દિલ્હી AIIMSમાં આ તારીખથી રોકડ લેવડદેવડ નહીં, જાણો કેમ લેવાયો આ નિર્ણય
Image Source: Wikipedia
નવી દિલ્હી, તા. 25 જાન્યુઆરી 2024 ગુરૂવાર
દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) એ નિર્ણય લીધો છે. એઈમ્સમાં હવે દર્દીઓને કોઈ પણ પ્રકારની રોકડ લેવડ-દેવડ કરાવવી પડશે નહીં. એઈમ્સે એક વર્ષ પહેલા પાયલટ પ્રોજેક્ટ હેઠળ એસબીઆઈના માધ્યમથી એઈમ્સ સ્માર્ટ કાર્ડની સુવિધા શરૂ કરી હતી. તેનાથી દર્દી તપાસથી લઈને નાસ્તો/ભોજન સહિત તમામ સ્થળો પર ચૂકવણી કરી શકે છે. 1 એપ્રિલથી આ વ્યવસ્થા સંપૂર્ણ રીતે લાગુ થઈ જશે. 31 માર્ચ સુધી આ માટે તમામ વ્યવસ્થા પૂરી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
દર્દીઓને શું ફાયદો થશે
એઈમ્સમાં સારવાર કરાવવા માટે આવતા તમામ દર્દીઓને સ્માર્ટ કાર્ડ આપવામાં આવશે. કાર્ડ મળ્યા બાદ એઈમ્સના કોઈ પણ વિભાગમાં કેશ પેમેન્ટ લેવામાં આવશે નહીં. એઈમ્સના ડાયરેક્ટર ડો. એમ શ્રીનિવાસની તરફથી એક આદેશ પણ જારી કરી દેવાયો છે. સ્માર્ટ કાર્ડ એઈમ્સની તમામ ઓપીડી, હોસ્પિટલ અને કેન્દ્રની અંદર 24 કલાક કામ કરશે. એઈમ્સમાં જ અલગ-અલગ સ્થળ પર ટોપ અપ કેન્દ્ર ખોલવામાં આવશે.
અહીં લોકો કેશ કે ઓનલાઈન ચૂકવણીથી સ્માર્ટ કાર્ડ લઈ શકે છે અને તેને રિચાર્જ પણ કરાવી શકશે. તમામ ચૂકવણી દર્દીના સ્થળના નજીકના સ્થાપિત ચુકવણી અંતિમ પોઈન્ટ પર સ્વીકાર કરવામાં આવશે અને દર્દીઓ કે તેમના પરિજનોને કોઈ પણ ચૂકવણી કરવા માટે કેન્દ્રીય નોંધણી કાઉન્ટર્સ પર જવા માટે કહેવામાં આવશે નહીં.
એઈમ્સ ડાયરેક્ટરે આદેશ જારી કરી કહ્યુ છે કે એક એપ્રિલથી એઈમ્સ નવી દિલ્હીમાં વહીવટી સિસ્ટમોમાં પૂર્ણ પારદર્શિતા જાળવી રાખવા માટે માત્ર ઈ-ઓફિસનો ઉપયોગ થશે. આંતરિક સંચાર માટે કોઈ પણ ભૌતિક ફાઈલ કે કાગળના પત્રવ્યવહાર પર વિચાર કરવામાં આવશે નહીં. સાથે જ એઈમ્સમાં કોઈ પણ ભૌતિક ફાઈલ, નોટશીટ વગેરે તાત્કાલિક અસરથી ખરીદવામાં આવશે નહીં.