આબુમાં તાપમાન 0.8 ડિગ્રી, ઉ.ભારત પણ કાતિલ ઠંડીના સકંજામાં, 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
Weather News Updates | ઉત્તર ભારત ફરી એક વખત હાડગાળતી ઠંડી અને ધુમ્મસની ઝપેટમાં આવ્યું છે, જેને પગલે અનેક વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કાશ્મીરમાં હિમવર્ષા પછી મોટાભાગના વિસ્તારોમાં રાતના સમયે લઘુત્તમ તાપમાન ઘટયું છે. દક્ષિણ કાશ્મીરમાં પહેલગામમાં તાપમાન એક જ રાતમાં સાત ડિગ્રી જેટલું ઘટીને માઈનસ 11.8 ડિગ્રી થયું હતું જ્યારે યાત્રાધામ વૈષ્ણોદેવીમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ હતી. રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાન 0.8 ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગે આગામી સમયમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં 11 રાજ્યોમાં ઠંડી સાથે વરસાદની એલર્ટ આપી છે જ્યારે હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં કોલ્ડ-ડેની સ્થિતિ જોવા મળી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી દિવસોમાં ઉત્તર ભારત અને પર્વતીય રાજ્યોમાં નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન પલટાશે. મેદાની વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે.
નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 23 જાન્યુઆરી સુધી પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં છુટાછવાયા વરસાદની સંભાવના છે. આ સમયમાં હિમાલયના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને ગાજ-વીજ સાથે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના અનેક ભાગોમાં પારો શૂન્યથી નીચે રહ્યો. કાશ્મીરના પર્વતીય તેમજ કેટલાક મેદાની પ્રદેશોમાં હિમવર્ષા થઈ હતી. શ્રીનગરમાં તાપમાન માઈનસ બે ડિગ્રી, ગુલમર્ગમાં માઈનસ સાત ડિગ્રી રહ્યું હતું. પહેલગામમાં આગલા દિવસે રાતે તાપમાન માઈનસ 4.2 ડિગ્રી હતું, જે ગઈકાલે રાતે સાત ડિગ્રી જેટલું ઘટીને માઈનસ 11.8 ડિગ્રી નોંધાયું હતું. હિમાચલ પ્રદેશમાં અનેક વિસ્તારોમાં 3 થી 5 ડિગ્રી સુધી તાપમાન ગગડયું હતું. હિમાચલના કોઠીમાં ૨૪ સેમી બરફ પડયો હતો. આ સિવાય મનાલીમાં 14.8 સેમી, ગોન્ડલામાં 11 સેમી અને મૂરાંગમાં 10 સેમી બરફ પડયો હતો. આ સિવાય કેટલાક વિસ્તારોમાં 4 મીમીથી 10 મીમી સુધી વરસાદ પડયો હતો.
પંજાબમાં પઠાણકોટ 2.8 ડિગ્રી સે. સાથે સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું જ્યારે હરિયાણાના અંબાલામાં 8.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 8.8 ડિગ્રી હતું. રાજસ્થાનના હિલ સ્ટેશન પર 0.8 ડિગ્રી તાપમાન હતું જ્યારે મેદાની પ્રદેશ સિરોહીમાં 3.8 ડિગ્રી તાપમાન હતું. રાજસ્થાનના મોટાભાગના મોટા શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું હતું. બીજીબાજુ હવામાન વિભાગે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશમાં શીત લહેરની ચેતવણી જાહેર કરી છે.