કોંગ્રેસના દિગ્ગજ નેતા સામે માનહાનિનો કેસ દાખલ, ભાજપના કદાવર મંત્રીએ આપ્યું 24 કલાકનું અલ્ટીમેટમ
Image: Facebook
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024ને લઈને નેતાઓમાં આરોપ-પ્રત્યારોપ પૂરજોશમાં ચાલી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા શશી થરૂરની મુશ્કેલી વધી ગઈ છે. કેરળના તિરુવનંતપુરમથી ભાજપ ઉમેદવાર રાજીવ ચંદ્રશેખરે શશી થરૂર પર માનહાનિનો કેસ કર્યો છે. આ ઉપરાંત તેમણે થરૂરને માફી માંગવા માટે 24 કલાકનો સમય આપ્યો છે.
કેશ ફોર વોટનો આરોપ લગાવ્યો
કોંગ્રેસ નેતા શશી થરૂર કેરળની રાજધાની તિરુવનંતપુરમથી ચૂંટણી મેદાનમાં છે. તેમને ટક્કર આપવા માટે ભાજપે રાજીવ ચંદ્રશેખરને ટિકિટ આપી છે. આ દરમિયાન થરૂરે રાજીવ પર કેશ ફોર વોટ જેવા ગંભીર આરોપ લગાવ્યા છે. થરૂરે દાવો કર્યો છે કે રાજીવે વોટ ખરીદવા માટે અમુક સમુદાયોના ધાર્મિક નેતાઓની સામે રૂપિયાની રજૂઆત કરી છે.
રાજીવ ચંદ્રશેખરે આપી પ્રતિક્રિયા
ભાજપ નેતા રાજીવ ચંદ્રશેખરે શશી થરૂરના નિવેદન પર સખત વાંધો ઉઠાવ્યો છે. રાજીવે થરૂરને ચેતવણી આપતા કહ્યું કે જો તેઓ નિવેદનને પાછું નહીં લે અને જાહેરમાં માફી માગી નહીં તો તેઓ થરૂર સામે કાયદેસરની કાર્યવાહી કરશે. રાજીવના જણાવ્યા અનુસાર શશી થરૂરનું નિવેદન સંપૂર્ણ રીતે ખોટું અને પાયાવિહોણું છે. લોકસભા ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરવા માટે શશી થરૂર, રાજીવ ચંદ્રશેખરની છબી બગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
રાજીવ ચંદ્રશેખરે મોકલી નોટિસ
શશી થરૂરના નિવેદન પર એક્શન લેતા રાજીવ ચંદ્રશેખરે તેમની પર માનહાનિનો કેસ કર્યો છે. આ કાયદેસર નોટિસ અનુસાર શશી થરૂરે લોકસભા ચૂંટણીમાં જીતવાના ઈરાદાથી રાજીવના સંબંધમાં ખોટી અને ભ્રામક જાણકારીનો પ્રચાર કર્યો છે, જેના કારણે રાજીવની છબી બગડી છે. આ કારણસર શશી થરૂર 24 કલાકની અંદર રાજીવ ચંદ્રશેખરની માફી માગે અને ભવિષ્યમાં પણ આવા પાયાવિહોણા નિવેદન ના કરે.