દહેરાદૂન ગમખ્વાર અકસ્માત : દારૂ પાર્ટીનો વિડીયો સામે આવ્યો
- સાત મિત્રોમાંથી છના ઘટનાસ્થળે મોત થયા હતા
- ભયંકર અકસ્માતમાં બે મૃતકોના શિરચ્છેદ થઈ ગયા હતા જ્યારે, અન્યના શરીરના ટૂકડાઓ રસ્તા પર ફેલાઈ ગયા હતા
દહેરાદૂન : ઉત્તરાખંડના દહેરાદૂનથી દારૂની પાર્ટી કરીને બેફામ કાર ચલાવનારાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. પાર્ટીમાંથી પરત ફરી રહેલા મિત્રોનો અકસ્માત એટલો ભયંકર હતો કે, બે મૃતકોના શિરચ્છેદ થઈ ગયા હતા.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોથી ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ વાયરલ વિડીયોમાં મિત્રોને દારૂની મહેફિલ માણતા જોઈ શકાય છે. આ સિવાય તેમની કારનો વિચલિત કરનારો વિડીયો પણ વાયરલ થયો છે. અથડામણ એટલી ખતરનાક હતી કે, ટોયોટા ઈનોવા કારની છત ફાડીને વળી ગઈ હતી. એક પીડિતનું માથું ફાટી ગયેલું જ્યારે, અન્યનું શરીર કચડાયેલી કારની અંદર વળી ગયેલું જોઈ શકાય છે.
આ સિવાય પીડિતોના શરીરના અંગો રસ્તા પર પથરાયેલા જોવા મળે છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાત મિત્રોનું એક ગુ્રપ રાત્રે દારૂ પાર્ટીમાંથી પરત ફરી રહ્યું હતું. કુણાલ કુકરેજા(૨૩), અતુલ અગ્રવાલ (૨૪), ઋષભ જૈન (૨૪), નવ્યા ગોયલ (૨૩), કામાક્ષી (૨૦) અને ગુનીત (૧૯) ના મોત થયા છે. જ્યારે, પાર્ટીનો આયોજક સિદ્ધેશ અગ્રવાલ (૨૫) હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
અકસ્માત પછીની ક્ષણોમાં સિદ્ધેશના આઈફોને પોલીસ કંટ્રોલ રૂમને ઈમરજન્સી એસઓએસ મોકલ્યો હતો. જેણે તેનો જીવ બચાવવામાં મદદ કરી હતી. પોલીસે હજી સુધી નશાની ભૂમિકા અંગે સ્પષ્ટતા કરી નથી કારણકે, તેમના ઓટોપ્સી રિપોર્ટ હજી આવ્યા નથી. બીજી તરફ, સિદ્ધેશના પિતાએ પુત્રની પ્રવૃતિઓ વિશે અનુમાન ન લગાવવા વિનંતી કરી હતી.