દિલ્હીમાં આશ્રય ગૃહમાં 15 દિવસમાં 13 લોકોના મોતથી હડકંપ, કારણ હજુ અકબંધ, તંત્રમાં દોડધામ
27 Deaths In Asha Kiran Shelter Home In past 7 month: દેશની રાજધાની નવી દિલ્હીના રોહિણી ખાતે આવેલી માનસિક રીતે અસ્થિર લોકો માટેની દિલ્હી સરકારની એકમાત્ર સુવિધા 'આશા કિરણ' ડેથ ચેમ્બર બની રહ્યું છે. છેલ્લા સાત મહિનામાં અહીં રહેતાં 27 બાળકોના મોત થયા છે. તેમાંય જુલાઈ મહિનો કાળમુખો બન્યો છે. સંસ્થાની બેદરકારીથી જુલાઈના બીજા પખવાડિયામાં 13 દર્દીઓના મોત થયા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
સૂત્રોના અને 'આશા કિરણ'ના મેડિકલ કેર યુનિટના ડૉક્યુમેન્ટ્સના આધારે 15 જુલાઈના રોજ 13 દર્દીઓના મોત થયા હતા, જેમાં મોટાભાગની મહિલાઓ હતી. મૃત્યુ પામનાર દર્દીઓને ઝાડા-ઉલ્ટીના લક્ષણો જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે, તેઓ બીમાર હોવા છતાં તેમની કોઈ સારવાર કરવામાં ન આવતાં તેમના મોત થયા હતા. ડૉ. બાબા સાહેબ આંબેડકર હૉસ્પિટલ આ આશ્રય ગૃહથી માત્ર બે કિ.મી.ના અંતરે જ હોવા છતાં કોઈ સારવાર કરવામાં આવી ન હતી.
હૉસ્પિટલના ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે, મોતનું કારણ બાળકોની દેખરેખ અને પાણી પીવાની વ્યવસ્થા ઠીક ન હોવાનું છે. આ મામલે દિલ્હીના મંત્રી આતિશીએ મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે.
આ પણ વાંચોઃ ઉ. ભારતમાં ભારે વરસાદ વાદળ ફાટવા સહિતની ઘટનાઓમાં 43નાં મોત
છેલ્લા સાત મહિનામાં થયેલા મોત
આ વર્ષે અત્યારસુધીમાં કુલ 27 લોકોના મોત થયા છે. જેમાં જાન્યુઆરીમાં 3, ફેબ્રુઆરીમાં 2, માર્ચમાં 3, એપ્રિલમાં 2, મેમાં 1, જૂનમાં 3 અને જુલાઈમાં 13ના મોત થયા છે. જુલાઈમાં થયેલા મોત અંગે વધુ જાણકારી મેળવવા માત્ર એક જ મૃતદેહ ઓટોપ્સી માટે મળ્યો હતો. તદુપરાંત અન્ય ઘણા દર્દીઓ મેડિકલ કેર યુનિટમાં સારવાર લઈ રહ્યા છે. 54 દર્દીઓ હૉસ્પિટલમાં દાખલ છે.
આશ્રય ગૃહ અગાઉ પણ વિવાદમાં આવ્યું હતું
દિલ્હીના સામાજિક કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત આશ્રય ગૃહ 'આશા કિરણ' માનસિક રૂપે અસ્થિર 1000 લોકોની ક્ષમતા ધરાવે છે. જો કે, તેમ છતાં પુરુષો માટે 10 શયન ગૃહ અને મહિલાઓ માટે 10 શયન ગૃહ છે. છ ડૉક્ટર અને 17 નર્સ દર્દીઓની સંભાળ લે છે. અગાઉ પણ કેગ દ્વારા 2015માં રજૂ થયેલ રિપોર્ટમાં 'આશા કિરણ'નો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં આ સુવિધામાં ક્ષમતા કરતાં વધુ ભારણ, તેમજ મેડિકલ ઇમરજન્સીની અપર્યાપ્ત સુવિધા અને સ્ટાફની અછત જેવા મુદ્દાઓ નોંધવામાં આવ્યા હતા. 2009-2014 દરમિયાન આ ગૃહમાં કુલ 148ના મોત થયા હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.