સાસુની દાતરડાના 95 ઘા ઝીંકી હત્યા કરનારી વહુને મોતની સજા
- મધ્યપ્રદેશના રેવાની સેશન્સ કોર્ટનો ચુકાદો
- ઘરેલુ વિવાદના પગલે વહુએ સાસુનો જીવ લઈ લીધો
રેવા(મ.પ્ર.) : મધ્યપ્રદેશમાં રેવા જિલ્લામાં ૨૪ વર્ષની મહિલાને સાસુની દાતરડાના ૯૫થી વધુ ઘા ઝીંકી હત્યા કરવા બદલ મોતની સજા ફટકારવામાં આવી છે. રેવા જિલ્લાના એડિશનલ સેશન્સ જજે આરોપી કંચન કોલને આ સજા ફટકારી છે.
આરોપી કંચન કોલે તેની ૫૦ વર્ષીય સાસુ સરોજ કોલની હત્યા કરી હોવાનુ એડિશનલ સેશન્સ જજે જણાવ્યું હતું. રેવા જિલ્લાના મંગવા પોલીસ સ્ટેશનની હદમાં આવતા અતરાઇલા ગામની રહેવાસી કંચને ૧૨ જુલાઈ ૨૦૨૨ના રોજ ઘરેલુ વિવાદના પગલે તેની સાસુની દાતરડાના ૯૫થી વધુ ઘા ઝીંકીને હત્યા કરી હતી.
આ બનાવ બન્યો ત્યારે પીડિત ઘરમાં એકલી હતી. તેના પછી તેના પુત્રએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી અને તેનો હોસ્પિટલ લઈ ગયો હતો. તે સમયે ડોક્ટરોએ તેને મૃત્યુ પામેલી જાહેર કરી હતી એમ દ્વિવેદીએ જણાવ્યું હતું.
પબ્લિક પ્રોસીક્યુટરે જણાવ્યું હતું કે પીડિત સરોજ કોલના પતિ વાલ્મિક કોલનું નામ પણ કેસમાં સહઆરોપી તરીકે હતુ, પરંતુ તેને પુરુવાના અભાવે નિર્દોષ છોડી દેવાયો હતો.