હરિયાણામાં પરાજય બાદ કોંગ્રેસમાં ખળભળાટ: ગુજરાતનાં નેતાએ પદ છોડ્યું, કહ્યું- અન્ય કોઈને સોંપો જવાબદારી
Deepak Babaria Resignation: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ દીપક બાબરિયાએ રાજ્ય પ્રભારી પદ પરથી રાજીનામું આપ્યું છે. દીપક બાબરિયાએ રાહુલ ગાંધીને કહ્યું હતું કે, તમે હવે અન્ય કોઈને હરિયાણાના પ્રભારી બનાવો, મને કોઈ વાંધો નથી.
દીપક બાબરિયાએ જણાવ્યું હતું કે, હરિયાણા વિધાનસભા ચૂંટણી વચ્ચે તેમની તબિયત અચાનક બગડી હતી. તેમજ ઘાઉ પણ બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. તેમને ન્યૂરો સંબંધિત અમુક સમસ્યાઓ પણ સર્જાઈ છે. તેમનુ મગજ શરીરના અમુક અંગો સુધી સંદેશો પહોંચાડી રહ્યો નથી. તેમને હોસ્પિટલમાં પણ દાખલ કર્યા હતા. હાલ તબિયત સારી છે, પરંતુ ગમે-ત્યારે બગડી શકે છે.
એઈમ્સમાં દાખલ કર્યા હતા
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે જ્યારે ટિકિટ ફાળવણી થઈ રહી હતી, તે દરમિયાન દીપક બાબરિયાનુ બ્લડ પ્રેશર અચાનક વધી જતાં તેમને દિલ્હી AIIMS માં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ ભાજપને જોરદાર ઝટકો, ઓવૈસીને પડકારનાર ચર્ચિત મહિલા નેતાની ધરપકડ, જાણો શું છે મામલો?
અન્ય કાર્યકરો અને નેતાઓએ આરોપ મૂક્યા
ભુપેન્દ્રસિંહ હુડ્ડા જૂથના દીપક બાબરિયા પર અવારનવાર આરોપો લાગ્યા હતા કે, તે પ્રભારી તરીકેની જવાબદારી યોગ્ય રીતે નિભાવી રહ્યા નથી. તેઓ માત્ર પક્ષપાત કરે છે. અન્ય નેતાઓએ પણ આરોપ મૂક્યો હતો કે, દીપક બાબરિયા શૈલજા કુમારી અને રણદીપ સુરજેવાલાના નેતાઓની વાત સાંભળતા નથી. તે માત્ર ભુપેન્દ્રસિંહ હુડ્ડા અને તેમના નેતાઓ પર જ ધ્યાન આપે છે.
કોંગ્રેસની હરિયાણામાં કારમી હાર
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામ કોંગ્રેસ માટે અપેક્ષા મુજબ આવ્યા ન હતા. હરિયાણાની કુલ 90 બેઠકોમાંથી કોંગ્રેસ માંડ 37 બેઠકો જીતી શકી હતી, જ્યારે તેને 60થી વધુ બેઠકો પર જીતની અપેક્ષા હતી. ભાજપે સૌથી વધુ 48 બેઠકો પર જીત હાંસલ કરી હતી. અભય ચૌટાલાની INLDના ખાતામાં 2 બેઠકો અને સાવિત્રી જિંદલ સહિત 3 અપક્ષ નેતાઓ જીત્યા હતાં.