Get The App

19000 કરોડના ખર્ચે ઘાતક મિસાઈલ ખરીદી ભારતીય નેવીને કરાશે મજબૂત, સરકારની મંજૂરી

- બ્રહ્મોસ મિસાઈલ ભારતીય નેવીનું મુખ્ય હથિયાર છે જેનો એન્ટી શિપ અને એટેક ઓપરેશનમાં ઉપયોગ થાય છે

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
19000 કરોડના ખર્ચે ઘાતક મિસાઈલ ખરીદી ભારતીય નેવીને કરાશે મજબૂત, સરકારની મંજૂરી 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 22 ફેબ્રુઆરી 2024, ગુરૂવાર

સુરક્ષા મામલાની કેબિનેટ સમિતિએ 200 બ્રહ્મોસ મિસાઈલની ખરીદી માટેની ડીલને મંજૂરી આપી દીધી છે. બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલોની ખરીદી ભારતીય નેવી માટે કરવામાં આવશે અને આ મિસાઈલોને ભારતીય નેવીના યુદ્ધ જહાજો પર તૈનાત કરવામાં આવશે. આ ડીલ 19 હજાર કરોડ રૂપિયાની છે. બુધવારે સાંજે સુરક્ષા મામલાની કેબિનેટ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં આ ડીલને મંજૂરી આપવામાં આવી છે. 

માર્ચના પ્રથમ અઠવાડિયામાં ડીલ પર થઈ શકે છે હસ્તાક્ષર

આ કરાર પર બ્રહ્મોસ એરોસ્પેસ અને રક્ષા મંત્રાલય વચ્ચે માર્ચના પ્રથમ અઠવાડિયામાં હસ્તાક્ષર થઈ શકે છે. બ્રહ્મોસ એરોસ્પેસ એ ભારત અને રશિયાની સરકારનું એક સંયુક્ત ઉપક્રમ છે. જે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું ઉત્પાદન કરે છે. આ મિસાઈલોને સબમરીન, યુદ્ધ જહાજ, એરક્રાફ્ટ અને જમીન પરથી પણ ફાયર કરી શકાય છે. બ્રહ્મોસ મિસાઈલ ભારતીય નેવીનું મુખ્ય હથિયાર છે જેનો એન્ટી શિપ અને એટેક ઓપરેશનમાં ઉપયોગ થાય છે. 

બ્રહ્મોસ મિસાઈલને ભારતમાં જ રશિયાની મદદથી વિકસાવવામાં આવી છે અને તેના ઘણા પાર્ટ ભારતમાં જ બનાવવામાં આવે છે. ભારત ટૂંક સમયમાં બ્રહ્મોસ મિસાઈલની ફિલિપાઈન્સમાં નિકાસ કરવા જઈ રહ્યું છે. બંને દેશો વચ્ચે આ અંગે એક ડીલ થઈ ચૂકી છે અને આ સાથે જ ફિલિપાઈન્સ બ્રહ્મોસ મિસાઈલ સિસ્ટમ ખરીદનાર પ્રથમ વિદેશી ગ્રાહક દેશ બની ગયો છે.

ભારતીય હથિયારોની નિકાસ વધારવા પર ફોકસ

દક્ષિણ એશિયાના અન્ય દેશોએ પણ બ્રહ્મોસ મિસાઈલની ખરીદીમાં રસ દાખવ્યો છે. બ્રહ્મોસ એરોસ્પેસના પ્રમુખ અતુલ રાણેએ જણાવ્યું કે, ફિલિપાઈન્સની સાથે બ્રહ્મોસ મિસાઈલની ડીલ લગભગ 375 મિલિયન ડોલરની હશે અને તેમની ટીમ પ્રયાસ કરી રહી છે કે, વર્ષ 2025 સુધીમાં હથિયારોની નિકાસને 5 અબજ ડોલરના લક્ષ્ય સુધી પહોંચાડી શકાય. વડાપ્રધાન મોદીએ પણ હથિયારોના નિકાસને પાંચ અબજ ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્ય નક્કી કર્યો છે અને વડા પ્રધાન દ્વારા નિર્ધારિત લક્ષ્યાંકને હાંસલ કરવામાં બ્રહ્મોસ મિસાઈલ સિસ્ટમ મહત્વની ભૂમિકા ભજવશે. બ્રહ્મોસ મિસાઈલની ડીલ બાદ ભારતમાં વિકસિત અન્ય હથિયારો જેવા કે, આકાશ મિસાઈલ, હોવિત્ઝર તોપ વગેરેના નિકાસની શક્યતાઓ પણ વધી શકે છે.

હથિયારોની નિકાસને પ્રોત્સાહન આપવા માટે રક્ષા મંત્રાલય તેના હથિયારોની હાર્ડવેર ક્વોલિટી સુધારવા પર ફોકસ કરી રહ્યું છે. આ સાથે જ ભારતીય કંપનીઓએ વિદેશોમાં પણ પોતાના કાર્યાલય ખોલ્યા છે જેથી નિકાસને પ્રોત્સાહન મળી શકે.


Google NewsGoogle News