આપ નેતા અમાનતુલ્લાહ ખાનને કોર્ટથી રાહત: પોલીસ સામે હાજર થવા આદેશ, ધરપકડ પર રોક
AAP MLA Amanatullah Khan: દિલ્હીના ઓખલાથી આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનને રાઉઝ એવન્યુ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી. જે બાદ રાઉઝ એવન્યુ કોર્ટમાં તેમની આગોતરા જામીન અરજીની સુનાવણી થઈ હતી. કોર્ટે અમાનતુલ્લાહ ખાનની ધરપકડ પર 24મી ફેબ્રુઆરી સુધી રોક લગાવી દીધી છે અને તપાસમાં જોડાવા જણાવ્યું છે. જામિયા નગરમાં પોલીસ ટીમ પર કથિત હુમલાનું નેતૃત્વ કરવાના આરોપમાં અમાનતુલ્લા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.
જાણો શું છે સમગ્ર મામલો
આપના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન અને તેમના સમર્થકો વિરુદ્ધ સોમવારે (10મી ફેબ્રુઆરી) પોલીસ ટીમ પર હુમલો કરવા, રમખાણો ભડકાવવા અને સરકારી કામમાં અવરોધ ઊભો કરવા સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. હત્યાના પ્રયાસના આરોપી શબાઝ ખાનને ક્રાઈમ બ્રાન્ચ ટીમની કસ્ટડીમાંથી છોડાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: નાણાંમંત્રી સીતારમણે લોકસભામાં રજૂ કર્યું નવું ઇન્કમ ટેક્સ બિલ, થશે આ મોટા ફેરબદલ
દક્ષિણ-પૂર્વ જિલ્લાના ડેપ્યુટી પોલીસ કમિશનર રવિ કુમાર સિંહે જણાવ્યું હતું કે, 'પોલીસ ટીમ મોડી સાંજે ધારાસભ્યના ઘરે પૂછપરછ માટે ગઈ હતી, પરંતુ તે મળ્યા ન હતા.' વાસ્તવમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીને પકડવા માટે જામિયા નગર ગઈ હતી. ધારાસભ્યની હાજરીમાં પોલીસ કાર્યવાહીમાં અવરોધ ઊભો થયો. ક્રાઈમ બ્રાન્ચમાં તહેનાત ઈન્સ્પેક્ટર સુનીલ કાલખંડેની ટીમ પર હુમલો થયા બાદ હત્યાના પ્રયાસના આરોપીને મુક્ત કરવામાં આવ્યો હતો. તે સમયે ધારાસભ્ય પણ ત્યાં હાજર હતા.
અમાનતુલ્લાહ ખાન 23 હજારથી વધુ મતના માર્જિનથી જીત્યા
ઉલ્લેખનીય છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નેતા અમાનતુલ્લાહ ખાન ઓખલા બેઠક પરથી 23 હજારથી વધુ મતોના માર્જિનથી જીત્યા. અહીં તેમણે ભાજપના નેતા મનીષ ચૌધરીને હરાવ્યા. મનીષને કુલ 65304 મત મળ્યા, જ્યારે અમાનતુલ્લાહને કુલ 88943 મત મળ્યા હતા.