40 ફૂટ ઊંડા બોરવેલમાં બાળક નહીં, ચોર ફસાયાનો ઘટસ્ફોટ, દિલ્હીની ઘટના વિશે જાણીને ચોંકી જશો
યુવાનને બચાવવા ઓપરેશન ચાલી રહ્યું છે
Delhi Child news | દિલ્હીના કેશવપુર મંડી નજીક 40 ફૂટ ઊંડા બોરવેલમાં એક બાળક નહીં પણ યુવક પડી ગયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. પહેલા એવા અહેવાલ હતા કે એક બાળક અહીં બોરવેલમાં પડી ગયો છે. જોકે એ માહિતી ખોટી સાબિત થઇ અને જે સત્ય સામે આવ્યું તે જાણીને સૌ કોઈ ચોંકી ગયા હતા.
દિલ્હી જળ બોર્ડના પ્લાન્ટમાં ચોરી કરવા આવ્યો હતો યુવક
માહિતી અનુસાર દિલ્હી જળ બોર્ડના કર્મચારીઓનું કહેવું છે કે બોરવેલમાં પડી ગયેલો યુવક 20 વર્ષનો છે અને તે ચોરી કરવાના ઈરાદે અહીં આવ્યો હતો પરંતુ રાત્રે અંધારું હોવાને કારણે તે બોરવેલમાં પડી ગયો હતો. પોલીસને રાતે કોલ આવ્યો હતો જે અનુસાર જળ બોર્ડના કર્મચારીઓએ કહ્યું કે કોઈ વ્યક્તિ તેમની ઓફિસમાં ચોરી કરવા આવ્યો હતો જે બોરવેલમાં પડી ગયો છે. હજુ સુધી તેની ઓળખ થઇ શકી નથી.
એનડીઆરએફ, પોલીસ, ફાયરબ્રિગેડ બચાવવા પહોંચ્યા
યુવકના બોરવેલમાં પડતાં જ મોડી રાતે પોલીસ, એનડીઆરએફ અને ફાયરબ્રિગેડની ટુકડી ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું હતું. એનડીઆરએફની ટીમે કહ્યું કે બોરવેલની બાજુમાં જ વધુ એક બોરવેલ ખોદવામાં આવી રહ્યું છે. 40 ફૂટ ઊંડું બોરવેલ હોવાને કારણે યુવકને અંદરથી કાઢવો મુશ્કેલ છે. અમને આ કાર્યમાં મોડું થઇ શકે છે. પહેલા જેસીબીની મદદથી 50 ફૂટ ખોદકામ કરાશે પછી પાઈપ કાપીને બોરવેલથી યુવકને કાઢવામાં આવશે.