‘આતંકી ઘટનાઓમાં સૌથી વધુ મુસ્લિમોના મોત થયા’ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી સભામાં રાજનાથસિંહના પાકિસ્તાન પર પ્રહાર
Rajnath Singh On Pakistan : જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરતી વખતે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ભારત-પાકિસ્તાનના સંબંધો તેમજ આતંકી ઘટનાઓમાં સૌથી વધુ મુસ્લિમોના મોતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
‘કયો દેશ પડોશી દેશ સાથે સંબંધ સુધારવા નહીં માંગે?’
બનિહાલ વિધાનસભા ક્ષેત્રમાં ભાજપ ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધતા રાજનાથસિંહે કહ્યું કે, ‘કેટલાક લોકો અમને પાકિસ્તાન સાથે વાતચીત કરવા માટે કહી રહ્યા છે. જો પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ બંધ કરે તો ભારત તેની સાથે વાતચીત શરૂ કરવા તૈયાર છે. પાકિસ્તાને આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરી દેવું જોઈએ. કયો દેશ પડોશી દેશ સાથે સંબંધ સુધારવા નહીં માંગે? કારણ કે હું આ બાબતની વાસ્તવીકતા જામું છું, તમે તમારા મિત્રને બદલી શકો છો, પરંતુ પોતાના પડોશીને નહીં.’
આ પણ વાંચો : મણિપુરમાં ફરી બબાલ, રાજભવન પર પથ્થરમારો, 20થી વધુ ઈજાગ્રસ્ત, સુરક્ષાકર્મીઓ ભાગ્યા
અમે પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ : રાજનાથ સિંહ
કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, અમે પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ, જોકે સૌથી પહેલા તેણે આતંકવાદ અટકાવવો પડશે. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરશે તો ભારત પણ તેની સાથે વાતચીત શરૂ કરશે.
‘આતંકી ઘટનાઓમાં સૌથી વધુ મુસ્લિમોના મોત થયા’
તેમણે વધુમાં કહ્યું કે, ‘જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદનો ભોગ બનેલાઓમાં સૌથી વધુ 85 ટકા મુસ્લિમો હતા. કાશ્મીરમાં આતંકવાદની ઘટનાઓ સામાન્ય વાત હતી. શું આતંકવાદી ઘટનાઓમાં હિન્દુઓના મોત થતા હતા? હું ગૃહમંત્રી રહી ચુક્યો છું અને મને ખબર છે કે, આતંકવાદી ઘટનાઓમાં સૌથી વધુ મુસ્લિમોના મોત થયા.’
‘PoKના રહેવાસીઓએ ભારતનો હિસ્સો બનવું જોઈએ’
સંરક્ષણ મંત્રીએ જાહેરસભા સંબોધતા એવું કહ્યું કે, પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)ના રહેવાસીઓએ ભારત આવવું જોઈએ અને તેમણે ભારતનો હિસ્સો બનવું જોઈએ. તેમણે પીઓકેના રહેવાસીઓને કહ્યું કે, અમે તમને પોતાના માનીએ છીએ, જ્યારે પાકિસ્તાન તમને વિદેશી માને છે.