ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી : લદ્દાખ માઇનસ 20 ડિગ્રી તાપમાને થીજી ગયું
- રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ
- હિમાચલ, કાશ્મીર ઉપરાંત પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ઠંડીનો પ્રકોપ જારી : હિમાચલમાં બરફ વર્ષાથી 226 રોડ બંધ
નવી દિલ્હી : ઉત્તર ભારત બુધવારે પણ ભીષણ શીતલહેરની ચપેટમાં રહ્યું હતું અને યાત્રીઓ શ્રીનગર અને શિમલા જેવા સ્થળોએ વ્હાઇટ ક્રિસમસ જોવાથી વંચિત રહ્યાં હતાં. લદ્દાખના ન્યોમામાં લઘુતમ તાપમાન માઇનસ ૨૦.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે.
શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઇનસ ૭.૩ ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. હિમાચલ પ્રદેશમાં લાહોલ અને સ્પીતિ જિલ્લાનું તાબો સૌથી ઠંડુ રહ્યું હતું. જ્યાં લઘુતમ તાપમાન માઇનસ ૧૦.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. મનાલીમાં લઘુતમ તાપમાન માઇનસ ૦.૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જ્યારે શિમલામાં ૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.
પંજાબ, હરિયાણા, રાજસ્થાન જેવા રાજ્યો અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ભીષણ ઠંડીની સ્થિતિ બની રહી હતી. નાતાલના દિવસે દિલ્હીમાં મહત્તમ તાપમાન ૨૨.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
જે સરેરાશ તાપમાનથી બે ડિગ્રી વધારે છે. રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુતમ તાપમાન ૮.૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. જે સામાન્યથી ૧.૫ ડિગ્રી સેલ્સિયસ ઓછું છે.
કાશ્મીરમાં મોટા ભાગના સ્થળોએ લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે. ખીણમાં ભીષણ ઠંડી ચાલુ છે જેના કારણે અનેક જળાશય અને અનેક વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન જામી ગઇ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસોમાં કાશ્મીરમાં લઘુતમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ગુલમર્ગ સિવાય કાશ્મીર ખીણના અન્ય તમામ હવામાન કેન્દ્રોમાં રાતના તાપમાનમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. કાશ્મીર ખીણ હાલમાં ૨૧ ડિસેમ્બરથી શરૂ થયેલ ચિલ્લાઇ કલાનના તબક્કામાંથી પસાર થઇ રહી છે. આ સમયગાળામાં ૪૦ દિવસ ભીષણ ઠંડી પડે છે.
હિમાચલ પ્રદેશમાં બરફ પડવાને કારણે ૨૨૬ રોડ બંધ કરવાની ફરજ પડી છે. શિમલામાં સૌથી વધુ ૧૨૩ રોડ બંધ કરવામાં આવ્યા છે.