પાર્ટી પછી લોંગ ડ્રાઈવ પર નીકળ્યા હતા યુવક-યુવતીઓ, BMW સાથે રેસ લગાવી અને ધડથી માથા અલગ થઈ ગયા
Dehradun Accident : ઉત્તરાખંડના દહેરાદૂનમાં 12 નવેમ્બર મંગળવારે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં મોટો ખુલાસો થયો છે. જેમાં જીવ ગુમાવનાર કોલેજના છ વિદ્યાર્થીઓ નશામાં હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત પહેલાં તેઓએ દારૂ પાર્ટી કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. પોલીસે પણ સીસીટીવી ફુટેજ પરથી નોંધ્યું છે કે, આ મૃતકોની ઈનોવા કાર અત્યંત સ્પીડમાં હતી.
શુ હતી ઘટના
દહેરાદૂનમાં 12 નવેમ્બરે વહેલી સવારે ઓએનસીજી ચોક ખાતે કોલેજના સાત વિદ્યાર્થીઓની કાર ઈનોવા ટ્રકમાં ઘૂસી ગઈ હતી. જેમાં છના માથા ધડથી અલગ થઈ જતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક ગંભીર રૂપે ઘાયલ થયો હતો. અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર નાસી ગયો હતો. જો કે, આ સમગ્ર ઘટનામાં વિદ્યાર્થીઓની રફ્તાર જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે.
બીએમડબ્લ્યુ સાથે લગાવી હતી રેસ
ડાન્સ અને દારૂ પાર્ટી કર્યા બાદ આ સાત વિદ્યાર્થીઓ ઈનોવા કારમાં જઈ રહ્યા હતાં. ત્યારે તેમણે બીએમડબ્લ્યુ કાર સાથે રેસ લગાવી હતી. ફૂલ સ્પીડે દોડી રહેલી ઈનોવા અચાનક ટ્રકમાં ઘૂસી જતાં દર્દનાક અકસ્માત સર્જાયો હતો. જેમાં મૃતકો અને ઈજાગ્રસ્તને કાર તોડી બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ મૃતકોના ઓટોપ્સી રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. તેના પરથી તેઓ નશાની હાલતમાં હતા કે નહીં તેની જાણ થશે.
પાંચ મૃતકો દહેરાદૂનના
છ મૃતકોમાંથી એક કુણાલ કુકરેજા (ઉ.વ.23) કે જે હિમાચલ પ્રદેશથી દહેરાદૂન આવ્યો હતો. અન્ય પાંચના નામ રિષભ જૈન (ઉ.વ.24), નવ્યા ગોયલ(ઉ.વ. 23), કામાક્ષી (ઉ.વ.20), અને ગુણીત (ઉ.વ.19) હતા. આ સિવાય 25 વર્ષીય સિદ્ધેશ અગ્રવાલને ગંભીર ઈજાઓ થઈ હતી. જે હાલ હોસ્પિટલમાં છે.