કતારની જેલમાં બંધ ભારતીય નૌસેનાના આઠ પૂર્વ અધિકારીને રાહત, ફાંસીની સજા પર સ્ટે
તમામ અધિકારીઓ જાસૂસીના આરોપમાં ઓગસ્ટ 2022થી કતારની જેલમાં બંધ
નવી દિલ્હી, તા.28 નવેમ્બર-2023, ગુરુવાર
Qatar commutes death sentences: કતારે ધરપકડ કરેલા ભારતીય નૌસેનાના આઠ પૂર્વ અધિકારીઓની ફાંસીની સજા પર સ્ટે આપી દીધો છે. વિદેશ મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું છે કે કતારની કોર્ટે કથિત જાસૂસીના આરોપમાં ધરપકડ કરેલા આઠેય અધિકારીની ફાંસીની સજા કેદમાં ફેરવી દીધી છે. કતાર પોલીસે ગત વર્ષે ઓગસ્ટમાં આ આઠેય અધિકારીની ધરપકડ કરી હતી. ત્યારથી આ આઠેય અધિકારી કતારની જેલમાં બંધ છે. કતારે નૌસેનાના અધિકારીઓ વિરુદ્ધ દાખલ કરેલા કેસ અંગે કોઈ વિસ્તૃત માહિતી આપી નથી, પરંતુ આ તમામ પર જાસૂસીનો આરોપ છે.
ભવિષ્યમાં પણ તમામ મદદની ભારતની ખાતરી
વિદેશ મંત્રાલયના સત્તાવાર નિવેદન પ્રમાણે, કતારની કોર્ટ ઓફ અપીલમાં આજે પણ ભારતના કતાર સ્થિત રાજદૂત અને અન્ય અધિકારીઓ સાથે સજા ભોગવી રહેલા અધિકારીઓના પરિવાર સાથે હાજર રહ્યા હતા. આ કેસની શરૂઆતથી ભારત સરકાર તેમની સાથે છે. આ ઉપરાંત આગામી સમયમાં પણ તેમને તમામ કાયદાકીય મદદ આપવાનું ચાલુ રહેશે. આ કેસની ગંભીરતા અને જરૂરી ગુપ્તતાને ધ્યાનમાં રાખીને આ મામલે હાલ કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી.
તમામ પૂર્વ સૈનિકો પ્રાઈવેટ કંપનીમાં હતા
ધરપકડ કરાયેલા અધિકારીઓ એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. આ કંપની કતરી એમિરી નેવીને તાલીમ અને અન્ય સેવા આપે છે. મીડિયા અહેવાલો પ્રમાણે, આ કંપનીનું નામ દહરા ગ્લોબલ ટેકનોલોજી એન્ડ કન્સલ્ટન્સી સર્વિસીસ છે. આ કંપનીનો દાવો છે કે તે કતારની સુરક્ષા અને અન્ય સરકારી એજન્સીઓની ભાગીદાર છે. રૉયલ ઓમાન વાયુ સેનાના નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર ખામિસ અલ અજમી આ કંપનીના સીઈઓ છે. રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત કમાન્ડર પૂર્ણંદૂ તિવારી (નિવૃત્ત) પણ કતાર પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આઠ અધિકારીઓમાં સામેલ છે.