સંરક્ષણ મંત્રાલયે HAL સાથે કર્યો રૂ.13,500 કરોડની સોદો, ખરીદશે 12 સુખોઈ જેટ
Make in India : સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે (12 ડિસેમ્બર) સંરક્ષણ ક્ષેત્રે ભારતને વધુ મજબૂત બનાવવા માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધા છે. સંરક્ષણ મંત્રાલયે 'મેક ઇન ઇન્ડિયા' ચળવળને વધુ મજબૂતી આપવા બે મોટા પ્રોજેક્ટને મંજૂરી આપી છે અને આ પ્રોજેક્ટ્સ માટે આશરે 20,000 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. જે અંતર્ગત HAL પાસેથી ભારતીય વાયુસેના માટે 12 Su-30MKI (સુખોઇ) ફાઇટર જેટ ખરીદવામાં આવશે. આ માટે રૂ. 13,500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત L&T પાસેથી ભારતીય સેના માટે પણ 100 k-9 વજ્ર સેલ્ફ પ્રોપેલ્ડ હોવિત્ઝર ટેન્ક ખરીદવામાં આવશે.
SU-30MKI ફાઇટર જેટ
હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ (HAL) ના નાસિક યૂનિટમાં 12 Su-30MKI ફાઇટર જેટનું નિર્માણ કરવામાં આવશે. આ વિમાનોની કુલ કિંમત આશરે 13,500 કરોડ રૂપિયા હશે. આ વિમાનો વાયુસેનાના જુના વિમાનોનું સ્થાન લેશે અને સંરક્ષણ ક્ષેત્રે ભારતીય વાયુસેનાને વધુ મજબૂત બનાવશે.
આ પણ વાંચોઃ છત્તીસગઢઃ દંતેવાડામાં નક્સલીઓ-સુરક્ષા દળો વચ્ચે અથડામણ, સાત માઓવાદી ઠાર
K-9 વજ્ર હોવિત્ઝર
લાર્સન એન્ડ ટુબ્રો (L&T) દ્વારા ગુજરાતના હજીરામાં 100 k-9 હોવિત્ઝર ટેન્કનું નિર્માણ કરશે. આ અગાઉ પણ કંપનીએ ભારતીય સેના માટે 100 હોવિત્ઝર ટેન્કનું નિર્માણ કર્યું છે. L&T આ ટેન્કના નિર્માણમાં મોટા પ્રમાણમાં સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરે છે.
નાના અને મધ્યમ ઉદ્યોગોને લાભ
HAL અને L&Tના આ પ્રોજેક્ટ્સથી તેમની સાથે સપ્લાઇ ચેનમાં જોડાયેલા નાન અને મધ્યમ ઉદ્યોગોને પણ મજબૂતી મળશે. સંરક્ષણ મંત્રાલયનું આ પગલું ભારતીય ડિફેન્સ સેક્ટરમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મોટી ઉપલબ્ધિ છે.