોચે, AQI 400 પાર, ગેસ ચેમ્બર જેવી સ્થિતિ, શ્વાસ લેવો પણ મુશ્કેલ!
દિવાળી પહેલા વરસાદી ઝાપટાને પગલે થોડીક રાહત મળી હતી
13 નવેમ્બર પછી દિલ્હી સહિત NCR વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખરાબ રીતે બગડવા લાગી
Delhi AQI News | છેલ્લા ઘણા મહિનાઓથી દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણને કારણે સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. દિવાળી પહેલા ઝરમર વરસાદથી પણ પ્રદૂષણમાંથી રાહત મળી હતી, પરંતુ 13 નવેમ્બર પછી દિલ્હી સહિત NCR વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખરાબ રીતે બગડવા લાગી હતી. હાલમાં દિલ્હીની હવા ખરાબ શ્રેણીમાં આવી ગઈ છે. આ દિવસોમાં દિલ્હીની હવાની ગણતરી દેશના સૌથી પ્રદૂષિત વિસ્તારોમાં થઈ રહી છે. જો આપણે એનસીઆર વિસ્તારોની વાત કરીએ તો અહીં પણ સ્થિતિ સારી નથી.
CPCBએ શું કહ્યું?
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, ગુરુવારે સવારે 5 વાગ્યા સુધી દિલ્હી-NCRમાં હવાની ગુણવત્તાનું સ્તર 400થી ઉપર રહ્યું હતું. આનંદ વિહારમાં AQI 387, આરકે પુરમમાં 416, પંજાબી બાગમાં 423 અને ITOમાં 344 હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક દિવસોમાં દિલ્હી-NCRના હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે.
દિલ્હીની હવા ખતરનાક બની
CPCB દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર, દિલ્હીની હવા હાલના દિવસોમાં દેશમાં સૌથી વધુ પ્રદૂષિત માનવામાં આવે છે. બુધવારે દિલ્હીમાં હવાની ગુણવત્તાનો સૂચકાંક 220 હતો, જે 'ખરાબ' શ્રેણીમાં ગણવામાં આવે છે. એક દિવસ પહેલા મંગળવારે આ ઇન્ડેક્સ 279 હતો, જેની સરખામણીમાં AQIમાં ઘટાડો નોંધાયો હતો.આ મહિને અત્યાર સુધીમાં, દિલ્હીમાં હવાની ગુણવત્તા 11માંથી ત્રણ દિવસ માટે અત્યંત ખરાબ રહી છે. 3 અને 9 નવેમ્બરની વચ્ચે, AQI છ દિવસ માટે 400 કરતાં વધુ હતો અને તે 'ગંભીર' અને 'જોખમી' શ્રેણીમાં હતો અને બે 'ખરાબ' શ્રેણીના દિવસો રહ્યા હતા.
રેન્કિંગમાં દિલ્હી વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં સામેલ
જો વૈશ્વિક સ્તરે જોવામાં આવે તો દિલ્હી હવે પ્રદૂષણના મામલામાં પ્રથમ સ્થાને આવી ગયું છે. વિશ્વના 110 સૌથી પ્રદૂષિત દેશોની યાદીમાં દેશના ત્રણ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં દિલ્હી, કોલકાતા અને મુંબઈનો સમાવેશ થાય છે. 22 નવેમ્બરે સ્વિસ ફર્મ IQAirની લાઈવ રેન્કિંગમાં રાજધાની દિલ્હી નંબર વન પર હતું. AQI ની લાઈવ રેન્કિંગ પર નજર કરીએ તો દર્શાવે છે કે 341 AQI સાથે દિલ્હી સમગ્ર વિશ્વમાં સૌથી પ્રદૂષિત શહેર છે.