VIDEO: ચીન-પાકિસ્તાનનું વધ્યું ટેન્શન, દુશ્મનના વિમાનોનો ખાતમો કરે એવા ‘સુદર્શન ચક્ર’નું સફળ પરીક્ષણ
Defense News : ભારતીય વાયુ સેનાએ (Indian Air Force - IAF) તાજેતરમાં દુશ્મનના 80% વિમાનોનો ખાતમો કરી નાખતા ‘સુદર્શન ચક્ર’ (Sudarshan Chakra)નું સફળ પરીક્ષણ કર્યું છે. પરીક્ષણ દરમિયાન ‘સુદર્શન ચક્ર’ તરફ દુશ્મનના રાફેલ, સુખોઇ અને મિગ ફાઇટર જેટ મોકલવામાં આવ્યા હતા, જો કે આ હથિયારે તુરંત કાર્યવાહી કરી હતી અને આમાંથી 80 ટકા ટાર્ગેટને તોડી પાડ્યા હતા.
ભારત પાસે કુલ ત્રણ સુદર્શન ચક્ર
સુદર્શન ચક્ર એટલે કે S-400 AD વિશ્વની સૌથી ખતરનાક એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ છે. ભારત પાસે આવા ત્રણ સુદર્શન ચક્ર છે, જ્યારે બે રશિયાથી આવવાના છે. આજે જે પરીક્ષણ કરવામાં આવ્યું છે, તેમાં વાયુસેનાના રાફેલ, Su-30 અને મિગ વિમાનોને દુશ્મનના ફાઇટર જેટ બનાવાયા હતા, તેને સુદર્શન ચક્રએ તોડી પાડ્યા હતા. આજના પરીક્ષણ દરમિયાન સિમ્યુલેટેડ થિયેટર લેવલનો યુદ્ધાભ્યાસ કરાયો હતો.
રશિયાથી આવશે બે સુદર્શન ચક્ર અને S-400
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે ગયા હતા, જ્યાં રશિયાએ વિશ્વાસ આપ્યો હતો કે, બાકીના બે સુદર્શન ચક્ર અને S-400 એર ડિફેન્સ સિસ્ટમ 2025 અને 2026માં ભારત મોકલવામાં આવશે. યુક્રેન સાથે યુદ્ધ ચાલતું હોવાથી રશિયાએ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ મોકલવામાં વિલંબ કર્યો છે.
ચીન-પાકિસ્તાનનું વધ્યું ટેન્શન
ભારતે આ હથિયારનું પરીક્ષણ કરી દુશ્મન દેશ પાકિસ્તાન અને ચીનનું ટેન્શન વધારી દીધું છે. કારણ કે, ભારત પાસે એસ-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ હોવાથી ચીન અથવા પાકિસ્તાન સરહદ પાસે નાપાક હરકત પણ નહીં કરી શકે. આ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમના બાકીના યુનિટ્સ આવવાથી દેશની સુરક્ષા અભેદ્ય બની જશે. એસ-400 મિસાઇલ સિસ્ટમના ઓપરેટર્સની ટ્રેનિંગ પણ પૂર્ણ થઈ ગઈ છે.
એક જ ઝાટકે 72 મિસાઇલનો મારો કરી શકે છે એસ-400
એસ-400માં એક ઝાટકે 72 મિસાઇલ મારો કરવાની ક્ષમતા છે. આની ખાસ વાત એ છે કે, આ એર ડિફેન્સ સિસ્ટમને ક્યાં પણ મૂવ કરવી ખૂબ જ સરળ છે. માઈનસ 50 ડિગ્રીથી લઈને માઈનસ 70 ડિગ્રી સુધીના તાપમાનમાં અડીખમ રહેતી આ મિસાઇલને દુશ્મન દેશ માટે નષ્ટ કરવી પણ મુશ્કેલ છે, કારણ કે તેની કોઈ ફિક્સ પોઝિશન હોતી નથી, તેથી તેને સરળતાથી ડિટેક્ટ કરી શકાતું નથી.
S-400 મિસાઇલ સિસ્ટમમાં ચાર પ્રકારની મિસાઇલ
એસ-400 મિસાઇલ સિસ્ટમમાં ચાર પ્રકારની મિસાઇલ હોય છે, જેની રેન્જ 40, 100, 200 અને 400 કિલોમીટર સુધીની છે. આ સિસ્ટમ 100થી લઈને 40 હજાર ફૂટ ઉપર ઉડતાં કોઈપણ ટાર્ગેટને ઓળખીને નષ્ટ કરી શકે છે. એસ-400 મિસાઇલ સિસ્ટમ (S-400 Air Defence Missile System)ની રડાર ખૂબ જ અત્યાધુનિક અને શક્તિશાળી છે.
આ પણ વાંચો : ઉત્તરપ્રદેશમાં ભાજપનો આંતરિક વિવાદ શાંત પડ્યો! ઘણાં દિવસો બાદ સાથે દેખાયા બે દિગ્ગજ