આબોહવા પરિવર્તનઃ ગ્લેશિયર પીગળવાની ગતિ 40 ટકા વધી, આ પાંચ રાજ્યો માટે જોખમ વધ્યું
Himalaya Glacier Melting Increase Day By Day: આબોહવા પરિવર્તનને કારણે ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યા છે. જેના કારણે ગ્લેશિયરના તળાવોનો વ્યાપ સતત જોખમી સ્થિતિ તરફ વધી રહ્યો છે. હિમાલયના પ્રદેશોમાં ગ્લેશિયર તળાવોનો વ્યાપ 13 વર્ષના ગાળામાં 33.7 ટકાનો વધારો જોવા મળ્યો છે. ઉત્તરાખંડ સહિત પાંચ રાજ્યોમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. અહીંના ગ્લેશિયર તળાવોના કદ 40 ટકાથી વધુ વધ્યો છે.
DWC રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
સેન્ટ્રલ વોટર કમિશન (DWC)ના તાજેતરના અહેવાલમાં ગ્લેશિયર તળાવોની સાઈઝમાં ફેરફાર અંગેની માહિતી રજૂ કરી છે. સેન્ટ્રલ વોટર કમિશને વર્ષ 2011થી સપ્ટેમ્બર 2024 સુધીની પરિસ્થિતિનો અભ્યાસ કરીને હિમાલયના ગ્લેશિયર તળાવોના વિસ્તારમાં આવેલા ફેરફારનું મૂલ્યાંકન કર્યું હતું. જેમાં ખુલાસો થયો કે ભારતમાં ગ્લેશિયર લેકનો વિસ્તાર 1,962 હેક્ટર હતો, જે સપ્ટેમ્બર 2024માં 33.7 ટકા વધી 2,623 હેક્ટર થયો છે.
આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશના 17 લાખ મુસ્લિમ વિદ્યાર્થીઓને મળી રાહત, સુપ્રીમ કોર્ટે મદરેસા પર આપ્યો મહત્ત્વનો ચુકાદો
જેમ જેમ ગ્લેશિયર તળાવોનો વિસ્તાર વધી રહ્યો છે તેમ તેમ અન્ય જળાશયોમાં પણ પાણીનું પ્રમાણ વધી રહ્યું છે. વર્ષ 2011માં ગ્લેશિયર તળાવો સહિત અન્ય જળાશયોનો કુલ વિસ્તાર 4.33 લાખ હેક્ટર હતો જે હવે 10.81 ટકા વધી 5.91 લાખ હેક્ટર થયો છે. ઉચ્ચ જોખમવાળા ગ્લેશિયર તળાવો નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધારે છે. ભૂટાન, નેપાળ અને ચીન જેવા પડોશી દેશોમાં પણ પૂરનું જોખમ દેખાઈ રહ્યું છે.
રાજ્યોમાં સ્થિતિ ચિંતાજનક
સેન્ટ્રલ વોટર કમિશનના રિપોર્ટ અનુસાર, આવા 67 તળાવોની ઓળખ કરવામાં આવી છે, જેની સપાટીના વિસ્તાર 40 ટકાથી વધુ વધ્યા છે. લદાખ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ સહિત ઉત્તરાખંડમાં ગ્લેશિયર પીગળવાની સ્થિતિ ચિંતાજનક બની છે. આવા તળાવો ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF) માટે સૌથી વધુ જોખમી છે. જેના પર ઝીણવટપૂર્વક નજર રાખવા ભલામણ કરવામાં આવે છે.
ગયા વર્ષે ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ (ICIMOD)એ તેના એક રિપોર્ટમાં મહત્વપૂર્ણ ખુલાસો કર્યો હતો કે, 2011થી 2020 સુધી, ગ્લેશિયર પીગળવાનો દર 2000થી 2010ની તુલનામાં 65% વધુ છે. ગ્લેશિયર્સ પીગળવાની આ ઝડપ ખૂબ જ ચિંતાજનક છે. તેનું કારણ એ છે કે હિમાલય લગભગ 165 કરોડ લોકો માટે પાણીનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. જો આ ગતિ ચાલુ રહેશે, તો સદીના અંત સુધીમાં 80 ટકા જેટલા હિમનદીઓ અદૃશ્ય થઈ શકે છે.