રાજસ્થાનમાં ભાજપની બેઠકોમાં ઘટાડો, ૧૦ વર્ષ પછી કોગ્રેસનું ખુલ્યું ખાતુ
છેલ્લા બે લોકસભા ચુંટણીથી કોંગ્રેસને એક પણ બેઠક મળતી ન હતી
રાજસ્થાનમાં કોંગ્રેસને 25 માંથી 8 બેઠકો પર જીતની સરસાઇ મળી
જયપુર,4 જુન,2024,મંગળવાર
વિધાનસભા ચુંટણીના પરિણામોમાં રાજ્સ્થાન સત્તાના હસ્તાંતરણ માટે જાણીતું છે પરંતુ લોકસભા ચુંટણીની વાત નિકળે ત્યારે ભાજપનો ગઢ રહયું છે. ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં ભાજપ કલીન સ્વીપ કરીને કૉગ્રેસને એક પણ બેઠક જીતવા દીધી ન હતી પરંતુ ૨૦૨૪ની લોકસભા ચુંટણી પરિણામો ભાજપ માટે ચોંકાવનારા રહયા હતા. રાજસ્થાનની ૨૫ બેઠકોમાંથી ભાજપને ૧૪ બેઠકોથી સંતોષ રાખવો પડયો છે. કોંગ્રેસે ૮ બેઠકો મેળવતા ૧૦ વર્ષ પછી ખાતુ ખોલાવ્યું હતું.
જયારે કોમ્યુનિસ્ટ પાર્ટી અને ભારત આદિવાસી પાર્ટીને ૧ બેઠક મળી હતી. હનુમાન બેનીવાલને પણ એક બેઠક પર ૪૧૧૫૬ મતોની સરસાઇ મળી હતી. રાજસ્થાનમાં વિધાનસભા ચુંટણીમાં ભાજપને બંપર સફળતા મળી હતી તેનો લાભ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા મેળવી શકયા નહી. કોંગ્રેસે ગંગાનગર, ચુરુ, ભરતપુર, કરોલી ધૌલપુર, દૌસા, ટોંક, બારમેર અને ઝુનઝુનુ બેઠક પર સફળતા મળી હતી.
રાજસ્થાનમાં ભજનલાલ શર્મા સરકારની કેબિનેટના મંત્રી ડૉ કિરોડીલાલ મીણા સાત બેઠકોની જવાબદારી સંભાળતા હતા તેમાંથી એક પણ બેઠક હારશે તો મંત્રીપદેથી રાજીનામુ આપી દેશે એવું ચુંટણી પરિણામોના એક દિવસ પહેલા જાહેર કર્યુ હતું. આ સાત બેઠકોમાંની દૌસા બેઠકનો પણ સમાવેશ થતો હતો.